નવી દિલ્હી: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના પ્રમુખ મોહન ભાગવતની (Mohan Bhagwat) સુરક્ષા વધારવામાં આવી છે. હવે સંઘના પ્રમુખ મોહન ભાગવતને એડવાન્સ સિક્યુરિટી લાયઝન (ASL) સુરક્ષા કવચ આપવામાં આવ્યું છે, એટલે કે સંઘના પ્રમુખ હવે ઉચ્ચ સુરક્ષા પ્રોટોકોલથી સજ્જ રહેશે. આ પહેલા પણ ભાગવત પાસે Z+ સુરક્ષા હતી. પરંતુ તેમને મળેલા ધમકી ભર્યા કોલ બાદ ગૃહ મંત્રાલયે મોહન ભાગવતની સુરક્ષા વધારવાનો નિર્ણય લીધો હતો.
RSS પ્રમુખ મોહન ભાગવતની સુરક્ષા વધારવાનો નિર્ણય તાજેતરમાં જ ગૃહ મંત્રાલયની સમીક્ષા બાદ લેવામાં આવ્યો હતો. ગૃહ મંત્રાલયની સમીક્ષા બેઠકમાં જણાવવામાં આવ્યું હતું કે ભાજપ શાસિત રાજ્યોમાં મોહન ભાગવતની સુરક્ષા કડક છે. પરંતુ બિન-ભાજપ શાસિત રાજ્યોમાં તેમની સુરક્ષામાં શિથિલતા જોવા મળી હતી. તેમજ પાછલા થોડા દિવસમાં ભાગવતને ધમકી ભર્યા કોલ પણ આવ્યા હતા. ત્યારે આવા સંજોગોને ધ્યાનમાં રાખીને, ભાગવતની સુરક્ષા Z Plus ASL સુધી વધારી દેવામાં આવી હતી. જણાવી દઇયે કે ભાગવત સિવાય આ પ્રકારની સુરક્ષા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સહિત 6 લોકોને આપવામાં આવી છે.
મોદી-શાહ સહિત આ લોકો પાસે છે Z Plus ASL સુરક્ષા
હમણા સુધીમાં વડાપ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ, ભૂતપૂર્વ વડા પ્રધાન ડૉ. મનમોહન સિંહ, કૉંગ્રેસના નેતા સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીને Z Plus ASL સુરક્ષા મળી છે. પરંતુ આ પૈકી પીએમ નરેન્દ્ર મોદી ASL ની SPG સુરક્ષા હેઠળ છે. જ્યારે બાકીના લોકોને CRPF તરફથી એડવાન્સ સિક્યોરિટી લાયઝન (ASL) મળ્યું છે. આ યાદીમાં RSS પ્રમુખ મોહન ભાગવત CISF તરફથી એડવાન્સ સિક્યુરિટી લાયઝન (ASL) મેળવનાર પ્રથમ વ્યક્તિ હશે.
Z+ ASL કવર શું છે?
જણાવી દઇયે કે Z Plus સુરક્ષામાં ASL કવર સૌથી વિશેષ છે. આ કવર પીએમ મોદીના એસપીજી કવર જેવું છે. ASL એ એડવાન્સ્ડ સિક્યુરિટી લાયઝન માટે વપરાય છે. ત્યારે ભાગવતના સુરક્ષા કર્મચારીઓ આ કવર સાથે જ તૈનાત રહે છે. સામાન્ય રીતે આ પ્રકારની સુરક્ષા ધરાવનારા વ્યક્તિઓ જ્યારે પણ કોઇ સ્થળે જાય છે, ત્યારે તેમના સુરક્ષા કર્મચારીઓ અગાઉથી જ તે સ્થળે પહોંચીને તેમની સુરક્ષાની વ્યવસ્થા કરે છે.