Comments

મોદીના જાદુ વિ. વાઘણની ગર્જના?

આસામ, કેરળ, બંગાળ અને તામિલનાડ વિધાનસભાઓની ચૂંટણીઓનું મહત્ત્વ કયાં છે? અલબત્ત, કોણ જીતે છે તે હંમેશા મહત્ત્વનું રહે છે, પણ કોણ જીતે છે કે હારે છે તેનું આ રાજયોમાં વિશેષ મહત્ત્વ છે.આ ચૂંટણીઓના દૌરમાં એક સમાન પરિબળ એ છે કે ભારતીય જનતા પક્ષ એક તરફ છે અને દરેક રાજયોમાં તેણે અલગ વિરોધીઓનો સામનો કરવો પડે છે. આસામ સિવાયનાં રાજયોમાં ભારતીય જનતા પક્ષ અજાણ્યા પ્રદેશમાં પગ મૂકી જુદાં જુદાં કારણસર આ પ્રદેશો કબ્જે કરવા માંગે છે.

પહેલું અને દેખીતું કારણ એ છે કે તે સાત વર્ષથી દોડવા માંડેલો પોતાનો વિજયરથ દોડતો રાખવા માંગે છે અને જેટલા નવા પ્રદેશ ઉમેરાય તેટલો ભારતીય જનતા પક્ષને ફાયદો છે અને વડા પ્રધાનની ટોપીમાં એક પીંછું ઉમેરાશે.

બીજું કારણ વૈચારિક છે, ભલે ભારતીય જનતા પક્ષે સત્તાના રાજકારણમાં વધુ મોટાં ધ્યેય સિધ્ધ કરવા પોતાની વૈચારિક ભૂમિકાનો ભોગ આપ્યો અને છતાં હજી બે સામાજિક રાજકીય વિચારધારાઓ સાથે તે વધુ ટક્કર લેવા સજ્જ થયો છે. આ વિચારધારાઓ છે- બંગાળમાં અને કેરળમાં ડાબેરી અને તામિલનાડમાં દ્રવિડીયન વિચારધારા.

એ હકીકત છે કે કેરળ, બંગાળ અને તામિલનાડ ભારતના એવા વૈવિધ્યસભર પ્રદેશમાં આવ્યા છે જયાં નરેન્દ્ર મોદી અને અમિત શાહના નેતૃત્વ હેઠળ ભારતીય જનતા પક્ષ હજી સત્તા કબજે કરી શકયો નથી. તેથી તેમણે પોતાના વિજયરથની ગતિ ચાલુ રાખવાની તાતી જરૂરિયાત છે. અહીં જ વિરોધ પક્ષો માટે પણ વિજયનું મહત્ત્વ છે એમ કેન્દ્રના ભૂતપૂર્વ નાણાં પ્રધાન અને ભારતીય જનતા પક્ષના પીઢ નેતા યશવંત સિંહાએ કહ્યું છે.

યશવંત સિંહા તાજેતરમાં તૃણમૂળ કોંગ્રેસમાં જોડાયા છે અને પક્ષનાં પ્રમુખ મમતા બેનરજીએ તેમની પક્ષના ઉપપ્રમુખ અને રાષ્ટ્રીય કારોબારીના સભ્ય તરીકે નિમણૂક કરી છે. ભારતીય જનતા પક્ષે શરૂ કરેલા અશ્વમેધ યજ્ઞ અથવા વિજયરથને અટકાવવાની જરૂરિયાત પોતાને તૃણમૂળ કોંગ્રેસમાં જોડાવાની જરૂરિયાત સમજાવીને યશવંત સિંહાએ સમજાવી છે.

આમ બંગાળમાં ભારતીય જનતા પક્ષ વિ. તૃણમૂળ કોંગ્રેસ અને કોંગ્રેસ ડાબેરી મોરચો તેમ જ તામિલનાડમાં દ્રવિડ મુનેત્ર કળગમ કોંગ્રેસની જોડી અને કેરળમાં ડાબેરી મોરચો અને કોંગ્રેસની આગેવાની હેઠળના યુ.ડી.એફ. વચ્ચે યુધ્ધ રેખા અંકાઇ ગઇ છે.

જો કે ભારતીય જનતા પક્ષ અને વિરોધ પક્ષની દ્રષ્ટિએ તમામની આંખો બંગાળ પર મંડાયેલી છે. હકીકત એ છે કે ભારતીય જનતા પક્ષે 2019 ની લોકસભાની ચૂંટણીમાં નરેન્દ્ર મોદીના મોજા પર સવાર થઇ 40.64 ટકા મત સાથે 18 બેઠકો જીતી હતી.

જયારે તૃણમૂલ કોંગ્રેસને 43.69 મત સાથે 22 બેઠકો મળી હતી. એટલે હવે ભારતીય જનતા પક્ષ વિધાનસભાની ચૂંટણીઓમાં પક્ષનો દાવ અજમાવી જુએ છે અને વીફરેલી વાઘણ મમતા બેનરજીને સપડાવવાની કોશિશ કરે છે પણ તે 2019 નું પુનરાવર્તન કરીને મમતાને સપડાવી શકશે?

કેરળ અને તામિલનાડમાં વિજય મેળવવાનાં ફાંફાં પડશે એવી ભારતીય જનતા પક્ષને લગભગ ખાતરી છે તેથી તે બંગાળ પર શસ્ત્રની જમાવટ કરી રહ્યો છે અને જો તેને અહીં સફળતા મળે તો કેરળ અને તામિલનાડમાં પણ તેનો દેખાવ સુધરી શકશે અને 2024 ની લોકસભાની ચૂંટણી પહેલાં મોટું બળ મળશે. કારણ કે આ વિસ્તારમાં સત્તાવિરોધી લાગણીને કારણે ગયેલી ખોટ સરભર કરવાની તક મળશે.

ભારતીય જનતા પક્ષ અત્યાર સુધીમાં સમજી ગયો છે કે બંગાળમાં તેને અજેય વિરોધી સાથે પનારો પડયો છે કારણ કે મમતાએ પોતાની જાતને શેરીની શૂરવીર પુરવાર કરી છે અને માર્કસ્‌વાદી આગેવાની હેઠળના ત્રીજા મોરચાના ત્રણ દાયકા જૂના ગઢને જમીનદોસ્ત કરી નાંખ્યો હતો. મોદીનો દેશના અન્ય ભાગોમાં કરિશ્મા છે તેવો કરિશ્મા મમતાનો બંગાળમાં છે અને તે મોદી કરતાં ચડે છે. હા, તૃણમૂળ કોંગ્રેસ ભારતીય જનતા પક્ષ કરતાં પૈસાની બાબતમાં પાછી પડે છે.

પણ ભારતીય જનતા પક્ષ પૈસાના જોરે જીતી જશે? મુશ્કેલ લાગે છે. ભારતીય જનતા પક્ષના ઇશારે મોટા મોટા નેતાઓ તૃણમૂળ કોંગ્રેસ છોડી ગયા, ‘તૃણમૂળ કોંગ્રેસ એક ડૂબતું જહાજ છે’ એવું માનવા મનાવવાના ભારતીય જનતા પક્ષ સતત પ્રયાસ કરે છે અને મમતા વ્હીલ ચેર પર બેસીને પણ વિચલિત નથી થતી.

ભારતીય જનતા પક્ષને કાબૂમાં રાખવા વિપક્ષી એકતાની જરૂર પડે તે માટે તૃણમૂળ કોંગ્રેસનો વિજય મહત્ત્વનો છે અને તેમનો વિજય થશે તો લોકસભાની આગામી ચૂંટણીમાં ભારતીય જનતા પક્ષ વિરોધી ગઠબંધનમાં મમતાનાં માનપાન વધી જશે. આવું થતું રોકવા ભારતીય જનતા પક્ષે 2018 ના વિજયના કેફમાંથી બહાર આવવું જ પડશે. ભારતીય જનતા પક્ષે હજી મમતાની સામે પોતાના મુખ્ય પ્રધાન પદના ઉમેદવારનું નામ પણ નથી આપ્યું.

બંગાળની સાથે સાથે અને તામિલનાડ અને કેરળમાં પણ દ્રવિડ મુનેત્ર કળગમની આગેવાની હેઠળનો વિપક્ષ મોરચો અને કોંગ્રેસની આગેવાની હેઠળનો યુ.ડા.એહ. વિજેતા થશે તો વિપક્ષોને એક થવા માટે મોટું બળ મળશે અને હેવાલ સૂચવે છે કે ભારતીય જનતા પક્ષમાં બંગાળ, તામિલનાડ અને કેરળમાં જૂના વિ. નવાની યાદવાસ્થળી ચાલે છે. ભારતીય જનતા પક્ષે બંગાળ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે અને મમતાના પ્રભાવ સામે ટક્કર લેવા મોદી ચૂંટણી સભાઓને સંબોધવાના છે.

ડાબેરીઓ અને કોંગ્રેસ ગઠબંધનની ચૂંટણીનાં પરિણામ પર કેટલી અસર પડશે તે કહેવાનું મુશ્કેલ છે પણ ત્રિકોણિયા જંગથી ભારતીય જનતા પક્ષને ફાયદો થશે. ભારતીય જનતા પક્ષ સામે ટક્કર લેવા તૃણમૂલની કોંગ્રેસ અને ડાબેરી મોરચો એક થશે તો મોદી સામે મોટો પડકાર આવે.

મોદીનો જાદુ કામિયાબ થશે કે વાઘણની ગર્જના?…

  • આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top