National

નરેન્દ્ર મોદી 9 જૂને સાંજે 6.00 કલાકે PM પદના શપથ લેશે

નવી દિલ્હી: લોકસભા ચૂંટણીના પરિણામો બાદ એનડીએ સરકારના શપથ ગ્રહણની પ્રક્રિયા તેજ થઈ ગઈ છે. શપથગ્રહણની તારીખને લઈને એક નવું અપડેટ આવ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર શપથ ગ્રહણ સમારોહ હવે 8 જૂનના બદલે 9 જૂને સાંજે 6.00 કલાકે શપથ લેશે. એટલે કે નરેન્દ્ર મોદી 9 જૂને ત્રીજી વખત પીએમ તરીકે શપથ લેશે.

આજે કેબિનેટને લઈને બેઠકોનો દોર ચાલી રહ્યો છે. લોકસભા ચૂંટણીમાં NDAને બહુમતી મળી છે અને તે ત્રીજી વખત સત્તામાં આવવા જઈ રહી છે. એનડીએ 292 બેઠકો જીતી અને બહુમતી હાંસલ કરી છે. વિપક્ષી ગઠબંધન ઈન્ડિયા બ્લોકને 234 બેઠકો મળી છે. ભાજપે એકલા હાથે 240 બેઠકો જીતી છે.

જોતે ભાજપ બહુમતી અંક 272થી ખૂબ પાછળ છે. 2014ની ચૂંટણીમાં ભાજપે મોદીના નેતૃત્વમાં 282 બેઠકો જીતી હતી અને 2019ની ચૂંટણીમાં તેણે 303 બેઠકો જીતીને પોતાના દમ પર બહુમતી મેળવી હતી. જો કે આ વખતે એનડીએ સાથી પક્ષોને સામેલ કરીને બહુમતી હાંસલ કરવામાં સફળ રહી છે.

ત્રીજી વખત પીએમ પદના શપથ લેતાની સાથે જ નરેન્દ્ર મોદીના નામે એક નવો રેકોર્ડ જોડાઈ જશે. તેઓ દેશના બીજા એવા નેતા બનશે જે સતત ત્રીજી વખત ચૂંટણી જીત્યા અને દેશના પીએમ બન્યા હોય. આ પહેલા આ રેકોર્ડ જવાહર લાલ નેહરુના નામે હતો. મોદી તેમના રેકોર્ડની બરાબરી કરશે.

આ પહેલા કેન્દ્રીય મંત્રી અમિત શાહ અને રાજનાથ સિંહ સહિત ભાજપના વરિષ્ઠ નેતાઓએ નવી સરકારની રચના અંગે ચર્ચા કરી હતી. ભાગીદાર પક્ષોને સમાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. શક્ય છે કે એનડીએના સાંસદો શુક્રવારે મળે અને નરેન્દ્ર મોદીને તેમના નેતા તરીકે ઔપચારિક રીતે પસંદ કરે. ત્યાર બાદ નવી સરકારના શપથગ્રહણની રૂપરેખા જણાવવામાં આવશે.

જેપી નડ્ડાના ઘરે ભાજપની બેઠક
જેડીયુ અને ટીડીપીના સમર્થન બાદ એનડીએ ત્રીજીવાર કેન્દ્રમાં સરકાર બનાવી રહી હોવાનું સ્પષ્ટ થયું છે. જોકે, મંત્રાલયોની વહેંચણી બાબતે આ વખતે ભાજપે સાથી પક્ષોનું હિત પણ ધ્યાન પર લેવું પડશે. આથી આજે સવારથી બીજેપી અધ્યક્ષ જે.પી. નડ્ડાના ઘરે ભાજપના મોટા નેતાઓની બેઠક ચાલી રહી છે. અમિત શાહ અને રાજનાથ સિંહ સહિત ભાજપના દિગ્ગજ નેતાઓ બેઠકમાં હાજર છે. બેઠકમાં નવી સરકાર બનાવવા અને શપથ ગ્રહણની તૈયારીઓ પર ચર્ચા કરવામાં આવશે. જેડીયુ, ટીડીપી સહિતના પક્ષોને મંત્રાલયો બાબતે મનાવવાની જવાબદારી રાજનાથ સિંહ, અમિત શાહને સોંપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

ચૂંટણી પંચ સાંજે રાષ્ટ્રપતિને મળશે
બીજી તરફ ચૂંટણી પંચ આજે સાંજે 4.30 વાગે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળશે. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમાર નવા સાંસદોના નામની યાદી રાષ્ટ્રપતિને સુપરત કરશે. તેઓ સત્તાવાર રીતે રાષ્ટ્રપતિને જણાવશે કે સૌથી મોટી પાર્ટી કે ગઠબંધન કોણ છે, કોની પાસે બહુમતી છે અને કોણ સરકાર બનાવવાનો દાવો કરી રહ્યું છે. ત્યાર બાદ રાષ્ટ્રપતિ તે પાર્ટી અથવા ગઠબંધનના નેતાને સરકાર બનાવવા માટે આમંત્રણ આપશે.

Most Popular

To Top