બ્રાઝિલની રાજધાની રિયો ડી જાનેરોમાં સોમવારે G20 સમિટના પ્રથમ દિવસે PM નરેન્દ્ર મોદીએ વિશ્વના નેતાઓ સાથે દ્વિપક્ષીય બેઠકો યોજી હતી. મોદીએ ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન, બ્રિટિશ પીએમ કીર સ્ટારમર, ઈટાલીના પીએમ જ્યોર્જિયા મેલોની, પોર્ટુગલના પીએમ લુઈસ મોન્ટેનેગ્રો, ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાન્ટો અને નોર્વેના પીએમ જોનાસ ગેર સ્ટોર સાથે દ્વિપક્ષીય મુદ્દાઓ પર વાતચીત કરી હતી.
સમિટ દરમિયાન પીએમ મોદી યુએસ પ્રમુખ જો બિડેનને પણ મળ્યા હતા અને તેમની વચ્ચે અનૌપચારિક વાતચીત થઈ હતી. પીએમ મોદીએ G20 સમિટના પ્રથમ બે સત્રો – ‘ભૂખ અને ગરીબી વિરૂદ્ધ એકતા’ અને ‘સરકારોની કામગીરીમાં સુધારો’ પર તેમના મહત્વપૂર્ણ સૂચનો પણ આપ્યા. બ્રિટિશ પીએમ કીર સ્ટારમેરે મોદીને મળ્યા બાદ કહ્યું કે ભારત સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA) પર વાટાઘાટો આવતા વર્ષે ફરી શરૂ કરવામાં આવશે.
G20 સમિટના પ્રથમ સત્રની થીમ ‘ભૂખ અને ગરીબી વિરૂદ્ધ એકતા’ હતી. પ્રથમ સત્રને સંબોધતા પીએમ મોદીએ બ્રાઝિલના રાષ્ટ્રપતિને જી-20ના સફળ સંગઠન માટે અભિનંદન પાઠવ્યા હતા. તેમણે કહ્યું કે બ્રાઝિલે તેની અધ્યક્ષતામાં નવી દિલ્હી સમિટમાં લીધેલા નિર્ણયોને આગળ વધાર્યા છે.
મોદીએ કહ્યું કે ભારતે 10 વર્ષમાં 25 કરોડ લોકોને ગરીબીમાંથી બહાર કાઢ્યા છે. અમે 80 કરોડ લોકોને મફત અનાજ આપી રહ્યા છીએ. 55 કરોડ લોકો મફત આરોગ્ય વીમાનો લાભ લઈ રહ્યા છે. ખેડૂતોને 20 અબજ ડોલર (1,68 હજાર કરોડ રૂપિયા) આપ્યા. ભારત વૈશ્વિક ખાદ્ય સુરક્ષામાં યોગદાન આપી રહ્યું છે. તાજેતરમાં માલાવી, ઝામ્બિયા અને ઝિમ્બાબ્વેને મદદ પૂરી પાડવામાં આવી છે.
બ્રાઝિલના રાષ્ટ્રપતિએ UNSCમાં સુધારાની માંગ ઉઠાવી
G-20માં બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુલા દા સિલ્વાએ ભારતને UNSCનો સભ્ય બનાવવાની માંગ કરી હતી. તેમણે કહ્યું કે જ્યારે સંયુક્ત રાષ્ટ્રની રચના થઈ ત્યારે તેના માત્ર 56 સભ્યો હતા. આજે 196 દેશો છે. સુરક્ષા પરિષદમાં આજે આફ્રિકન ખંડ ક્યાં છે? સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં લેટિન અમેરિકન દેશોનું પ્રતિનિધિત્વ ક્યાં છે? એશિયા ક્યાં છે? દક્ષિણ આફ્રિકા, જર્મની, ભારત ક્યાં છે? આ દેશો ક્યાં છે?’
વડાપ્રધાન મોદી 18 નવેમ્બરે સવારે રિયો ડી જાનેરો પહોંચ્યા હતા. અહીં ભારતીય સમુદાયે તેમનું સંસ્કૃત મંત્રોથી સ્વાગત કર્યું હતું. આ પહેલા મોદી નાઈજીરિયાના બે દિવસના પ્રવાસે હતા. ત્યાં તેમને સર્વોચ્ચ રાષ્ટ્રીય સન્માન ‘ધ ગ્રાન્ડ કમાન્ડર ઓફ ધ ઓર્ડર ઓફ ધ નાઈજર’ એનાયત કરવામાં આવ્યો હતો. બ્રાઝિલ બાદ મોદી ગયાના જશે.