અમદાવાદઃ નરેન્દ્ર મોદી સતત ત્રીજીવાર દેશના વડાપ્રધાન બન્યા બાદ પહેલીવાર ગુજરાતના પ્રવાસે આવ્યા છે. આજે તા. 16 સપ્ટેમ્બરના રોજ અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે વડાપ્રધાનના ભવ્ય સન્માનના કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં વડાપ્રધાને 8000 કરોડથી વધુના વિકાસ કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરી ગુજરાતીઓને મોટી ભેંટ આપી હતી.
આ ઉપરાંત વડાપ્રધાને તેમના જન્મદિવસના એક દિવસ પહેલાં આજે ગુજરાતીઓને વંદે મેટ્રોની ભેંટ આપી હતી. અમદાવાદ અને ભુજ વચ્ચે વંદે મેટ્રો ભારત ટ્રેન દોડાવાઈ હતી. જોકે, આ ટ્રેનનું લોકાર્પણ કરતા પહેલાં તેનું નામ બદલવામાં આવ્યું છે. હવે આ ટ્રેન ‘નમો ભારત રેપિલ રેલ’ તરીકે ઓળખાશે.
નમો રેપિલ રેલથી મિડલ કલાસને ફાયદો થશેઃ મોદી
પહેલી નમો રેપિડ રેલના લોકાર્પણ પ્રસંગે વડાપ્રધાને કહ્યું કે, અમદાવાદ-ભૂજ વચ્ચે દોડતી આ ટ્રેનથી મિડલ ક્લાસ લોકોને ફાયદો થશે. આવનારા સમયમાં દેશના અનેક રાજ્યોમાં નમો ભારત રેપિલ રેલ દોડશે. દેશના 15થી વધુ રૂટ પર નવી નમો ભારત રેપિડ રેલ શરૂ થશે. અત્યારે 125થી વધારે વંદે ભારત ટ્રેન દોડી રહી છે. ભારતનો આ ગોલ્ડન સમય છે. આગામી 25 વર્ષમાં ભારત વિકસિત બનશે. જેમાં ગુજરાતની સૌથી મોટી ભુમિકા રહેશે.
ગુજરાતને નવી ઊંચાઈ પર લઈ જવાનું છેઃ મોદી
PM નરેન્દ્ર મોદીએ અમદાવાદમાં સભા સંબોધતા કહ્યું કે, ગુજરાતને નવી ઊંચાઈ પર લઈ જવાનું છે. ક્વોલિટી સારી નથી, નિકાસ થતું નથી તે માનસિકતામાંથી બહાર નીકળવું પડશે. ભારત નવા સંકલ્પોની સાથે કામ કરે છે. હાલના દિવસોમાં મને અનેક દેશોમાં અનેક મંચ પર પ્રતિનિધિત્વ કરવાનો મોકો મળ્યો છે. બધા ઈચ્છે છે કે, ભારત સાથે સારા સંબંધ રહે. કોઈ સમસ્યા હોય તો ભારતને સમાધાન માટે યાદ કરે છે. દુનિયાને આશા વધી ગઈ છે.
ઉત્સવ સાથે પીડા પણ અનુભવી રહ્યો છુંઃ મોદી
ગણેશોત્સવ, ઈદે મિલાદની ઉજવણી ચાલી રહી છે. ઉત્સવમાં ખુશીનો માહોલ છે, પરંતુ હું આ ઉત્સવ વચ્ચે પીડા અનુભવી રહ્યો છું. ગુજરાતના અનેક ભાગોમાં અતિવૃષ્ટિના લીધે ખૂબ નુકસાની થઈ છે. લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે. જાનમાલને નુકસાન થયું છે.
ગુજરાતમાં મને નવી ઉર્જા મળે છેઃ મોદી
ત્રીજી વખત વડાપ્રધાન બન્યા બાદ પહેલીવાર ગુજરાત આવ્યો છું. ગુજરાત મારી જન્મભૂમિ છે. દીકરો ઘરે આવે ત્યારે તમારા આશીર્વાદ મળે એટલે મને નવી ઉર્જા મળે છે. દેશની સેવા કરવાનો મને ત્રીજીવાર તક મળી છે.