National

પોતાને મહાન ગણાવવાની લાહ્યમાં મોદીએ લોકો માટે મહા આફત નોતરી

સમસ્યા નક્કર વાસ્તવિકતા આધારિત સત્યોને નકારીને અથવા તેની ઉપેક્ષા કરીને તેની જગ્યાએ કાચું, અધૂરું અને મનગમતું ‘વાસ્તવ’ પેદા કરીને નવાં ‘સત્યો’ સ્થાપવાની ચેષ્ટાની છે. અંગ્રેજીમાં આને નેરેટીવ કહેવામાં આવે છે. લોકોને એમ લાગે કે સાહેબ કાંઈક નવું વિચારી રહ્યા છે, કોઈ અનોખું આયોજન કરી રહ્યા છે. એ જ્યારે થશે ત્યારે આપણો દેશ એક નવી ઊંચાઈ પ્રાપ્ત કરશે. લોકો જૂનો છબરડો ભૂલીને ફરી પાછા આશા રાખતા થઈ જાય. લોકોને એમ પણ લાગે કે સાહેબ હેપી ગો લકી એવા અ-ગંભીર શાસક નથી, પણ નવી તરાહના શાસક છે. ફરી પાછા લોકો સાહેબમાં શ્રદ્ધાનું રોકાણ કરે.

ગયા વરસના જૂન મહિનામાં ચીનના સૈનિકોએ ભારતની ભૂમિમાં પ્રવેશ કરીને ગાલ્વાનની ખીણમાં વીસ ભારતીય જવાનોને ક્રૂરતાપૂર્વક મારી નાખ્યા ત્યારે ભારતના વડા પ્રધાને સત્તાવાર રીતે સર્વપક્ષીય બેઠકમાં કહ્યું હતું કે ભારતમાં કોઈ પ્રવેશ્યું જ નથી અને ભારતની ભૂમિ ઉપર કોઈએ કબજો કર્યો નથી. એ પછી વિદેશી મીડિયાએ સેટેલાઈટ તસ્વીરો રીલીઝ કરીને સાબિત કરી આપ્યું હતું કે ચીને ભારતની લડાખની ભૂમિમાં ઊંડે સુધી પ્રવેશ કર્યો છે અને લશ્કરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર બાંધી રહ્યું છે. જ્યારે જુઠ પકડાઈ જાય ત્યારે રાબેતા મુજબ મોઢું ફેરવી લઈને ચૂપ થઈ જવાનું. ગયા વરસે વડા પ્રધાનના આવા વલણની જાગતિક મીડિયામાં ભારે ટીકા થઈ હતી. પણ વડા પ્રધાનને તેનાથી કોઈ ફરક નહોતો પડ્યો. તેઓ મનભાવન ‘વાસ્તવ’ના સર્જનમાં લાગી ગયા હતા.

ગાલ્વાનની ઘટના પછી ત્રણેક અઠવાડિયામાં ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડીકલ રીસર્ચને કહેવામાં આવ્યું હતું કે ઓગસ્ટના પહેલા અઠવાડિયા સુધીમાં કોવીડ સામેની રસી તૈયાર કરીને આપો. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડીકલ રીસર્ચ અને નેશનલ ઇન્સ્ટીટયુટ ઓફ વાઈરોલોજી નામની બે સરકારી સંસ્થાઓ અને ભારત બાયોટેક નામની ખાનગી કંપની મળીને રસી બનાવવાનો પ્રયોગ કરી રહી હતી. જગતના બીજા અનેક દેશોમાં સરકારી અને ખાનગી રાહે રસી તૈયાર કરવાનું કામ ચાલતું હતું. ભારતને જો તેમાં સફળતા મળે તો ભારત તેની સંપૂર્ણ સ્વદેશી રસી જગત સમક્ષ મૂકી શકે એમ હતું. એમાં કોઈ શંકા નહોતી કે એ ભારત માટે ગૌરવની વાત હતી.

પણ વડા પ્રધાન ગાલ્વાનની ઘટનાનો ખંગ વાળવા માગતા હતા. જગતના મહાન નેતા કોઈ અનોખું આયોજન કરીને, પૂરી તાકાત લગાડીને ભારત જેવા બહોળી વસ્તીવાળા દેશને કોરોનામુક્ત કરવાના કામે લાગી ગયા છે એવું એક નવું મનભાવન વાસ્તવ (નેરેટીવ) તેઓ તૈયાર કરવા માગતા હતા. એટલે તેમણે રસીના રાષ્ટ્રવાદનો ઉપયોગ કર્યો હતો જેનું પરિણામ આજે આપણી સામે છે. તેઓ ૧૫મી ઓગસ્ટે આઝાદીના દિવસે દુનિયા સાંભળે એમ લાલ કિલ્લા પરથી જાહેર કરવા માગતા હતા કે ભારતે શુદ્ધ સ્વદેશી રસી બનાવી લીધી છે. રસી વિકસાવવામાં ભારત દુનિયાનો પહેલો દેશ છે. આગળ જતાં તેમના મનોરથ હતા કે કોરોના ઉપર વિજય મેળવનાર ભારત જગતનો પહેલો દેશ બને, ભારત દુનિયાને રસી આપીને કોરોનામુક્ત કરવામાં અગ્રેસર બને, ભારત અવિકસિત ગરીબ દેશોને મફત રસી આપીને જગત ઉપર ઉપકાર કરે, ભારતના પાડોશી દેશોને ચીન રસી પહોંચાડે એ પહેલાં ભારત રસી પહોંચાડીને મોટા ભાઈ તરીકેનું સ્થાન સ્થાપિત કરે, ભારત વિશ્વગુરુ બને, ભારત જગતના વિકસિત દેશોને રસી વેચીને વર્લ્ડ ફાર્મસી બને વગેરે વગેરે. આ કોઈ મારી કલ્પના નથી, વડા પ્રધાન આમ બોલ્યા છે. તેમણે પોતે વખતોવખત આ રીતનાં નિવેદનો કરીને એક મનભાવન વાસ્તવ (નેરેટીવ) પેદા કર્યું હતું અને લોકોએ તેને સ્વીકાર્યું હતું. ૧૫ મી ઓગસ્ટે તો રસી તૈયાર ન થઈ શકી, પણ સૌથી પહેલાં વૈતરણી તરી જવાની હોડ તો શરૂ કરી જ હતી.

વડા પ્રધાન આવા મનોરથ સેવતા હોય તો એમાં કાંઈ જ ખોટું નહોતું. ઉલટું આપણે આપણા વડા પ્રધાન માટે ગૌરવ લેવું જોઈએ કે તેઓ આટલા વિશાળ ફલકમાં વિચારી શકે છે અને આટલી મહત્ત્વાકાંક્ષી યોજનાઓ બનાવી શકે છે. કોઈ કાચોપોચો શાસક આવું બીડું ઉઠાવવાની હિંમત જ ન કરે. અમેરિકાએ અને યુરોપના વિકસિત દેશોના શાસકોએ તો પોતાની પ્રજા અને પોતાના સીમાડા પૂરતું જ વિચાર્યું હતું, જ્યારે કે તેની વસ્તી ભારતથી દસમા ભાગની અને તેનાથી પણ ઓછી છે. આ બાજુ એક અબજ પાંચીસ કરોડની વસ્તી ધરાવતા દેશનો શાસક પોતાના દેશને કોરોનામુક્ત કરવાનું અને વિશ્વને પણ કોરોનામુક્ત કરવામાં યોગદાન આપવાનું વિચારતો હોય અને ખોંખારો ખાઈને કહેતો હોય તો આપણી છાતી ગજગજ ફૂલવી જોઈએ. કોઈ બત્રીસલક્ષણો શાસક જ જગત સાંભળે એમ આવો દાવો કરી શકે.

હવે અહીં સવાલ ઉપસ્થિત થાય છે કે ચીન સામેની નાલેશીને ધોવા અને પ્રજામાનસમાંથી એ ભૂલાવવા જે મનભાવન ચિત્ર તેમણે દોર્યું હતું એને સાકાર કરવું શું સાવ અશક્ય હતું? તેની પાછળ હેતુ અથવા આશય ગમે તે હોય, પણ પ્રજામાનસમાં કોરોનામુક્ત કરી આપવાની જે આશા તેમણે પેદા કરી હતી એ પૂરી કરી શકાય એમ હતી કે પછી એ સાવ શેખચલ્લી સપનાં હતાં? મને એમ લાગે છે કે એ અસંભવ નહોતું.
ભલે સો ટકા નહીં, પણ ૮૦ ટકા અને ૮૦ ટકા નહીં તો પણ ૭૦ ટકા પરિણામ તો મળ્યું જ હોત. એમાં કોઈ શંકા નથી કે જો ૭૦ ટકા પરિણામ પણ મળ્યું હોત તો વડા પ્રધાન ઊંચક્યા ઉંચકાતા ન હોત. અમેરિકનો અને યુરોપિયનો જે પ્રજાને ‘બ્રેઈની’ તરીકે ઓળખાવે છે એ ભારતીય પ્રજા માટે આ અશક્ય નહોતું. હમણાં મેં ક્યાંક વાંચ્યું હતું કે જગતના શ્રેષ્ઠ ૨૦ એપીડેમિયોલોજીસ્ટો (રોગચાળાના નિષ્ણાત)માં ૧૫ ભારતીય છે.

ટૂંકમાં શિવધનુષ ઊંચકવું મુશ્કેલ નહોતું. ભલે તીરની દિશા આકાશ તરફ ન હોત તો પણ નાકના લેવલે સામેની દિશાએ તો હોત જ. આ અશક્ય નહોતું. પણ તો પછી એવું શું બન્યું કે જે શક્ય બની શકતું હતું એ શક્ય ન બન્યું? આની ચર્ચા હવે પછી.
-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top