surat : ગત 25 મીના રોજ આયુષ હોસ્પિટલમાં કોવિડ આઇસીયુ ( covid icu ) માં આગની ઘટના બની હતી. જેમાં 5 જેટલા નિર્દોષ લોકોના મોત નીપજ્તા ફાયર વિભાગ દોડતું થઇ ગયું હતું. ત્યાર બાદ છેલ્લા એક મહિનામાં શહેરની વિવિધ 27 હોસ્પિટલોમાં મોકડ્રીલ ( Mockdrill) નું આયોજન કર્યુ હતું. જેમાં ડોક્ટર તથા નર્સ સહીત સ્ટાફને ફાયર સેફટી ( fire safety) ને લઇને જરૂરી માર્ગદર્શન આપી તેમજ જાગૃત કરી આગની ઘટનાઓના સમયે કરવામાં આવતી જરૂરી કામગીરી અંગે તાલીમ આપવામાં આવી રહી છે. ગુજરાતમાં કોરોના મહામારી દરમિયાન કેટલીય કોવિડ હોસ્પિટલોમાં આગ લાગવાની ઘટનાના કારણે માસૂમ દર્દીઓના જીવ ગયા છે. ત્યારે આગ લાગ્યા પછી કૂવો ખોડવાની સરકારની નીતિ મુજબ હવે જાગીને મનપા અલગ અલગ હોસ્પિટલોમાં મોકડ્રીલ કરી રહી છે અને જ્યાં સુવિધાનો અભાવ છે ત્યાં નોટિસ ફટકારીને સંતોષ માની રહી છે.
ચીફ ફાયર ઓફિસર બસંત પારીકે જણાવ્યું હતું કે, શહેરમાં એપ્રિલ મહિનામાં ખાનગી તેમજ સરકારી હોસ્પિટલો મળીને 27 હોસ્પિટલમાં મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. નવી સિવિલ – સ્મીમેર હોસ્પિટલ સહિતની ખાનગી હોસ્પિટલોમાં મોકડ્રિલનું આયોજન કરી ડોકટર, નર્સ, ચોથા વર્ગના કર્મચારીઓ સિક્યુરિટી ગાર્ડ સહિતના સ્ટાફને આગ લાગે ત્યારે બચાવ કામગીરી, આગની ઘટનાને કેવી રીતે કાબુમાં કરી શકાય, તેમજ હોસ્પિટલમાં વસાવવામાં આવેલા ફાયર એક્ઝિટગ્યુર સહિતના ફાયરના સાધનોનો ઉપયોગ કેવી રીતે કરી શકાય તે સહિતની જરૂરી માહિતી અને માર્ગદર્શન આપી ફાયરના સાધનોના ઉપયોગ અંગે તાલીમ આપવામાં આવી હતી. મોકડ્રીલ દરમિયાન 27માંથી 3 હોસ્પિટલમાં ખામી દેખાઇ હતી. અમરોલીની પ્રાણનાથ હોસ્પિટલમાં ઇમરજન્સી એક્ઝિટનો અભાવને લઇને નોટિસ, લાલદરવાજાની સીમ્સ હોસ્પિટલમાં એલિવેશનનો નિકાલ કરવા નોટિસ અને સુરત જનરલ હોસ્પિટલ પાસે ટ્રાફિક થવાથી પોલીસને જાણ કરાઇ હતી.
ખટોદરાની આઇએનએસ હોસ્પિટલમાં મોકડ્રીલ અને સ્મીમેરમાં સ્ટાફને તાલીમ
ખટોદરા આઈએનએસ હોસ્પિટલમાં સવારે 10 વાગ્યે બીજા માળે સેમી આઈસીયુ વોર્ડમાં મોકડ્રીલ યોજાઈ હતી. આગ લાગવાનો ફાયર વિભાગના કંટ્રોલ રૂમને કોલ મળ્યો હતો. જેથી માનદરવાજા, મજૂરાગેટ ફાયર સ્ટેશનથી ફાયરના અધિકારીઓ અને જવાનો સહિત 50 થી 55 કર્મચારીઓનો સ્ટાફ સ્થળ ઉપર પહોંચ્યો હતો અને બીજા માળે આઈસીયુમાં ફસાયેલા પાંચ દર્દીઓનો રેસ્ક્યુ કર્યુ હતું. ત્યારબાદ હોસ્પિટલના ડોક્ટર, નર્સ સહિત સ્ટાફને આગની ઘટના અંગે તાલિમ આપી હતી. ઉપરાંત સહારા દરવાજાની સ્મીમેર હોસ્પિટલમાં ડી-બ્લોકમાં ફાયર વિભાગ દ્વારા સ્ટાફના લોકોને બેઝિક ફાયર લક્ષી તાલીમ અપાઈ હતી