વાપી : વલસાડ (Valsad) એસઓજી ટીમે વાપીના (Vapi) ડુંગરા હરિયા પાર્કથી મોબાઈલ સ્નેચિંગના (Mobile snatching) ફોન (Phone) રાખનાર દુકાન સંચાલક અને વપરાશ કરનારા ઈસમોને ઝડપી પાડ્યા હતા. પોલીસે (Police) દુકાનમાંથી 36 મોબાઈલ અને વપરાશ કરનાર ચાર મોબાઈલ મળી કુલ 40 મોબાઈલ ફોન કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
વાપી વિસ્તારમાં મોબાઈલ સ્નેચિંગ તથા ચોરીના બનાવો બનતા તેને ઉકેલવા માટે વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક ડો.રાજદીપસિંહ ઝાલાએ આપેલી સૂચના તથા એસઓજી વલસાડના પીઆઈ જે.એન.ગોસ્વામીના માર્ગદર્શન હેઠળ એસઓજી ટીમ વાપીમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન મળેલી બાતમીના આધારે વાપીના ડુંગરા હરીયા પાર્ક ગેટની બાજુમાં શ્રી ક્રિષ્ના મોબાઈલ દુકાનના માલિકે સ્નેચિંગ તથા ચોરીના મોબાઈલ રાખેલા છે. જેના આધારે પોલીસે દુકાનમાં જઈ તપાસ હાથ ધરતા વિવિધ કંપનીઓના સેકેન્ડ હેન્ડ મોબાઈલ ફોન કુલ 36 (કિં.રૂ.આશરે 1,32,000/-) મળી આવ્યા હતાં. જેના આધાર-પુરાવા નહીં હોવાનું બહાર આવતા પોલીસે દુકાન સંચાલક રાજકુમાર રામજીવન વર્મા (રહે.ડુંગરા,હરીયા પાર્ક,વાપી)ની અટક કરી વાપી ડુંગરા પોલીસ મથકે સોંપી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
ઉપરાંત પોલીસ ટીમે બાતમીના આધારે સ્નેચિંગ થયેલા મોબાઈલ ફોન વાપરનારા ઈસમોને પણ ઝડપી ફોન રીકવર કર્યા હતા. વાપીના ડુંગરા પોલીસ મથકમાં મોબાઈલ સ્નેચિંગના બે ગુના નોંધાયેલા હતા તે ઉકેલી કાઢ્યા હતાં. એસઓજી ટીમે કુલ 40 મોબાઈલ ફોન કબજે કરી પાંચ ઈસમની અટક કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આહવાથી ચોરાયેલી પીકઅપ વાન સાથે આરોપી ઝડપાયો
સાપુતારા: ડાંગ એલ.સી.બી પોલીસની ટીમે આહવાથી ચોરાયેલી પીકઅપ વાન સહિત આરોપીની ધરપકડ કરી હતી.
આહવાનાં ડાંગ સ્વરાજ આશ્રમ પાસે પાર્ક કરાયેલી વેપારીની પીકઅપ વાન કોઈક અજાણ્યો ઈસમ ચોરી કરી ગયો હતો. જે ચોરી અંગેની વેપારીએ આહવા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદનાં આધારે ડાંગ એલ.સી.બી પોલીસની ટીમે ચોરી થયેલી પીકઅપ વાનની તપાસ હાથ ધરી હતી.
દરમિયાન તેઓને બાતમી મળી હતી કે, ચોરીનાં ગુનાની પીકઅપ વાન ગાડી નં. (જીજે-30-ટી-3817) ચીખલી ગામ થઈ વાસુર્ણા ગામ તરફ આવી રહી છે. જેથી પોલીસની ટીમે સોનગીર ફાટક પાસે વોચ ગોઠવી હતી. તે દરમિયાન ચોરીની પીકઅપ ગાડી આવતાં તેઓએ ઉભી રાખી ચાલકને પૂછપરછ કરી ગાડીનાં કાગળીયા માંગતા સંતોષકારક જવાબ મળ્યો ન હતો. પોલીસની ટીમે પીકઅપ વાન ચાલક જ્યંવતભાઈ તુલસીરામ પવાર (રહે.ઉમરેમાળ, તા.સુરગાણા, જી.નાસિક)ને અટકાયતમાં લઈ પૂછપરછ કરતાં આ ઈસમે જ આહવાથી પીકઅપ ગાડીની ચોરી કર્યાનું કબુલાત કરતા પોલીસે મુદામાલ સાથે ધરપકડ કરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.