આણંદ : આણંદના મંગળપુરા ફાટક પાસે મંગળવારની મોડી રાત્રે મોબાઇલ પર વાતોમાં વ્યસ્ત યુવકને ટ્રેન આવવાની ભનક ન લાગી અને હડફેટે આવી જતાં ગંભીર ઇજા પહોંચતાં સ્થળ પર જ મોત નિપજ્યું હતું. આ અંગે શહેર પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો હતો. આણંદ શહેરના જીટોડીયા રોડ પર આવેલા વિસ્તૃત પાર્ક ખાતે રહેતા દીપક રમણભાઈ બારોટ (ઉ.વ.29) મંગળવારની મોડી રાત્રે કોઇ કામ અર્થે ઘરની બહાર નિકળ્યાં હતાં. તેઓ મંગળપુરા ફાટક પાસે હતાં, તે સમયે મોબાઇલ પર વાતો કરતાં હતાં. જોકે, આ વાતો દરમિયાન તે ટ્રેક સુધી પહોંચી ગયાં હતાં.
આ સમયે ટ્રેન આવી હતી, જેની કોઇ જ જાણ દીપકને થઇ ન હતી અને ટ્રેન હડફેટે ચડી ગયો હતો. આ ટ્રેન ટક્કરમાં દીપકને માથામાં ગંભીર ઇજા પહોંચતા સ્થળ પર જ મોત નિપજ્યું હતું. આ અંગેની જાણ થતાં તેમના પરિવારજનો સ્થળ પર પહોંચ્યાં હતાં. આ બનાવ અંગે આણંદ શહેર પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
મૃતક યુવક કાઉન્સિલરનો ભાઈ થાય
મંગળપુરા પાસે ટ્રેન હડફેટે જીવ ગુમાવનાર દિપકનો મોટો ભાઈ કેતન બારોટ આણંદ પાલિકામાં કાઉન્સીલર છે. તેઓ ભાજપ મેન્ટેડ પર વિજેતા બન્યો છે.