દરેકના જીવનમાં મિત્રો હોય છે, હોવા જ જોઈએ, દોસ્તીને કોઇ સીમા હોતી નથી. ત્યાં જવા માટે કોઇ પાસપોર્ટની જરૂર નથી. મૈત્રી શબ્દ અંદરની નફરતને નષ્ટ કરી નાંખે છે. મિત્રો કયારેય નફાનુકસાનની વાતો ન કરે, મિત્રની હૂંફની સુગંધ માણવાનો પોતીકો અવસર એટલે ‘ફ્રેન્ડશીપ ડે’. દોસ્તીમાં દોસ્તી સિવાય કશું યે હોતું નથી. નથી હોતાં કારણો, નથી હોતો સ્વાર્થ, ન કોઇ બંધન, ન ખુલાસાઓની ખટપટ બસ, એક મજબૂત દોર બંનેને જોડી રાખે છે. કુંડળી મેળવ્યા વગર જ સ્થાપિત થતો અને આજીવન કાયમી રહેતો સંબંધ એટલે જ મિત્રતા. કહેવાય છે ને કે જયારે કુદરતને લોહીના સંબંધો બનાવ્યા પછી સંતોષ ન થયો ત્યારે તેણે દોસ્તીનું સર્જન કર્યું. દોસ્તી તો જીવનનો બહુ મોટો સધિયારો હોય છે. એ એવો પ્રદેશ છે, જયાં વ્યક્તિ એકલી હોય છતાં એેકલતા હોતી નથી. કુટુંબના સંબંધ, માબાપ, ભાઈબહેન જેવા સંબંધો આપણા હાથની વાત નથી પણ દોસ્તની યોગ્ય પસંદગી તો આપણા હાથમાં જ હોય છે ને!
ગાઢ અને નિર્મળ દોસ્તી તો હવે લગભગ ખોવાઈ જ ગઇ છે. અમુકતમુક ડે, ફેસબુકીયા ફ્રેન્ડસ જેવા દિવસો તો જાણે જલસો કરવા માટે જ બનાવાયા હોય એવું લાગે છે. લોકોને પણ હવે ડિસ્પોઝીબલ મિત્રો જ ખપે છે. વિશ્વાસનો સેતુ કાચા ધાગાની જેમ તૂટી જાય છે. આજના સમયમાં તો દોસ્તી દુર્લભ થતી જાય છે તેથી જ સાચી મિત્રતાનું મૂલ્ય દિવસે દિવસે વધતું જાય છે.
કોઇ કવિએ સાચું જ કહ્યું છે કે…
હું શબ્દ ને તું અર્થ, તારા વગર હું વ્યર્થ
મળ્યું શું ગુમાવ્યું શું? સવાલ ઘણા
પણ જવાબ હોય, એક માત્ર-મિત્ર!
છે એક સાચો મિત્ર કોઇની પાસે? જો હોય તો દુનિયામાં તમે સૌથી સુખી અને શક્તિશાળી વ્યક્તિ છો.
પ્રવીણ સરાધીયા,સુરત
ભાઈબહેનના સ્નેહનું પ્રતીક રાખડી
આપણા સમાજમાં રક્ષાબંધનના પર્વનો અનેરો મહિમા છે કારણ કે એક જ ઘરમાં અને માતાપિતાની છત્રછાયામાં ઉછરેલા ભાઈબહેન વખત જતાં નોખાં પડી જાય છે. બહેનો ઉંમરલાયક થતાં પરણીને સાસરે જાય છે અને ભાઈઓ કામધંધો કરવા લાગે છે. રક્ષાબંધનના દિવસે બહેન પોતાના ભાઈના હાથે રાખડી બાંધી ભાઈના જીવનની મંગલ કામના તથા દીર્ઘાયુષની પ્રાર્થના કરે છે. રાખડી એ એક સૂતરનો તાર કે ધાગો નથી પરંતુ ભાઈબહેનના સ્નેહનું પ્રતીક છે. એક પુરાણી ફિલ્મમાં એક ગીત લખાયું છે કે ‘ઈસે સમજો ના સૂતર કા તાર ભૈયા, મેરી રાખી કા મતલબ હૈ પ્યાર ભૈયા’.
આમ તો રાખડી એ સૂતરનો તાર કે ધાગો જ છે પરંતુ એનું મૂલ્ય અણમોલ છે અને બહેનનો ભાઈ પ્રત્યેનો સ્નેહ,લાગણી અને વિશ્વાસ છે. કહેવાય છે કે દ્રૌપદીએ ભગવાન શ્રીકૃષ્ણને રાખડી બાંધી હતી તો કુંતા માતાએ અભિમન્યુને રાખડી બાંધી હતી અને મહાભારતના યુદ્ધમાં વિજયની કામના કરી હતી. રાણી કર્માવતીએ પોતાના શીલની રક્ષાને માટે મોગલ બાદશાહ હુમાયુને રાખડી મોકલાવી હતી. આમ આપણાં ઈતિહાસ, પુરાણો તથા શાસ્ત્રોમાં પણ રાખડીનું વિશેષ મહત્ત્વ સમજાવેલ છે. રક્ષાબંધનને બળેવ તથા નાળિયેરી પૂનમ તરીકે પણ ઓળખવામાં આવે છે. બળેવના દિવસે બ્રાહ્મણો સમૂહમાં એકઠા થઈ, નદીકિનારે સ્નાન કરી, પૂજા, અર્ચના તથા ગાયત્રી મંત્રોચ્ચાર સાથે સૂર્યદેવની સાક્ષીમાં જૂનું યજ્ઞોપવિત કાઢી નવું યજ્ઞોપવિત ધારણ કરે છે અને બ્રહ્મભોજન કરી બધાં છૂટાં પડે છે. તો બીજી તરફ સાગરખેડુઓ પોતાની નાવ દરિયાકિનારે લાંગરી, કંકુ અને શ્રીફળ સાગરને અર્પણ કરીને સાગરદેવની પૂજા કરે છે.
-યોગેશભાઈ આર જોશી હાલોલ. જિ.પંચમહાલ
હેતનું વાત્સલ્યરૂપી ઝરણું એટલે ‘ફ્રેન્ડશીપ ડે’
દાગીના, ઝવેરાત મૂકવા માટે ભાડેથી લોકર મળી જાય. રૂપિયા, એફ. ડી. રોકાણ સાચવવા બેન્ક મળી જાય પણ હૃદયની વાતો, હૈયાની વરાળ સાંભળવા માટેનું સલામત, વિશ્વાસુ પાત્ર એટલે ફ્રેન્ડ. સાચી મિત્રતા આગળ વાણી- વર્તનની કોઇ લક્ષ્મણરેખા નથી. સમજણની, દરિયાદિલની અદૃશ્ય રેખા છે. દોસ્તીમાં સરવાળા-બાદબાકીનું મેથ્સ કામમાં નહીં આવે.
ફ્રેન્ડશીપ કોઇના બંધનથી બંધાયેલી હોતી નથી. કુદરતી એકબીજાના પરિચયમાં, વાકચાતુર્યથી તાણાવાણાની જેમ વણાય જતી હોય છે. ફ્રેન્ડશીપનો અર્થ મિત્રવર્તુળનું જહાજ તેમાં લેડીઝ, જેન્ટસ બોયઝ, ગર્લ્સ બધા જ આવી શકે છે. મારી જિંદગીમાં અનેક બહેનપણીઓ છે.
ઘણા બધા સાથે સારા-નરસા પ્રસંગો બન્યા, વાતો કરી એકબીજાને હૂંફ-હિંમત આપી. એમાંના એક અલગ પ્રકારના ફ્રેન્ડ જે મુંબઇ નિવાસી છે એની વાત કરવાનો આજે મોકો મળ્યો છે. આજથી સાત-આઠ વર્ષ પહેલાંનો કિસ્સો યાદ કરું છું. કલ્પના બહારનો છે, સપનું લાગે પણ સાકાર થયું. ખાસ સંબંધ, મિત્રતા નહોતી. જેમનું નામ છે પ્રભાબેન પટેલ. ફોન પર મહિલામંડળના પ્રોગ્રામોની વાતો કરતાં કાંઇક નવા પ્રોગ્રામ, પ્રોજેકટની એકબીજા સાથે ચર્ચા થાય. મેં વાતવાતમાં કહ્યું ‘મારી ઇચ્છા આપણા સમાજના જરૂરિયાતમંદ વિધવા બેનોને શીરડી, નાસિક લઈ જવાની છે. કોઇ ડોનર મળે તો કામ કરવું છે. તરત જ કહ્યું 56 સીટની બસ ચાર દિવસના જમવા- રહેવા સાથેનો ખર્ચ શું થાય?
તપાસ કરી એક લાખ પંચોતેર હજાર મેં બતાવ્યો. તરત જ જવાબ આપ્યો બુકીંગ કરાવી દો. જરૂરિયાતમંદ બેનોની જવાબદારી તમારે સંભાળવાની. તમને એકબે દિવસમાં પૈસા પહોંચાડી દઇશ. ખરેખર મારા પર વિશ્વાસ મૂકયો અને આટલી મોટી રકમ ન જાન ન પહેચાન. આ રીતે નજીક આવ્યાં. પ્રભાબેનના મુંબઇ શો-રૂમમાં સાક્ષાત સાંઇબાબાની પ્રતિમાના મેં દર્શન કર્યા છે અને સાંઈબાબા પ્રત્યેનો તેમનો લગાવ વિશ્વાસ શ્રદ્ધા-સબૂરી અને બાબાનો હુકમ થઈ ગયો. એટલું જ નહીં પ્રવાસ ઉપડવાના આગલા દિવસે ખાસ સુરત મુંબઇથી દરેક બેનો માટે નાસ્તાના પેકેટોની કીટ બનાવીને લાવ્યા.
સ્પે. કલકત્તાથી નાસ્તાની વેરાયટીઝ, પેકેટો એટલું જ નહીં મોટી કોલ્ડ્રીંકસની બોટલો. ઠંડીની સીઝન એટલે દરેક બેનોને શાલ, કાનટોપી. તેમના બેન માધવીબેન, જાગૃતિબેન અને મમતાબેન પણ મુંબઇથી સહભાગી બન્યાં. બસમાં જરૂર પડે એ માટે અલગથી પાંચ હજાર રૂપિયા રોકડા ખર્ચ માટે આપ્યા એટલેથી અટકતું નથી બસ ઉપડવાની હતી ત્યાં ખાસ મુલાકાતે આવી બધાની સાથે હાથ મિલાવી હેપ્પી જર્ની-શુભેચ્છા પાઠવી જય સાંઇનાથ કહ્યું ઉમળકાભેર સૌને મળ્યાં અને આનંદવિભોર થયાં. ત્યાર પછી એટલા બધા કિસ્સાઓ બન્યા.
એક કિસ્સો લખવા મારી જાતને રોકી શકતી નથી. માતાના ધાવણદાન કેમ્પ અમે કરીએ છીએ તેમાં અમને ખર્ચ સાંઠ-પાંસઠ હજાર રૂપિયા થાય છે તેમાં પણ એક કેમ્પનો આખો ખર્ચ તેમણે ઉપાડયો. તારીખની ખબર આપીએ એટલે પાંચ હજાર રૂપિયા શુભ શરૂઆત તો થઇ જ જાય. દરેક ક્ષેત્રમાં મુંબઇ-સુરત ગ્રામ્ય આદિવાસી વિસ્તારમાં સેવાકાર્યોની સુવાસ પ્રસરાવી છે. પ્રભાબેનને જયારે પણ વિચાર આવે ત્યારે ઘડિયાળમાં જોવાનું ના હોય. સવારના સાત વાગ્યા હોય કે રાત્રે દસ વાગ્યા હોય વિચાર આવે, યાદ આવે એટલે તરત ફોન કરી દે. તેમાં સમયની કોઇ પાબંદી નહીં. ત્રીસ- ચાલીસ મિનિટ આરામથી વાત કરી નવીનતા જાણવા મળી જાય. એક બીજાની હૈયાની વાતો થાય. હું એટલું જ કહીશ આ અમારી દોસ્તી જીવનના અંતિમ શ્વાસ સુધી ટકેલી રહે. એકમેકના ઉમદા વિચારો થકી સેવાના કાર્યો કરતા રહીએ. – મીનાક્ષી બોડાવાળા, સુરત