બીસીસીઆઈએ મિથુન મનહાસને તેના નવા પ્રમુખ તરીકે પસંદ કર્યા છે. તેમના નામની ચર્ચા ઘણા દિવસોથી ચાલી રહી હતી પરંતુ હવે તેમની ઉમેદવારી નક્કી થઈ ગઈ છે. મિથુન મનહાસ દિલ્હી માટે ઘરેલુ ક્રિકેટ રમ્યા છે. ૨૮ સપ્ટેમ્બરના રોજ મુંબઈમાં વાર્ષિક સામાન્ય સભા (AGM) ના સમાપન બાદ મનહાસને સત્તાવાર રીતે BCCI પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.
ભૂતપૂર્વ ઘરેલુ ક્રિકેટર મિથુન મનહાસ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ના પ્રમુખ બન્યા છે. મુંબઈમાં BCCI કાર્યાલયમાં યોજાયેલી વાર્ષિક સામાન્ય સભા (AGM) બાદ રવિવારે આ જાહેરાત કરવામાં આવી હતી. તેઓ આ પદ માટે બિનહરીફ ચૂંટાયા હતા. કેન્દ્રીય મંત્રી જીતેન્દ્ર સિંહે X પર પોસ્ટ કરીને મિથુન મનહાસને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે લખ્યું, “મિથુન મનહાસ સત્તાવાર રીતે બીસીસીઆઈના પ્રમુખ બન્યા છે.”
પહેલીવાર કોઈ અનકેપ્ડ ખેલાડીને જવાબદારી સોંપવામાં આવી
૪૫ વર્ષીય મિથુન મનહાસ બીસીસીઆઈમાં ટોચનું સ્થાન મેળવનારા ત્રીજા ક્રિકેટર બન્યા છે. તેમણે રોજર બિન્નીનું સ્થાન લીધું છે. આ પહેલા રોજર બિન્ની અને સૌરવ ગાંગુલી બીસીસીઆઈના પ્રમુખ તરીકે સેવા આપી ચૂક્યા છે. તમને જાણીને નવાઈ લાગશે કે મિથુન મનહાસ પ્રમુખ બનનારા પહેલા અનકેપ્ડ ખેલાડી છે.
મિથુન મનહાસનો જન્મ ૧૨ ઓક્ટોબર, ૧૯૭૯ના રોજ જમ્મુ અને કાશ્મીરમાં થયો હતો અને તેમણે ૧૯૯૭-૯૮માં પ્રથમ શ્રેણીમાં પ્રવેશ કર્યો હતો. તેમણે ૧૫૭ પ્રથમ શ્રેણી મેચોમાં ૪૫.૮૨ ની સરેરાશથી ૯૭૧૪ રન બનાવ્યા હતા. તેમણે ૨૭ સદી અને ૪૯ અડધી સદી પણ ફટકારી હતી. તેમણે ૧૩૦ લિસ્ટ એ મેચોમાં ૪૧૨૬ રન પણ બનાવ્યા હતા, જેમાં ૫ સદી અને ૨૬ અડધી સદીનો સમાવેશ થાય છે. તેમણે ૯૧ ટી-૨૦ મેચોમાં ૧૧૭૦ રન બનાવ્યા છે અને ૭૦ વિકેટ પણ લીધી છે. IPLમાં તેમણે દિલ્હી કેપિટલ્સ, પુણે વોરિયર્સ ઈન્ડિયા અને ચેન્નાઈ સુપર કિંગ્સનું પ્રતિનિધિત્વ કર્યું, 55 મેચમાં 514 રન બનાવ્યા.
દિલ્હી રણજી ટીમના કેપ્ટન બન્યા અને ટ્રોફી જીતી
મનહાસે દિલ્હી ટીમ માટે સતત સારું પ્રદર્શન કર્યું, મિડલ ઓર્ડરમાં પોતાનું સ્થાન મજબૂત કર્યું. 2001-02 સીઝનમાં તેઓ રણજી ટ્રોફીમાં 1,000+ રન બનાવનાર પ્રથમ ખેલાડી બન્યા. ત્યારબાદ તેમણે 2006 થી 2008 સુધી દિલ્હી રણજી ટીમનું નેતૃત્વ કર્યું. તેમની કેપ્ટનશીપ હેઠળ દિલ્હીએ 2007-08 રણજી ટ્રોફી જીતી જે દિલ્હીનો 16મો રણજી ટ્રોફી ખિતાબ હતો.
દિલ્હી ડેરડેવિલ્સ સાથે IPL ડેબ્યૂ
રણજી ટીમમાં તેમના મજબૂત પ્રદર્શનને કારણે મનહાસને IPLની પ્રથમ સીઝન માટે પસંદ કરવામાં આવ્યા. તેમણે 2008માં દિલ્હી ડેરડેવિલ્સ સાથે IPLમાં ડેબ્યૂ કર્યું હતું. ત્યારબાદ તે 2011માં IPLમાં પુણે વોરિયર્સ ઈન્ડિયા સાથે જોડાયા હતા. 2015માં ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમનો ભાગ બન્યા હતા.