Entertainment

મિથુન ચક્રવતીને દાદા સાહેબ ફાળકે એવોર્ડ મળ્યો, ભાવુક થઈ કહ્યું લોકો મને કાળો કહેતા હતા…

નવી દિલ્હીઃ ભારતના પ્રતિષ્ઠિત અને સૌથી આદરણીય 70મા રાષ્ટ્રીય પુરસ્કારો આજે દિલ્હીના વિજ્ઞાન ભવનમાં યોજાયા હતા. આ સમારોહમાં ફિલ્મ ઈન્ડસ્ટ્રીની શ્રેષ્ઠ ફિલ્મો, તેમની કાસ્ટ અને ક્રૂને તેમની મહેનત બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા. ઓગસ્ટમાં જ એવોર્ડની જાહેરાત કરવામાં આવી હતી. નીના ગુપ્તા, ઋષભ શેટ્ટી, સૂરજ બડજાત્યા અને નિત્યા મેનન સહિત ઘણા સ્ટાર્સ એવોર્ડ ફંક્શન માટે દિલ્હી પહોંચ્યા હતા, જેમને એવોર્ડ આપવામાં આવ્યો હતો.

દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પોતે તમામ સ્ટાર્સને આ સન્માન આપ્યું હતું. રાષ્ટ્રીય પુરસ્કાર કોઈપણ ફિલ્મી હસ્તી માટે સૌથી મોટી ઉપલબ્ધિ ગણાય છે. આ વખતે આ પુરસ્કારો તે ફિલ્મો માટે આપવામાં આવ્યા છે જેને ફિલ્મ સેન્સર બોર્ડ દ્વારા 1 જાન્યુઆરી, 2022 થી 31 ડિસેમ્બર, 2022 વચ્ચે સેન્સર પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું.

આ વખતે આ સમારોહમાં બોલિવુડના અભિનેતા મિથુન ચક્રવતીને પણ દાદા સાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કરાયા હતા. રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મૂએ તેમને એવોર્ડથી સન્માનિત કર્યા હતા. તાજેતરમાં જ આ એવોર્ડની જાહેરાત કરાઈ હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાતે સિનેમામાં અભિનેતાના યોગદાનના વખાણ કર્યા હતા. તેમની જર્ની ઘણી પ્રેરણાદાયી રહી છે.

એવોર્ડ મેળવ્યા બાદ મિથુને પોતાના જીવન સંઘર્ષ વિશે વાત કરી હતી. તેમણે કહ્યું, નેશનલ એવોર્ડ મળ્યો ત્યારે પોતાને અલપચીનો સમજવા લાગ્યો હતો. પછી મને એક ઠોકર વાગી ત્યારે અક્કલ આવી. મારા રંગના લીધે મારે ઘણા ટોણાં સાંભળવા પડ્યા છે. લોકો કહેતા હતા કે બોલિવુડમાં આ કાળો રંગ નહીં ચાલે. હું વિચારતો કે હવે શું કરું. હું ભગવાનને પ્રાર્થના કરતો કે હે ભગવાન આ રંગનું હવે હું શું કરું. એ તો બદલી નહીં શકું. પછી મેં વિચાર્યું હું પગથી ડાન્સ કરીશ. મેં એવો ડાન્સ કર્યો કે લોકોનું ધ્યાન મારા પગ પર જ રહ્યું. ત્યાર બાદથી હું સેક્સી, ડસ્કી અને બંગાલી બાબુ બની ગયો.

હું ભગવાનને ઘણી ફરિયાદ કરતો. પરંતુ આજે આ એવોર્ડ મળ્યા બાદ મેં ફરિયાદ કરવાનું બંધ કરી દીધું. મેં ફક્ત આભાર માન્યો. હું નવા લોકોને કહીશ કે ક્યારેય હિંમત હારશો નહીં અને સપના જોવાનું ક્યારેય બંધ કરશો નહીં. જાતે સૂઈ જાઓ પણ તમારા સપનાને ક્યારેય સૂવા ન દો. જો હું કંઈક બની શકું તો તમે પણ કંઈક બની શકો.

તમને જણાવી દઈએ કે, કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જાહેરાત કરી હતી મિથુન દાની યાત્રાએ દરેક પેઢીને પ્રેરણા આપી છે. દાદાસાહેબ ફાળકે સિલેક્શન જ્યુરીએ મિથુન ચક્રવર્તીને ભારતીય સિનેમામાં તેમના મહત્વપૂર્ણ યોગદાન માટે સન્માનિત કરવાનો નિર્ણય કર્યો છે તે જાહેર કરતા મને સન્માન મળે છે.

મિથુનને 1977માં તેમની પ્રથમ ફિલ્મ મૃગ્યા માટે શ્રેષ્ઠ અભિનેતાનો રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો હતો. મિથુને અત્યાર સુધી 350 થી વધુ ફિલ્મો કરી છે. જેમાં હિન્દીથી લઈને બંગાળી, ભોજપુરી, તમિલ, તેલુગુ, કન્નડ અને પંજાબી ફિલ્મોનો સમાવેશ થાય છે.

Most Popular

To Top