એક વોટ્સ એપ ગ્રુપમાં વાયરલ થયેલા મેસેજ પ્રમાણે તિરૂપતિ બાલાજી મંદિરના મહંતશ્રીએ જાહેર જનતાને એવી અપીલ કરી છે કે કોઈએ પણ મંદિરની દાનપેટીમાં એક રૂપિયો પણ મૂકવો નહીં કારણકે રાજ્યના મુખ્ય પ્રધાન દ્વારા મંદિરના પૈસાનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે. તેમના જણાવ્યા પ્રમાણે મંદિરના ડેવલપમેન્ટ માટે એક રૂપિયાનો પણ ખર્ચ કરવામાં આવ્યો નથી. તિરૂપતિ મંદિરના પૂજારીની હિંમતને દાદ આપવી જોઈએ કારણ કે તેમણે મંદિરના પૈસાના દુરુપયોગ માટે સીધું રાજ્યના મુખ્ય પ્રધાન પર નિશાન સાધ્યું છે. આપણા દેશમાં અસંખ્ય ધનાઢ્ય એવાં ધર્મસ્થાનો અસ્તિત્વ ધરાવે છે અને લગભગ દરેક ધર્મસ્થાનોની પરિસ્થિતિ આવી જ હોય તો ના ન પાડી શકાય.
અન્ય ધર્મસ્થાનોના પૈસાનો રાજ્યના મુખ્ય પ્રધાન નહીં તો કોઈ બીજી વ્યકિત દુરુપયોગ કરતી હોય તો કહેવાય નહીં. તારું મારું સહિયારુંના અભિગમથી કામ થતું હોય તો નવાઈ પામવા જેવું નહીં. ભલે, આ બધી ધારણાઓ હોય, પણ વાસ્તવિકતાની નજીક લાગી રહી છે. ફકત તેને પ્રકાશમાં લાવવાની અને પ્રકાશમાં લાવ્યા પછી તેની ઠોસ સાબિતી આપવાની જરૂર છે, જે થવું આ દેશમાં તો અઘરું એટલા માટે છે કે જેઓ જાણકાર હશે તેઓ તેરી ભી ચૂપ ઓર મેરી ભી ચૂપ માં માનતા હોય. આપણા દેશનાં ધર્મસ્થાનોમાં જે અઢળક સોના ચાંદીનો સંગ્રહ થયેલો છે તે જો સરકારના કબજામાં આવે તો દેશના હૂંડિયામણના દરમાં આશ્ચર્યજનક રીતે પ્રજાની તરફેણમાં ફેરફાર આવે તેમાં બેમત ન હોઈ શકે.
સુરત – સુરેન્દ્ર દલાલ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.