વાપી: (Vapi) વાપીની જ્ઞાનધામ શાળામાં (School) ધોરણ 11માં અભ્યાસ કરતો વિદ્યાર્થી (ઉં.આ.16) ગઈકાલે શાળાએથી અચાનક કયાંક ચાલી ગયો હતો. જે બનાવની જાણ વાલીને થતાં તેની શોધખોળ હાથ ધરી હતી અને તેની જાણ વાપી ઉદ્યોગનગર પોલીસ મથકમાં કરવામાં આવી હતી. આ દરમિયાન રાતાખાડી પાસેથી વિદ્યાર્થીની બેગ મળી આવી હતી. જેને લઈ ફાયર વિભાગની ટીમ પહોંચી જઈ તેની શોધખોળ હાથ ધરી હતી. બીજા દિવસે વિદ્યાર્થીની લાશ ખાડીમાંથી મળી આવી હતી.
- પિતાએ અભ્યાસ બાબતે ઠપકો આપ્યા બાદ ગુમ થયેલા વિદ્યાર્થીની લાશ મળી
- પરીક્ષામાં કોપી કરતા પકડાતા પિતાએ ઠપકો આપ્યો હતો, રાતાખાડી કિનારેથી સ્કૂલ બેગ મળ્યા બાદ બીજા દિવસે લાશ મળી
વાપી ઉદ્યોગનગર અને ફાયર વિભાગના સૂત્રો પાસેથી મળતી વિગત અનુસાર મૂળ યુપી અને વાપી નૂતન નગરમાં સંજય સુરેશ સીંગ (ઉં.આ.51) પરિવાર સાથે રહે છે અને તેઓ ટ્રાન્સપોર્ટનો ધંધો કરે છે. તેનો નાનો દિકરો ગોવિંદ (ઉં.આ.16) વાપીની જ્ઞાનધામ શાળામાં ધો.11 સાયન્સમાં અભ્યાસ કરે છે અને હાલ તેની ફીઝીકસ તથા કેમીસ્ટ્રીની પરીક્ષા ચાલી રહી છે. ગઈકાલે ગોવિંદ રાબેતા મુજબ સાયકલ લઈને શાળાએ ગયો હતો. સવારે શાળામાંથી પ્રિન્સપાલનો પિતા ઉપર ફોન આવ્યો હતો અને જણાવ્યું હતું કે, ગોવિંદ કોપી કરવા માટેની કાપલી સાથે પકડાયો છે. જે બાદ તેઓ શાળાએ પહોંચ્યા હતા અને તે બાબતે ગોવિંદને ઠપકો આપ્યો હતો. જે બાદ પિતા-પુત્ર બપોરના સમયે શાળાએથી નીકળ્યા હતા.
પિતા ઓફિસ ચાલી ગયા હતા અને ત્યારબાદ ઘરે જમવા માટે ગયા ત્યારે પુત્ર ગોવિંદ વિશે પત્નીને પૂછતા તે હજી સુધી આવ્યો નથી એવુ કહ્યું હતું. જે બાદ ગોવિંદની શોધખોળ હાથ ધરાઈ હતી અને કોઈ પત્તો ન લાગતા વાપી ઉદ્યોગનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. બપોરના સમયે રાતાખાડી પાસેથી સ્કૂલ બેગ મળી આવી હતી. ત્યારબાદ પોલીસ અને વાપી ટાઉન તેમજ જીઆઈડીસી ફાયર વિભાગની ટીમે કલાકો સુધી પાણીમાં શોધખોળ હાથ ધરી હતી. જોકે ગુરૂવારે સવારે ગોવિંદનો મૃતદેહ ખાડીમાંથી મળી આવ્યો હતો. પોલીસે વિદ્યાર્થીનો મૃતદેહ કબજે લીધો હતો અને તેની જાણ વાલીને કરવામાં આવી હતી. આ બનાવને લઈ પરિવારજનોમાં શોકની કાલિમા છવાઈ હતી.