Dakshin Gujarat

મમ્મીનો ફોન આવ્યો અને પ્લેન ક્રેશ થયું, જાણો પછી કપરાડાના મેડિકલ સ્ટુડન્ટ સાથે શું થયું…

વલસાડ: અમદાવાદમાં થયેલી વિમાન દુર્ઘટનામાં વિમાન જે મેડિકલ સ્ટુડન્ટના મેસ બિલ્ડિંગ ઉપર પડ્યું હતું, તે મેસમાંથી ઘટનાના થોડી મિનિટ અગાઉ નીકળી જતા કપરાડાના કાકડકોપર ગામના ચૌધરી પરિવારના ઘનશ્યામ ચૌધરીના પુત્ર અને પ્રથમ વર્ષના તબીબ વિદ્યાર્થી રિશીત ચૌધરીનો બચાવ થયો હતો.

  • મમ્મીનો કોલ આવ્યો એટલે હું મેસમાંથી ત્વરિત નીકળી ગયો, ને ગણતરીની સેકન્ડમાં પ્લેન મેસ બિલ્ડિંગ ઉપર પટકાયું: રિશીત ચૌધરી
  • વિમાન દુર્ઘટનામાં કપરાડા તાલુકાના ચૌધરી પરિવારના પુત્ર અને તબીબ વિદ્યાર્થીનો બચાવ, સાથે રહેતા રૂમમેટ અને મિત્રનું મોત

ગુજરાતમિત્ર સાથેની વિશેષ વાતચીતમાં રિશિતે જણાવ્યું કે, તે બપોરે મેસમાં જમવા ગયો ત્યારે રૂમમેટ આર્યન અને ગ્રુપ મિત્ર માનવ પણ સાથે હતા. જો કે, તેઓ પહેલા માળ ઉપર ગયા અને હું ગ્રાઉન્ડ ફલોર ખાતેની મેસ્મમાં ગયો. હજુ જમવાનું શરૂ કરું ત્યાં જ ઘરેથી મમ્મીનો ફોન આવ્યો. હું જમતો હોઈ એક સમયે વિચાર્યું કે પછી ફોન ઉપાડીશ. જો કે, મમ્મી બોલશે તેમ કહી ફોન ઉઠાવતાં મમ્મીએ કહ્યું કે, તારાં ડોક્યુમેન્ટ તાત્કાલિક મોકલ. જેથી હું જલદી જલદી જમી લઈ, મિત્રોને મળ્યા વગર સીધો હોસ્ટેલ નીકળી ગયો.

હજુ થોડી જ દૂર આવેલી હોસ્ટેલમાં પગથિયાં પાસે પહોંચ્યો, ત્યાં જોરદાર બ્લાસ્ટનો અવાજ આવતાં અને ચારેબાજુ ધુમાડો થઈ જતાં સમજાયું નહીં શું થયું. જો કે, અન્ય મિત્રો પણ નીચે આવી જતાં અમે બ્લાસ્ટ ક્યાં થયો તે દિશામાં દોડતાં જતાં ચારેબાજુ કાળા ધુમાડાને લઈ કંઈ દેખાતું ન હતું. થોડી જ વારમાં જોયું કે, મેસ બિલ્ડિંગ ઉપર પ્લેનનો ભાગ હતો અને ચારે તરફ અંધાધૂંધી, બૂમાબૂમ જોવા મળી.

રીશિતે જણાવ્યું કે, મને મારા મિત્રોની ચિંતા થઈ કે, જેઓ એ જ બિલ્ડિંગમાં હતા. જ્યાં પ્લેન પડ્યું હતું. જો કે, ચારે તરફ કાળો ધુમાડો હોય, વળી આગ જોવા મળતાં અને હિંમત ન કરી. જો કે, થોડીવાર પછી માહિતી મળી કે મારા રૂમ મેટ અને સાથી મિત્રોને ગંભીર ઇજા થઇ છે. પરંતુ તેમને શોધવા ક્યાં તે પ્રશ્ન થઈ પડ્યો હતો. જો કે, મોડેથી તેમને ઇજા થઇ હોવાની અને મિત્રો પૈકી રૂમમેટ આર્યન અને મિત્ર માનવનું મોત થયું હોવાનું જાણવા મળ્યું હતું. ઘટનામાં મારો બચાવ થયો હતો. તો બીજી તરફ મિત્રો આર્યન અને માનવ સહિત તબીબો, કેટલાય મુસાફરોનાં મોત થયા તેનું પણ ઘણું જ દુઃખ છે.

મારા રૂમ મેટ આર્યન અને જીગરી મિત્ર માનવ ન હોવાનો ખાલીપો રહેશે
રિશિતે આંખમાં આંસુ સાથે જણાવ્યું કે, એમપી ગ્વાલિયરનો આર્યન રાજપૂત મારો રૂમમેટ હતો. જ્યારે માનવ ભાદુ મારો મિત્ર હતો. ઘટનામાં બંનેનાં મોત નીપજ્યાં છે. આર્યન સરળ, સીધો અને અભ્યાસમાં રસ દાખવતો હતો. અભ્યાસમાં પણ મને મદદ કરતો હતો. અમે જમવા મેસમાં ગયા ત્યારે આર્યન જમવા પ્રથમ માળ ઉપર ગયો અને પ્લેનનો ભાગ પડતાં તે મિત્રો સાથે નીચે આવી રહ્યો હતો.

એ સમયે સ્લેબ પડતા ગંભીર ઈજાને લઈ તેનું મોત થયું હતું. જો મમ્મીનો ફોન ન આવ્યો હોત અથવા ફોન ન ઊંચક્યો હોત તો શું થાત તેની કલ્પના કરવી મુશ્કેલ છે. હવે જ્યારે પણ અભ્યાસ શરૂ થશે ત્યારે એક જ વાતનો ખાલીપો રહેશે અને તે મારા રૂમ મેટ આર્યન અને જીગરી મિત્ર માનવ ન હોવાનો.

મેસમાંથી જમીને બહાર નીકળ્યા બાદ થોડી મિનિટ્સમાં જ દુર્ઘટના બની
અમદાવાદ પ્લેન ક્રેસ ઘટનામાં કપરાડાના બાલચોંડી ગામના અને શિક્ષણ વિભાગના નિવૃત્ત કર્મચારી દિનેશ પટેલના પુત્ર અને ત્રીજા વર્ષના તબીબ વિદ્યાર્થી કલ્પિન પટેલનો પણ બચાવ થયો છે, કલ્પિન પણ મેડિકલ કોલેજના મેસ બિલ્ડિંગ ઉપર પ્લેન ક્રેશ થયું તે બિલ્ડિંગના મેસમાંથી જમીને બહાર નીકળ્યા બાદ થોડી મિનિટ્સમાં જ દુર્ઘટના બની હોવાનું કલ્પિનના પિતા દિનેશભાઈએ જણાવ્યું હતું. તેમણે જણાવ્યું કે, અમને તો ઘટનાની ખબર જ ન હતી. ખુદ કલ્પીને ફોન કરી જાણ કરી કે આ પ્રકારની મોટી ઘટના બની છે. ભગવાનનો લાખ લાખ આભાર કે જેને, અમારા દીકરાને એટલી મોટી ઘટનામાંથી બચાવ્યો છે.

Most Popular

To Top