હવે આપણે ‘થોડા હૈ થોડે કી જરૂરત હૈ’ની માનસિકતામાં નથી રહ્યાં. ઘણું બધું જોઈએ અને ઝડપથી જોઈએ તે વાત સર્વસ્વીકાર્ય બની ચૂકી છે. આપણી સંસ્કૃતિમાં ઓછી જરૂરિયાત સાથે સરળ જીવનનું મહાત્મ્ય છે. અતિનું પરિણામ ખરાબ તે ગળથૂથીમાં આપણને શીખવાડવામાં આવ્યું છે પણ હવે આપણું પરંપરાગત શિક્ષણ બજારના ગણિત સામે ટકી રહ્યું નથી અને એટલે જ ‘યે દિલ માંગે મોર’ જેવી ટેગલાઈન કન્ઝ્યૂમરવાદ સાથે લોકભોગ્ય બની.
બજારના અતિક્રમણ સામે હવે ક્યાંક ક્યાંક તેને અટકાવવાની પહેલ થઈ રહી છે. આ પહેલમાં જીવનને શાંત, સ્વસ્થ અને સરળ જોવાનો પ્રયાસ છે. આ પ્રયાસમાં ‘મિનિમાલિઝમ’ શબ્દ ઉભરીને આવ્યો છે. આમ તો મિનિમાલિઝમનો અર્થ સિમ્પલ લિવિંગ પણ કરી શકાય પણ અહીંયા આજના સમયમાં આ શબ્દને સમજવો અગત્યનો છે કારણ કે જરૂર કરતાં વધુ ચીજવસ્તુઓને એકઠી કરવાનો ટ્રેન્ડ બની ગયો છે. આ ટ્રેન્ડ વેસ્ટર્ન કન્ટ્રીઝથી આવ્યો છે અને તેમાંથી ભાગ્યે જ કોઈ છટકી શકે છે. ન જોઈતી, કામ વિનાની અનેક વસ્તુઓ આપણે ખરીદીએ છીએ અને બજારનું નકામું ચક્ર વર્ષોથી ચાલી રહ્યું છે.
બજારથી બચવું અશક્ય છે પણ આપણે દેશનો પચાસ વર્ષ પહેલાંનો જ ઇતિહાસ ફંફોસીએ તો આપણું સમૂહજીવન નાનાં ગામડાંઓ જ હતાં. આજના કદનાં મોટાં શહેરોનું તેમાં સ્થાન નહોતું. નાની ગ્રામીણ વ્યવસ્થામાં આર્થિક માળખું એટલું સરસ રીતે ગોઠવાયેલું હતું કે તેમાં લોકો શાંતિ, સહજતાથી જીવી શકતાં. મોટા બજારથી અભડાવાનો ડર તેમાં નહોતો. આજે પણ અનેક વ્યક્તિઓનાં ઉદાહરણો છે જેઓ શહેરો કરતાં ગ્રામ્યજીવનને વધુ પસંદ કરે છે અને તેને સ્વીકારે છે પણ અમેરિકા અને યુરોપના દેશોમાં ગ્રામ્યજીવન સહજ નથી અને મિનિમાલિઝમનો કન્સેપ્ટ પણ ત્યાં એટલો સહજ નથી પણ હાલમાં આ પહેલ ત્યાંથી થઈ છે અને લોકો પોતાની જરૂરિયાત ઓછી કરીને જીવવા ટેવાઈ રહ્યાં છે. આ વિશે નેટફ્લિક્સ પર સીરિઝ પણ ત્યાં બની ચૂકી છે અને તેનું નામ છે : ‘લેસ ઇઝ નાઉ’. જીવનની જરૂરિયાત ઓછી છે અને તેમાં જીવન નભી જાય છે તેવું માનનારાઓની સ્ટોરી તેમાં દર્શાવવામાં આવી છે.
આ સ્ટોરીઝમાં એક એની લિઓનાર્ડ પણ છે, તેઓ અમેરિકામાં પ્રસરેલાં કન્ઝ્યૂમરીઝમના વિરોધી છે. આ સીરિઝમાં તેઓ જણાવે છે કે : “કોર્પોરેટ કલ્ચર અને નફાની દોટે આપણી આસપાસ દેખાતું નશાભર્યું વાતાવરણ ખડું કરી દીધું છે.” આ સીરિઝ આ રીતે વધુ જોઈએની ખેવનાની ટીકા કરતાી જણાય છે. એરવીન મેકમેનસ નામના ફિલ્મમેકર, ભવિષ્યવેત્તાએ પણ બજારના ગાંડપણને લઈને આ સીરિઝમાં જે કહ્યું છે તે અગત્યનું છે. તેઓ કહે છે કે, : “આપણે નકામી ચીજો એકઠી કરી લઈએ છીએ અને જે ચીજ જરૂરી છે તેના માટે પછી મરજીવા બનીએ છીએ. મિનિમાલિઝમ તેનો કારગર ઉપાય છે.” ટૂંકમાં ‘બાવાના બેય બગડે’ તે રીતે જીવનના અંતે કશું જ હાંસલ થતું નથી.
ઓછી જરૂરિયાતથી જીવી શકાય તેવું માનનારાઓની સંખ્યા અમેરિકામાં વધી છે. આ સંબંધિત ખૂબ સાહિત્ય પણ લખાઈ રહ્યું છે. એવું એક પુસ્તક મિલબર્ન ફિલ્ડ્સ અને નિકોડેમસ સીમ નામની વ્યક્તિઓએ લખ્યું છે. પુસ્તકનું નામ છે : ‘લવ પિપલ, યૂઝ થિંગ્સ’. તેઓ પોતાની આ મેથડને ડિફાઈન કરતાં કહે છે કે અમારા મતે જરૂરિયાત ઓછી કરવી એટલું પૂરતું નથી બલકે અમે એવું પણ ઇચ્છીએ છીએ કે સમય, શાંતિ, સર્જનાત્મકતા, અનુભવ અને સ્વતંત્રતા પર આપણે વધુ ધ્યાન કેન્દ્રિત કરીએ. એક અભ્યાસ મુજબ સરેરાશ અમેરિકન ઘર ત્રણ લાખ વસ્તુઓ સંઘરે છે અને એટલે અમેરિકામાં સરેરાશ ઘર મોટાં નિર્માણ કરવાનો ટ્રેન્ડ છે. આની સામે નાના ઘરની એક મુવમેન્ટ ચલાવવામાં આવી છે, જે સામાન્ય રીતે ચાળીસ સ્કવેર મીટરનું કે તેનાથી નાનું હોય. તે ઘર પાછું સ્વનિર્મિત હોય અને તેમાં ખર્ચ આપોઆપ ઘટી જાય.
આ કન્સેપ્ટ જ્યારે પ્રસરી રહ્યો છે ત્યારે આ પ્રકારના જીવનનું મનોચિકિત્સક પાસું પણ જોવાય છે. આ વિશે માર્ક ટ્રેવર્સ નામની વ્યક્તિએ તેની માનસિક અસરનો અભ્યાસ કર્યો છે. આ અભ્યાસમાં તારણ આવ્યું છે આનંદ ખરીદી શકાતો નથી અને મહદંશે જ્યારે આવશ્યક કરતાં વધુ ચીજવસ્તુઓ ખરીદવાનું ઘેલું લાગે છે ત્યારે માણસ જીવનમાં જે ખરેખર ઉપયોગી છે તેને પ્રાથમિકતા આપી શકતો નથી. અભ્યાસમાં એટલું નિશ્ચિત થઈ ચૂક્યું કે સરળ જીવનશૈલીનું પરિણામ શાંત, સ્વસ્થ જીવન આવે છે. આ તો અભ્યાસના પરિણામ છે પણ આ વિષયમાં આપણે ઝાઝો અભ્યાસ કરવાનીયે જરૂર નથી. આપણી આસપાસ જ આવા અનેક દાખલા મળી શકે કે જેઓ ઓછી વસ્તુ સાથે જીવે છે તેમ છતાં આનંદિત છે.
મિનિમાલિઝમનો કન્સેપ્ટ માત્ર જીવનમાં નહીં પણ અનેક ઠેકાણે ઉપયોગમાં લેવાઈ રહ્યો છે. આ કન્સેપ્ટનો જન્મ જ આર્ટ મુવમેન્ટથી થયો છે. બ્રિટિશ આર્કિટેકટ જોહ્ન પાવસન છેલ્લાં ચાળીસ વર્ષથી પોતાની ઇમારત નિર્માણમાં મિનિમાલિસ્ટિકનો ઉપયોગ કરી રહ્યા છે. તેમનું માનવું છે કે ‘આપણે જે પણ નિર્માણ કરતાં હોઈએ તેમાં એક સ્પેસ કમ્ફર્ટેબલ લિવિંગની હોવી જોઈએ’ તેઓ કહે છે કે ‘જ્યાં સુધી આપણે જીવનમાંથી કશુંક બાદબાકી નહીં કરીએ ત્યાં સુધી કશાકનું ઉમેરણ નહીં કરી શકીએ.’ એ જ પ્રમાણે બિઝનેસમાંય શેરીંગ ઇકોનોમીનો ઉપયોગ થતો આવ્યો છે. અમૂલ અને અન્ય કો-ઓપરેટીવ સોસાયટી તેનું ઉદાહરણ છે.
ભારત જેવા દેશના સંદર્ભમાં જ્યારે મિનિમાલિઝમના કન્સેપ્ટ વિશે વાત કરીએ તો તેમાં પહેલાં તો ગરીબ અને તવંગર વર્ગમાં ભેદ પાડીને પૂરા કન્સેપ્ટને જોવો રહ્યો. આપણા દેશમાં એવો વર્ગ ખૂબ મોટો છે જેને પાયાની સગવડ પણ પરવડતી નથી. તે સ્વચ્છ પાણી, પોષણયુક્ત આહાર અને ઠીકઠાક ઘરથી વંચિત છે. આ સ્થિતિમાં મિનિમાલિઝમની વાત ક્યાંય આવતી નથી. પણ જે વર્ગ પાસે બધું જ છે, જે ઠીકઠાક આવક રળે છે, જે વર્ગ હવે ભારતમાં પણ કરોડોની સંખ્યામાં છે તો તેમના ભાગે મિનિમાલિઝમની વાત વિચારવાની આવે છે.
તે વર્ગ ભારતમાં ટકાવારીની દૃષ્ટિએ ઓછો ભલે લાગતો હોય પણ સંખ્યાની દૃષ્ટિએ તે ખૂબ મોટો છે. આ ઉપરાંત પણ મિનિમાઇલિઝમને પોતાના જીવન પૂરતું જ રાખીને જોવાનું નથી બલકે તેને સમગ્ર રીતે જોવાનું છે. જેમ કે તમે જો આ ખ્યાલ મુજબ જીવો છો તો તમે ક્વોન્ટિટી કરતાં ક્વોલિટીને વધુ પ્રાધાન્ય આપશો અને ક્વોલિટીમાં એવી ચીજવસ્તુઓને પસંદ કરશો જે તમારા આસપાસના વાતાવરણને પ્રદૂષિત ન કરતી હોય. ટેક્નોલોજી દ્વારા આપણે પ્રોડક્ટને સસ્તી બનાવી શકીએ પણ તેને વધુ એન્વાયર્મેન્ટલ ફ્રેન્ડલી બનાવી શકતા નથી.
વ્યક્તિગત રીતે પણ મિનિમાલિઝમ તમારી એનર્જીને વધુ કેન્દ્રિત કરે છે, સાચી દિશામાં વાળે છે. તમારી પાસે બોજો ઓછો હશે તો તમે વધુ અર્થસભર અને સ્પષ્ટતાથી વિચારી શકશો. તમારી શક્તિ નકામી બાબતમાં નહીં ખર્ચાય, સમય બચાવી શકશો. મિનિમાલિઝમની આટલી હદે તરફેણ કરવાનું કારણ ‘ધ વર્લ્ડ ઇકોનોમિક ફોરમ’ના એક રિપોર્ટ દ્વારા પણ મળ્યું છે. આ રિપોર્ટ મુજબ ભારત કન્ઝ્યૂમરની દૃષ્ટિએ આવતા દાયકામાં જ વિશ્વનું ત્રીજું સૌથી મોટું માર્કેટ બની જશે. ચીન અને અમેરિકા જ તેનાથી આગળ હશે. ઓનલાઈનના કારણે આ ઝડપ ખૂબ વધી છે. આ કન્સેપ્ટ માનવજાત માટે આશીર્વાદરૂપ બની શકે છે અને કોરોનાકાળમાં આ સત્ય તો બધાને સમજાઈ ગયું કે અલ્ટીમેટલી વ્યક્તિની માનસિક અને શારીરિક સ્વસ્થતા જ તેની મૂડી છે.