ગાંધીનગર : કોરોના મહામારીની બીજી લહેરની ચેઈન તોડવા માટે ૮ મહાનગરો સહિત ૩૬ શહેરોમાં અમલી બનેલા મિનિ લોકડાઉનના નિયંત્રણો હવે આગામી તા.૧૮મી મે સુધી લંબાવવામાં આવ્યા છે. આ મિનિ લોકડાઉન દરમિયાન રાજયમાં આવશ્યક સેવાઓ ચાલુ રહેશે. આજે બપોર પછી ગાંધીનગરમાં સીએમ વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને મળેલી કોર ગ્રુપની બેઠકમાં આ મુદ્દે લંબાણપૂર્વકની ચર્ચા બાદ નિર્ણય લેવાયો હતો.કોર ગ્રુપની બેઠકમાં રૂપાણીએ કહ્યું હતું કે, ર૭ એપ્રિલે રાજ્યમાં ૧૪,પ૦૦ જેટલા કોરોના કેસ હતા તે હવે ઘટીને ગઇકાલે ૧૧ હજાર જેટલા થઇ ગયા છે.
ગુજરાતમાં કોરોના કેસો વધ્યા નથી પરંતુ સમગ્ર દેશમાં કોરોના સંક્રમણની વ્યાપકતા ધ્યાનમાં લઇને ૩૬ શહેરોમાં રાત્રિ કરફયુ અને મિનિ લોકડાઉનના નિયંત્રણો વધુ એક સપ્તાહ માટે યથાવત રાખવાનો નિર્ણય કર્યો છે.
કોર કમિટિની બેઠકમાં આ નિર્ણય અનુસાર રાજ્યના ૮ મહાનગરો સહિત જે ૩૬ શહેરોમાં રાત્રિ કરફયુ તા.૧૧ મે-ર૦ર૧ સુધી રાખવામાં આવેલો તે તા.૧ર મે-ર૦ર૧ થી તા.૧૮ મે-ર૦ર૧ એમ ૭ દિવસ માટે દરરોજ રાત્રિના ૮ વાગ્યાથી સવારના ૬ વાગ્યા સુધી અમલમાં રહેશે.
શું શું ચાલુ રહેશે?
૩૬ શહેરોમાં તા.૧૨ મે-ર૦ર૧ થી તા. ૧૮ મે-ર૦ર૧ સુધીના સમયગાળા દરમિયાન આવશ્યક સેવા- પ્રવૃત્તિઓ જ ચાલુ રાખવાના રાજ્ય સરકારે આદેશો કર્યા છે .COVID-19ની કામગીરી સાથે સીધી રીતે સંકળાયેલ સેવા તેમજ આવશ્યક-તાત્કાલિક સેવા સાથે સંકળાયેલ સેવાઓ ચાલુ રહેશે. મેડિકલ, પેરામેડિકલ તથા તેને આનુષાંગિક આરોગ્યલક્ષી સેવાઓ, ઓક્સિજન ઉત્પાદન અને વિતરણ વ્યવસ્થા ચાલું રહેશે. રાજ્યમાં ચશ્માની દુકાનોને મેડિકલ સર્વિસ – આરોગ્યલક્ષી સેવા સંલગ્ન ગણીને તે પણ ચાલુ રાખવા દેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ ૩૬ શહેરોમાં સામાન્ય જનજીવનને કોઈ તકલીફ ન પડે અને રાબેતા મુજબનું જીવન જળવાઈ રહે તે હેતુથી રાજ્ય સરકારે ડેરી, દૂધ-શાકભાજી, ફળ-ફળાદી ઉત્પાદન, વિતરણ અને વેચાણ તથા તેની હોમ ડીલિવરી સેવાઓ ચાલુ રાખવાના આદેશો કર્યા છે. શાકભાજી માર્કેટ તથા ફ્રૂટ માર્કેટ ચાલુ રહેશે. કરિયાણું, બેકરી, બધા પ્રકારની ખાદ્ય સામગ્રીનું વેચાણ અને તે વહેંચવા માટેની ઓનલાઇન સેવાઓ, અનાજ તથા મસાલા દળવાની ઘંટી, ઘરગથ્થુ ટિફિન સર્વિસીસ અને હોટેલ – રેસ્ટોરન્ટની Take away facility આપતી સેવાઓ ચાલુ રહેશે.
કમિટીના નિર્ણય અનુસાર સરકારી, અર્ધ સરકારી, બોર્ડ, કોર્પોરેશન, બેંક, Finance Tech સંબંધિત સેવાઓ, કેશ ટ્રાન્ઝેક્શન સેવાઓ, બેંકોના ક્લીયરીંગ હાઉસ, એ.ટી.એમ/સી.ડી.એમ. રીપેરર્સ, સ્ટોક એક્સચેન્જ, સ્ટોક બ્રોકરો, ઈન્સ્યોરન્સ કંપનીઓ તથા તમામ પ્રકારની ખાનગી ઓફિસોમાં કર્મચારીઓની હાજરીની સંખ્યા ૫૦% સુધી સુનિશ્ચિત કરવાની રહેશે.આ 36 શહેરોમાં ઈન્ટરનેટ, ટેલિફોન, મોબાઈલ સર્વિસ પ્રોવાઈડર, આઇ.ટી. અને આઇ.ટી. સંબંધિત સેવાઓ, પ્રિન્ટ અને ઈલેકટ્રોનિક મિડીયા, ન્યુઝ પેપર ડીસ્ટ્રીબ્યુશન, પેટ્રોલ, ડિઝલ, એલ.પી.જી., સી.એન.જી.,પી.એન.જી.ને સંબંધિત પંપ, ઓપરેશન ઓફ પ્રોડકશન યુનિટ, પોર્ટ ઓફ લોડીંગ, ટર્મિનલ ડેપોઝ, પ્લાન્ટ્સ તથા તેને સંબંધિત ટ્રાન્સપોર્ટેશન, ડિસ્ટ્રીબ્યુશન અને રીપેરીંગ સેવાઓ, પોસ્ટ અને કુરીયર સર્વિસ, ખાનગી સિક્યુરીટી સેવાઓ ચાલુ રહેશે.
આ ૩૬ શહેરોમાં પશુ આહાર, ઘાસચારો તથા પશુઓની દવા તથા સારવાર સંબંધિત સેવાઓ, કૃષિ કામગીરી, પેસ્ટ ક્ન્ટ્રોલ અને અન્ય આવશ્યક સેવાઓના ઉત્પાદન, પરિવહન અને પુરવઠા વ્યવસ્થા, તમામ આવશ્યક ચીજ વસ્તુઓના પરિવહન, સંગ્રહ અને વિતરણને લગતી તમામ સેવાઓ યથાવત રહેશે. આંતરરાજ્ય, આંતરજિલ્લા અને આંતરશહેરની ટ્રાન્સપોર્ટ સેવાઓ તથા તેને સંલગ્ન ઈ-કોમર્સ સેવાઓ પણ ચાલુ રહેશે. રાજ્યમાં ઉત્પાદન પ્રવૃત્તિ અને ઉદ્યોગો ચાલુ રહે તથા શ્રમિકોને કોઈ તકલીફ ન પડે તે હેતુથી તમામ પ્રકારના ઉત્પાદન/ઔદ્યોગિક એકમો અને તેને રો-મટીરીયલ પૂરો પાડતા એકમો ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે, તેમના સ્ટાફ માટેની વાહનવ્યવસ્થા ચાલુ રહેશે. જે દરમિયાન COVID-19 સંબંધીત માર્ગદર્શક સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. બાંધકામને લગતી પ્રવૃત્તિઓ ચાલુ રહેશે . આ સમયગાળા દરમિયાન એ.ટી.એમ.માં નાણાનો પુરવઠો સતત જળવાઇ રહે તે અંગે બેંક મેનેજમેન્ટે કાળજી લેવાની પણ સૂચનાઓ રાજ્ય સરકારે આપી છે.
શું શું બંધ રહેશે?
તા.૧૨ મે-ર૦ર૧ થી તા. ૧૮ મે-ર૦ર૧ સુધીના સમયગાળા દરમિયાન રાજ્યમાં શૈક્ષણિક સંસ્થા અને કોચિંગ સેન્ટરો (ઓનલાઇન શિક્ષણ સિવાય), સિનેમા થિયેટરો, ઓડિટોરિયમ, એસેમ્બલી હોલ, વોટર પાર્ક, જાહેર બાગ-બગીચા, મનોરંજક સ્થળો, સલૂન, સ્પા, બ્યુટી પાર્લર, જીમ, સ્વિમીંગ પુલ ઉપરાંત તમામ પ્રકારના Malls તથા Commercial Complexes બંધ રહેશે. સમગ્ર રાજ્યમાં APMCમાં માત્ર શાકભાજી તથા ફળ-ફળાદીનું ખરીદ વેચાણ ચાલુ રહેશે. જે દરમિયાન COVID-19 સંબંધીત માર્ગદર્શક સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. આ સમયગાળા દરમિયાન લગ્ન માટે ખુલ્લા અથવા બંધ સ્થળોએ મહત્તમ ૫૦ (પચાસ) વ્યક્તિઓની મંજૂરી રહેશે. લગ્ન માટે DIGITAL GUJARAT PORTAL પર નોંધણીની જોગવાઇ યથાવત રહે છે. અંતિમક્રિયા/દફનવિધિ માટે મહત્તમ ૨૦ (વીસ) વ્યક્તિઓની મંજૂરી રહેશે. તમામ પ્રકારના રાજકીય, સામાજિક, ધાર્મિક, સાંસ્કૃતિક, શૈક્ષણિક, કાર્યક્રમો/મેળાવડાઓ સદંતર બંધ રહેશે.
પ્રેક્ષકોની ઉપસ્થિતિ વગર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ/સ્પોર્ટ્સ સ્ટેડીયમ/સંકુલમાં પ્રેક્ષકો વગર રમત-ગમત ચાલુ રાખી શકાશે. તમામ ધાર્મિક સ્થાનો જાહેરજનતા માટે બંધ રહેશે. ધાર્મિક સ્થાનો ખાતેની દૈનિક પૂજા/વિધી ધાર્મિક સ્થાનોના સંચાલકો/પૂજારીઓ દ્વારા જ કરવાની રહેશે. પબ્લિક બસ ટ્રાન્સપોર્ટ મહત્તમ ૫૦% પેસેન્જર કેપેસીટીમાં ચાલુ રહેશે. ગુજરાતમાં તમામ નાગરિકોને ફેસ કવર, માસ્ક અને સોશ્યલ ડીસ્ટન્સિંગનું ચુસ્તપણે પાલન કરવા પણ આદેશ કરાયો છે.સીએમ વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી આ કોર ગ્રુપની બેઠકમાં શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, ઊર્જા મંત્રી સૌરભ પટેલ, ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા, મુખ્ય સચિવ અનિલ મુકિમ, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કે કૈલાસનાથન ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજકુમાર તેમજ મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ મનોજકુમાર દાસ, પોલિસ મહાનિદેશક આશિષ ભાટિયા અને વરિષ્ઠ સચિવો જોડાયા હતાં.