Surat Main

સુરતમાં આજથી 5મી સુધી મિનિ લોકડાઉન સાથે જ તમામ કાપડ માર્કેટ પણ બંધ,જાણો કઈ સેવા ચાલુ રહેશે અને કઈ બંધ?

રાજ્ય સરકારે રાજ્યના 29 શહેરોમાં કરેલા મિનિ લોકડાઉનના આદેશોમાં સુરતમાં પણ આવતીકાલ બુધવારથી 5 મે સુધી દુકાન, વાણિજ્યક, લારી-ગલ્લા, શોપિંગ કોમ્પલેક્સ, બાગ-બગીચા, સલુક બ્યુટીપાર્લર, મોલ અને કોર્મશિયલ કોમ્પલેક્સ બંધ રાખવામાં આવશે. આદેશ પ્રમાણે હવેથી રેસ્ટોરન્ટમાં બેસીને હવે ભોજન લઇ શકાશે નહીં. રેસ્ટોરન્ટમાંથી કરફયૂના સમયગાળા સિવાયના સમયમાં ટેકઅવે એટલે કે ભોજન પાર્સલ લઇ શકાશે.

રોડ રસ્તા પર કે મેદાનમાં હાટ બજાર ભરી શકાશે નહીં, શિક્ષણ માત્ર ઓનલાઇન ચાલશે, સિનેમા થીયેટરો, ઓડિટોરીયમ, એસેમ્બલી હોલ, વોટર પાર્ક, જાહેર બાગ-બગીચા, મનોરંજક સ્થળો, સલૂન, સ્પા, બ્યુર્ટીપાર્લર, જીમ, સ્વિમીંગ પુલ, કોર્મશિયલ કોમ્પલેક્સ અને તમામ મોલ બંધ રહેશે. સરકારે અંતિમક્રિયા માટે 20 વ્યક્તિ અને ખુલ્લા અથવા બંધ સ્થળોએ લગ્ન માટે 50 વ્યક્તિઓની મંજુરી આપી છે. જો કે લગ્ન માટેની મંજુરી ડિજીટલ ગુજરાત પોટલ પર નોંધણી કરાવીને મેળવવી પડશે.

રીંગરોડની કાપડ માર્કેટ બહાર રેપીડ અને RTPCR ટેસ્ટ રીપોર્ટ કઢાવવા લાંબી કતારો લાગતા પો.કમિ.ની નજર પડી હતી

પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા શહેર પોલીસને ફરિયાદ કરવામાં આવી હતી કે કાપડના વેપારીઓ અને કામદારો નક્કી કરવામાં આવેલી ગાઇડલાઇન પ્રમાણે રેપીડ અને RTPCR ટેસ્ટ કઢાવ્યા વિના માર્કેટમાં પ્રવેશ કરે છે તેને લઇને સંક્રમણનો ખતરો રહે છે. કોરોનાની બીજી લહેરમાં કાપડ માર્કેટના વેપારીઓ અને કામદારોના પણ સંક્રમણથી મોત થયા હતા. તે ઉપરાંતરીંગરોડની કાપડ માર્કેટ બહાર રેપીડ અને RTPCR ટેસ્ટ રીપોર્ટ કઢાવવા લાંબી કતારો લાગતા પોલીસ કમિશનરની નજર પડી હતી. જેમાં મોટી સંખ્યામાં લોકો હોવાથી પોલીસ કમિશનરે ફોસ્ટાના પ્રમુખને જાણ કરી હતી તે પછી ફોસ્ટાએ બંધ રાખવાનો નિર્ણય લીધો છે.

બેંકો અને ડેરી રાબેતા મુજબ કાર્યરત રહેશે

રાજ્યના ગૃહ મંત્રાલયના પરિપત્રમાં બેંકો અને ડેરીને રાબેતા મુજબ કામ કરવાની છુટ આપવામાં આવી છે. તેને લીધે સુમુલ ડેરી, ચોર્યાસી ડેરી સહિતની ડેરીઓ રાબેતા મુજબ દૂધ વિતરણ કરી શકશે જયારે સ્ટોક એક્સચેન્જ, સ્ટોક બ્રોકરો, ઇન્સ્યોરન્સ કંપનીઓ અને ખાનગી ઓફિસો 50 ટકા કર્મચારીઓની હાજરીથી કામ કરી શકશે. તમામ ધાર્મિક સ્થળોમાં માત્ર પુજારી તથા અન્ય ધર્મના તેને સંલગ્ન ધર્મગુરૂઓને તે પ્રકારની ધાર્મિક વિધિ માટે છૂટ આપવામાં આવી છે. કોઇપણ પ્રકારના ધાર્મિક મેળાવડા કરી શકાશે નહીં. તમામ ધર્મ સ્થાનો જાહેર જનતા માટે બંધ રહેશે.

અનાજ કરિયાણાની દુકાનો, બેકરી સહિતની આ સેવાઓ ચાલુ રહેશે

માત્ર આવશ્યક સેવાઓ જેમાં ઓક્સિજન, શાકભાજી-અનાજ, કરિયાણાની દુકાનો, બેકરીઓ, મેડિકલ સ્ટોર, ફ્રુટ માર્કેટ, અનાજ અને મસાલા ડરવાની ઘંટીઓ, ઘરગથુ ટીફિન સેવાઓ, આઇટી સંબંધિત સેવાઓ, પેટ્રોલ-ડિઝલ પંપ, પોસ્ટ અને કુરિયર સેવા, ખાનગી સિક્યુરીટી સેવા, પશુઆહાર, ઘાસચારો અને પશુ દવાઓ વિતરણ કેન્દ્રો, આંતરરાજ્યો, બસ સેવાઓ, કોવિડની સામગ્રી ઉત્પાદિત કરતી કંપનીઓ ચાલુ રહેશે. તેને પોલીસ કે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ અટકાવશે નહીં.

સુરત APMCમાં રાબેતા મુજબ શાકભાજી-ફળફળાદીનું વેચાણ થશે

રાજ્યના ગૃહ સચિવના પરિપત્રમાં જે APMC શાકભાજી અને ફળફળાદીનું વેચાણ કરતી નથી તેવી APMC બંધ રાખવાનું નક્કી કરવામાં આવ્યું છે. તે જોતાં સુરતને તેની અસર થશે નહીં કારણ કે સુરત APMC માત્ર શાકભાજી અને ફળફળાદીનું વેચાણ થાય છે. સુરત APMCના ચેરમેન રમણ જાની અને વાઇસ ચેરમેન સંદિપ દેસાઇએ જણાવ્યું હતું કે સુરતના લોકોએ ખોટી અફવાથી દોરવાવું નહીં સુરત APMCમાં રાબેતા મુજબ શાકભાજી અને ફળફળાદીનું વેચાણ થશે.

કોરોનાના કહેરને પગલે સુરતમાં આજથી મિનિ લોકડાઉન શરૂ, તમામ કાપડ માર્કેટ 5મી સુધી બંધ

કોરોના સંક્રમણની બીજી લહેરમાં કાપડના વેપારીઓ અને પાલિકાના આરોગ્ય વિભાગના અધિકારીઓ સરળતાથી તંત્ર ગોઠવાઇ અને વેપાર થઇ શકે તે પ્રકારનું આયોજન કરવામાં નિષ્ફળ જતાં કાપડ માર્કેટ વિસ્તારમાં વેપારીઓ અને ટેક્સટાઇલ કામદારોમાં કોરોના વાયરસનું સંક્રમણ વધતા આવતી કાલે બુધવારે 28 એપ્રિલથી 5 મે સુધી રીંગરોડ અને સારોલીની કાપડ માર્કેટો બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આજે પોલીસ કમિશનર અજય તોમરે આજે ફોસ્ટા અને સુરત મર્કન્ટાઇલ એસોસિએશનના આગેવાનોને બોલાવ્યા હતા. અને આ બેઠકને અંતે માર્કેટ વિસ્તારમાં વેપારીઓ, પોટલાવાળાઓ, પાર્સલવાળા, ટ્રાન્સપોર્ટવાળા અને લેબરવર્ક કરતા મોટી સંખ્યામાં કોરોના ટેસ્ટ કરાવ્યા વિના અવરજવર કરતા હોવાથી પાલિકા કમિશનરે માર્કેટના આગેવાનોને કોઇક રસ્તો કાઢવા જણાવ્યું હતું. અમદાવાદમાં મસ્કતિ મહાજન મંડળે 5 મે સુધી માર્કેટ બંધ રાખવાનો નિર્ણય લીધો છે. તે તર્જ પર ફોસ્ટાએ આવતી કાલે બુધવારે એટલે કે 28 એપ્રિલથી 5 મે ના બુધવાર સુધી તમામ કાપડ માર્કેટો ગુજરાત સરકારના ગૃહ વિભાગના તા. 27/4/2021 ના જાહેરનામાને ધ્યાને રાખી બંધ રાખવાનો નિર્ણય લીધો છે. ફોસ્ટાના પ્રમુખ મનોજ અગ્રવાલ અને જોઇન્ટ સેક્રેટરી પુરષોત્તમ અગ્રવાલે 5 મે સુધી માર્કેટ બંધ રાખવાની જાહેરાત કરી છે. ફોસ્ટાના ડિરેક્ટર રંગનાથ શારડાએ જણાવ્યું હતું કે પોલીસ કમિશનર દ્વારા ફોસ્ટાના પ્રમુખને સુરતની વર્તમાન સ્થિતિમાં સહયોગ આપવા અપીલ કરાતા આખરે માર્કેટ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

Most Popular

To Top