કાલોલ: કાલોલ તાલુકાના ઘુસર પંથકમાં બેફામ રેતીખનન થઈ રહી હતી અને આ અંગેની વ્યાપક ફરિયાદો મળતી હતી ઘુસર, સુરેલી તેમજ ભૈરવ ની મુવાડી પંથકની ગોમા નદીમાંથી વહેલી સવારથી જ ગેરકાયદેસર રીતે ખનન કરવા માટે સંખ્યાબંધ ટ્રેક્ટરો ઉમટી પડતા હતા જે અંગે સોશિયલ મીડિયામાં પણ વારંવાર ફરિયાદ થતી હતી ઘુસર પંથકમાં ખાણ માફિયાઓ દ્વારા અંદરોઅંદર રેતી બાબતે ઝગડા ટંટા થયાના બનાવો પણ નોંધાયા છે.
ઉપરાંત કાલોલના મામલતદાર ની ટીમ પર હુમલાની નાકામ કોશિશ પણ આ વિસ્તારમાં બનેલ છે તે સંજોગોમાં વહીવટી તંત્ર દ્વારા સંકલન કરીને પંચમહાલ જિલ્લા ખાણ ખનીજ વિભાગની ક્ષેત્રીય ટીમ અને વેજલપુર પોલીસ સ્ટેશન ની ટીમને સાથે રાખીને શુક્રવારે વહેલી સવારે ઘુસર ગામની ગોમા નદીમાં ઓચિંતો છાપો માર્યો હતો જેથી ગેરકાયદેસર રીતે ખનન કરતા ટ્રેક્ટર ચાલકો માં નાસભાગ મચી જવા પામી હતી.
વહીવટી તંત્ર દ્વારા ૧૨ ટ્રેક્ટર કબજે કરવામાં આવ્યા હતા જોકે ચાર ટ્રેક્ટર ચાલકો ભાગી છૂટવામાં સફળ થયા હોવાની માહિતી મળેલ છે ખનીજ વિભાગ દ્વારા અંદાજે ૭૫ લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી વેજલપુર પોલીસ મથકે સોપી ફરિયાદ નોંધાવવાની તજવીજ શરૂ કરવામાં આવી છે. પોલીસ તેમજ ખનીજ વિભાગ દ્વારા સંયુક્ત રીતે રેડ કરતા ગેરકાયદેસર રીતે આ પંથકમાં રેતી ખનન કરતા ખનીજ માફિયાઓ માં ફફડાટ વ્યાપી ગયો છે જોકે આ ફફડાટ કાયમી ધોરણે રહે તેવુ સ્થાનિક નાગરિકો આશા રાખી રહ્યા છે.