આજથી થોડા દાયકાઓ પહેલા કદાચ કોઇએ ધાર્યું પણ નહીં હોય કે રોજબરોજના ઉપયોગની અનેક વસ્તુઓમાં વપરાતું પ્લાસ્ટિક આપણી પૃથ્વી પર ભયંકર સમસ્યા ઉભી કરશે. પ્લાસ્ટિકની શોધ થયા બાદ અનેક વસ્તુઓની બનાવટમાં તે વપરાવા માંડ્યું તથા એવી અનેક વસ્તુઓ કે જે અગાઉ ધાતુઓમાંથી બનતી હતી જેમ કે ડોલ, ટબ વગેરે તે પણ પ્લાસ્ટિકમાંથી બનવા માંડી. ઠંડા પીણાની બોટલો કાચને બદલે પ્લાસ્ટિકમાંથી બનવા માંડી, પ્લાસ્ટિકની ચમચીઓ, ડબ્બાઓ વગેરે અનેક વસ્તુઓ અસ્તિત્વમાં આવી. પેકેજીંગની સામગ્રી તરીકે તો પ્લાસ્ટિક ખૂબ ઉપયોગી સાબિત થયું. પ્લાસ્ટિકના કારણે અનેક સરળતાઓ થઇ ગઇ, પરંતુ હવે આ જ પ્લાસ્ટિક મોટી સમસ્યાઓ સર્જવા માંડ્યું છે.
બહુ ઉપયોગી એવા પ્લાસ્ટિકની મોટી ખામી એ છે કે તેના કચરાનું વાતાવરણમાં સરળતાથી વિસર્જન થતું નથી અને તેને કારણે આપણી પૃથ્વી પર પ્લાસ્ટિકના કચરાના ઢગલા વધતા જ જાય છે અને આ કચરાનો નિકાલ કઇ રીતે કરવો તે એક મોટી સમસ્યા છે. દુનિયામાં અનેક સ્થળે પ્લાસ્ટિકના કચરાના મોટા ઢગલા છે. આપણા દિલ્હી સહિત અનેક શહેરોમાં પ્લાસ્ટિકના કચરાઓના કેટલા મોટા ઢગ થયા છે તે બાબતની ચર્ચા અહીં અગાઉ પણ થઇ ગઇ છે પરંતુ હાલમાં એક નવો અહેવાલ બહાર આવ્યો છે અને તે દર્શાવે છે કે ધરતી પર તો પ્લાસ્ટિકના કચરાના ઢગલા છે જ પરંતુ દરિયામાં પણ જંગી પ્રમાણમાં પ્લાસ્ટિકનો કચરો તરી રહ્યો છે, આ કચરો અનેક રીતે ભયંકર પુરવાર થઇ શકે છે.
હાલમાં થયેલો એક અભ્યાસ વૈશ્વિક પ્લાસ્ટિક કટોકટી કેટલી હદે વકરી ગઇ છે તેના પર પ્રકાશ પાડે છે. સંશોધકોએ શોધી કાઢ્યું છે કે આપણા મહાસાગરોમાં ૪.૯ મિલિયન ટન પ્લાસ્ટિકનો કચરો તરી રહ્યો છે અને ૨૦૦પ પછી પ્લાસ્ટિકના કચરાના પ્રમાણમાં અભૂતપૂર્વ વધારો થયો છે. આપણા સમુદ્રો અને મહાસાગરોમાં પ્લાસ્ટિકનો ૪૯ લાખ ટન કચરો તરી રહ્યો છે એમ જણાવતા નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે આ સમસ્યાના ઉકેલ માટે વૈશ્વિક સ્તરે તત્કાળ પગલા ભરવાની જરૂર છે. નિષ્ણાતો ચેતવણી આપે છે કે જો તત્કાળ પગલા લેવામાં નહીં આવે તો આપણા જળ વિસ્તારોમાં પ્રવેશતા પ્લાસ્ટિકના કચરાનું પ્રમાણ ૨૦૪૦ સુધીમાં ૨.૬ ગણુ જેટલું થઇ જઇ શકે છે.
આ એક સખત ચેતવણી છે અને આપણે વૈશ્વિક સ્તરે કાર્ય કરવું જ પડશે એ મુજબ એક સંશોધક માર્કસ એરિકસને ચેતવણી આપી હતી. આપણને એક મજબૂત, કાનૂની રીતે બાધ્ય હોય તેવી પ્લાસ્ટિકના પ્રદૂષણ અંગેની એક યુએન વૈશ્વિક સંધિની જરૂર છે જે સમસ્યાને તેના સ્ત્રોતમાંથી જ અટકાવી શકે એમ તેમણે કહ્યું હતું. નિષ્ણાતોનું અનુમાન સૂચવે છે કે ૮૨-૩૫૮ ટ્રિલિયન પ્લાસ્ટિકની વસ્તુઓ જેનું વજન ૧૧થી ૪૯ મિલિયન ટન જેટલું થાય છે તે ૨૦૧૯માં આપણા મહાસાગરોમાં તરતી હતી. છ મોટા સમુદ્રી પ્રદેશોમાંના ૧૧૭૭૭ કેન્દ્રો પરથી પ્લાસ્ટિકના પ્રદષણના સપાટી પરના કચરાનો અભ્યાસ ૧૯૭૯થી ૨૦૧૯ સુધીમાં કરવામાં આવ્યો હતો જેમાં આ વિગત બહાર આવી છે.
૨૦૦પ પછી આના પ્રમાણમાં ઘણો વધારો કેમ થયો છે તે અંગેનું કારણ અસ્પષ્ટ છે પરંતુ તે અંગે ઘણી થિયરીઓ છે. છેલ્લા કેટલાક વર્ષોમાં પ્લાસ્ટિકની વસ્તુઓમાં, ખાસ કરીને એક વાર વાપરીને ફેંકી દેવાની એવી ડીસ્પોઝેબલ વસ્તુઓ જેમ કે પાણીની પ્લાસ્ટિકની બોટલો, ઠંડા પીણાની બોટલો, ડીસ્પોઝેબલ ગ્લાસ, પ્લાસ્ટિકના છરી-કાંટા વગેરેનો વપરાશ ખૂબ વધી ગયો છે અને આ વસ્તુઓનો કચરો દરિયા કિનારે બીચો પર ઘણો ભેગો થાય છે તે એક મહત્વનું કારણ હોઇ શકે છે. આ ઉપરાંત કેટલાક દેશો પ્લાસ્ટિકના કચરાના ઢગલાઓ સમુદ્રમાં ઠાલવી દેતા હોય તે પણ કારણ હોઇ શકે છે. દરિયામાં પ્લાસ્ટિકનો તરતો આટલો મોટો જથ્થો ખૂબ જ હાનિકારક પુરવાર થઇ શકે તેમ છે અને તે જળચર સૃષ્ટિને ભારે નુકસાન પહોંચાડી શકે છે અને છેવટે આખી ઇકો સિસ્ટમને હાનિ પહોંચાડી શકે છે.
પ્લાસ્ટિકનો વપરાશ હવે એટલો બધો વધી ગયો છે કે તે સદંતર બંધ કરી દેવો તે તો અશક્યવત બની ગયું છે પરંતુ આ પ્લાસ્ટિકનો વપરાશ ઘટાડવાની દિશામાં પ્રયાસો હાથ ધરાયા છે પરંતુ તે પણ પુરતા થઇ રહેતા નથી. પ્લાસ્ટિકનો કચરો ઘટાડવા માટે તેની અનેક એવી બનાવટો કે જે એકવાર વાપરીને ફેંકી દેવાની હોય છે તેમના પર પ્રતિબંધ મૂકવા સહિતની તજવીજો હાથ ધરવામાં આવી છે પરંતુ પુરા મનથી આ દિશામાં પ્રયાસો થતા નથી. રિસાયકલ કરી શકાય તેવા પ્લાસ્ટિકનો વપરાશ વધારવાની વાતો પણ થાય છે પરંતુ તે દિશામાં પણ નક્કર કામ થતું લાગતું નથી. પરંતુ દરિયામાં તરતા પ્લાસ્ટિકના કચરાના જંગી પ્રમાણ અંગેના જે નવા અહેવાલો આવ્યા છે તેનાથી તો હવે દુનિયાના દેશોની આંખ ઉઘડવી જોઇએ અને પ્લાસ્ટિકનો કચરો ઘટાડવાની દિશામાં નક્કર પ્રયાસો હાથ ધરાવા જ જોઇએ.