વિશ્વના 108થી વધુ દેશમાં આજે વિશ્વ નવકાર મહામંત્ર દિવસનું આયોજન કરવામાં આવ્યું છે. જૈન ઈન્ટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન (JITO) અમદાવાદ તથા જૈન સમાજ દ્વારા વિશ્વ કલ્યાણ સંકલ્પને જન જન સુધી પહોંચાડવાનું આયોજન કરાયું છે.
દિલ્હીથી પીએમ નરેન્દ્ર મોદીએ સમગ્ર કાર્યક્રમનો પ્રારંભ કરાવ્યો હતો. વડાપ્રધાને જૈન સમાજ વિશે વાત કરતા કહ્યું કે, જૈન ધર્મની પ્રતિભા અણમોલ છે. નવા સંસદ ભવનમાં પણ જૈન ધર્મનો પ્રભાવ જોવા મળે છે. જૈન ધર્મ સૂક્ષ્મ જીવોમાં પણ અહિંસાને માનનારો છે.
આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી JITO એપેક્સના દિલ્હી વિજ્ઞાન ભવન ખાતે યોજાઈ રહેલા મુખ્ય કાર્યક્રમથી ઉપસ્થિત રહી સમગ્ર ભારતને વર્ચ્યુઅલી સંબોધિત કર્યું હતું.. આ ઉપરાંત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી, ટોરેન્ટ ગ્રુપના સુધીર મહેતા તેમજ તમામ જૈન સમુદાય, જેમ કે શ્વેતાંબર સંઘ, દિગંબર સંઘ, તેરાપંથી સંઘ, સ્થાનકવાસી સંઘ એમ તમામ જૈન સમુદાયના જૈન મુનિ આ નવકાર મહામંત્રમાં ઉપસ્થિત રહ્યાં હતાં. ગચ્છાધિપતિ, આચાર્ય, સાધુ-સાધ્વીજી ભગવંતો નવકાર મહામંત્રના આશીર્વાદ આપવા માટે પધાર્યા હતા.
નવી દિલ્હીથી કાર્યક્રમનો પ્રારંભ કરાવતા અને નવકાર મહામંત્રમાં ઉલ્લેખિત ભગવાનના જ્ઞાનનું વર્ણન કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, મને જૈન મુનિઓનું નાનપણથી સાનિધ્ય મળ્યું છે. નવકાર મહામંત્રનો પ્રત્યેક અક્ષર એક મંત્ર છે. નવકારા મહામંત્ર 108 ગુણોને નમસ્કાર કરવા જેવું છે. પોતાને જીતવાથી અરિહંત બનાય. દુશ્મન બહાર નહીં અંદર છે. જીવનમાં જ્ઞાન અને કર્મનું મહત્વ છે. નવકાર મહામંત્ર આત્મશુધ્ધિનો મંત્ર છે. ઐતિહાસિક રીતે નવકાર મંત્ર શીલાલેખોથી આગળ વધ્યો.
પ્રાચીન મૂર્તિઓ વિદેશથી પરત આવે તેમાં તિર્થંકરોની મૂર્તિઓ પરત આવે છે. પાછલા વર્ષોમાં 20થી વધુ તિર્થંકરોની મૂર્તિઓ વિદેશથી પરત આવી છે. ભારતની ઓળખાણમાં જૈન ધર્મની પ્રતિભા અણમોલ છે. નવી સંસદમાં જૈન ધર્મનો પ્રભાવ સાફ છે.
હું નથી જાણતો તમારામાંથી કેટલાંક લોકો નવુ સંસદ ભવન જોવા માટે ગયા હશો. પણ ત્યાં તમે જોયું હશે કે, લોક તંત્રનું મંદિર નવી સંસદ બની ત્યાં પણ જૈન ધર્મનો પ્રભાવ સ્પષ્ટ દેખાય છે. અહીં સ્થાપત્ય ગેલેરીમાં સમેત શિખર દેખાય છે. લોકસભાના પ્રવેશ દ્વારા પર તીર્થંકરની મૂર્તિ જે ઓસ્ટ્રેલિયાથી આવી છે. સંવિધાનની ગેલેરીની છત પર મહાવીરની અદ્દભુત પેઇન્ટિંગ લાગેલી છે. સાઉથ બિલ્ડિંગની દિવાલો પર 24 તિર્થંકર એકસાથે છે.
વધુમાં વડાપ્રધાને કહ્યું ધર્મદર્શન લોકશાહીને દિશા આપે છે. જૈન ધર્મ સાહિત્ય બૌધિક વૈભવનું કરોડરજ્જુ છે. પ્રાકૃત અને પાલીને કલાસિકલ ભાષાનો દરજ્જો અપાયો છે. કરોડો પાંડુ લીપીઓને ડિજિટલ કરવાની તૈયારી છે. બજેટમાં તેની ઘોષણા થઈ હતી. જૈન ધર્મ સાહિત્યિક અને સંવેદનશીલ છે. આજના વૈશ્વિક પ્રશ્નોનું સમાધાન જૈન ધર્મના મૂળ મૂલ્યોમાં છે. જગતના બધા જીવ એક બીજા ઉપર આધારિત છે. જૈન ધર્મમાં સૂક્ષ્મ જીવોમાં પણ અહિંસાને માનનારો છે.
નવ સંકલ્પ લેવા PM મોદીનું આહવાન
- પહેલો સંકલ્પ- પાણી બચાવવો
- બીજો સંકલ્પ- એક વૃક્ષ માના નામે લગાવો
- ત્રીજો સંકલ્પ- સ્વચ્છતા મિશન
- ચોથો સંકલ્પ- વોકલ ફોર લોકલ
- પાંચમો સંકલ્પ- દેશ દર્શન
- છઠ્ઠો સંકલ્પ- પ્રાકૃતિક ખેતી અપનાવો
- સાતમો સંકલ્પ- હેલ્ધી લાઇફસ્ટાઇલ અપનાવો
- આઠમો સંકલ્પ- યોગ અને ખેલને જીવનમાં લાવો.
- નવમો સંકલ્પ- ગરીબોની સહાયતા કરો
અમદાવાદમાં 360 સંઘ ઉપસ્થિત રહ્યાં
અમદાવાદના GMDC ગ્રાઉન્ડમાં પણ ઐતિહાસિક આયોજન કરાયું હતું, જેમાં 360 સંઘ ઉપસ્થિત રહ્યા હતા. GMDC ગ્રાઉન્ડમાં હાજર 25 હજારથી વધુ લોકોએ એકસાથે નવકાર મંત્રનો જાપ કર્યો હતો. વિશ્વકલ્યાણના અર્થે આ મહત્ત્વપૂર્ણ આયોજન જૈન સમુદાય દ્વારા કરવામાં આવ્યું હતું. આ નવકાર મંત્રના જાપથી એક રેકોર્ડ બન્યો છે.
સુરતના ઈન્ડોર સ્ટેડિયમમાં 10 હજાર જૈનો ભેગા થયા
સુરત શહેરના ઈન્ડોર સ્ટેડિયમમાં જિતો દ્વારા નવકાર જાપનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં 10 હજારથી વધુ જૈનો ભેગા થયા હતા. પુરુષોએ શ્વેત વસ્ત્રો જ્યારે સ્ત્રીઓએ લાલ વસ્ત્રો ધારણ કર્યા હતા. એક સાથે નવકાર મંત્રનો જાપ કરી નવો રેકોર્ડ બનાવ્યો હતો. અહીં 63 વર્ષીય મહિલાએ વિવિધ ભાષામાં 50થી કૃતિમાં 51,000 નવકાર મંત્ર લખ્યાં હતા.
