નવી દિલ્હી: EDએ મોટી કાર્યવાહી કરતા સત્યેન્દ્ર જૈન(Satyendra Jain)નાં પરિવાર અને સંજય રાઉત(Sanjay Raut)ની પત્ની(Wife)ની કરોડોની સંપત્તિ(Property) જપ્ત કરી છે. બંને કેસ જુદા જુદા છે. જેમાં EDએ કાર્યવાહી કરી છે. એક કેસ શિવસેનાનાં નેતા સંજય રાઉતની પત્નીથી જોડાયેલો છે જ્યારે બીજો કેસ આપનાં નેતા સત્યેન્દ્ર જૈનનાં પરિવાર સાથે જોડાયેલો છે.
પહેલા કેસમાં EDએ 11 કરોડની મિલકત જપ્ત કરી છે.જેમાંથી 9 કરોડની મિલકત પ્રવીણ રાઉતની છે. જ્યારે 2 કરોડની મિલકત સંજય રાઉતની પત્નીની છે. EDએ રૂ. 1,034 કરોડના પાત્રા ચોખા જમીન કૌભાંડમાં શિવસેના નેતા સંજય રાઉતની પત્નીની સંપત્તિ જપ્ત કરી હતી. મળતી માહિતી મુજબ, જપ્ત કરાયેલી સંપત્તિમાં અલીબાગ ખાતે આવેલ પ્લોટ અને દાદર ખાતે ફ્લેટનો સમાવેશ થાય છે. આ મામલે સંજય રાઉતનાં મિત્ર પ્રવીણ રાઉતની ધરપકડ પણ થઇ હતી. EDએ આ કેસમાં ગત અઠવાડિયેજ ચાર્જશીટ દાખલ કરી હતી. તપાસમાં EDને જાણવા મળ્યું કે મિલકતની ખરીદી કરવા માટે ગુનાહિત રસ્તો અપનાવવામાં આવ્યું હતું
તપાસ એજન્સીને જાણવા મળ્યું છે કે પ્રવીણ રાઉતની પત્ની માધુરીએ 2010માં શિવસેના સાંસદ સંજય રાઉતની પત્ની વર્ષાને 55 લાખ રૂપિયાની વ્યાજ મુક્ત લોન આપી હતી. જેનો ઉપયોગ મુંબઈના દાદરમાં એક ફ્લેટ ખરીદવામાં કરવામાં આવ્યો હતો. ઈડી રૂપિયાની તપાસ કરી રહી છે.
‘બાલાસાહેબ ઠાકરેનો શિષ્ય છું, ઝૂકીશ નહી’: સંજય રાઉત
શિવસેનાના નેતા સંજય રાઉતે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની કાર્યવાહી પર તીખી પ્રતિક્રિયા આપી છે. ED દ્વારા તેના ફ્લેટ અને પ્લોટને જપ્ત કરવા અંગે તેણે કહ્યું કે મને ગોળી મારી દેવામાં આવે કે જેલમાં મોકલવામાં આવે તો પણ હું ચૂપ બેસીશ નહીં. સંજય રાઉતે કહ્યું કે હું બાલાસાહેબ ઠાકરેનો શિષ્ય છું અને માથું નમાવી શકતો નથી. સંજય રાઉતે કહ્યું, ‘આખરે પ્રોપર્ટીનો અર્થ શું છે. શું હું મેહુલ ચોક્સી, નીરવ મોદી કે વિજય માલ્યા? હું અંબાણી કે અદાણી પણ નથી. હું જે ઘરમાં રહું છું તે નાનું છે. મારા વતન અલીબાગમાં એક એકર જમીન પણ નથી. અમે જે કંઈ લીધું છે તે મહેનતના પૈસાથી ખરીદ્યું છે જે 2009માં લેવામાં આવ્યું હતું.
EDની બદલાની કાર્યવાહી : સંજય રાઉત
સંજય રાઉતે EDની કાર્યવાહીને બદલાની કાર્યવાહી ગણાવી હતી. તેમણે કહ્યું. મને પહેલેથી જ ધમકીઓ મળી રહી હતી કે જો તમે મહારાષ્ટ્ર સરકારને પછાડવામાં સહકાર નહીં આપો તો કેન્દ્રીય એજન્સીઓ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે. અત્યંત કઠોર અંદાજમાં જોવા મળતા શિવસેનાના રાજ્યસભા સાંસદે કહ્યું, ‘અમે ડરવાના નથી, ભલે અમને ગોળી મારી દો. મિલકત જપ્ત કરો અથવા જેલમાં મોકલી દો. સંજય રાઉત બાલાસાહેબ ઠાકરેનો શિષ્ય છે, ચૂપ નહીં બેસીશ, તમારી પોલ ઉજાગર કરતા રહીશું. બે વર્ષથી કાર્યવાહી ચાલી રહી છે, પરંતુ હું ચૂપ બેઠો નથી. હવે જેને કૂદવું હોય તે કૂદતા રહે, નાચતા રહે. આગામી દિવસોમાં ખબર પડશે કે સત્ય શું છે.
સત્યેન્દ્ર જૈનની 4.81 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત
બીજો મામલો આપનાં નેતા સત્યેન્દ્ર જૈનનાં પરિવાર સાથે જોડાયેલો છે. જેમાં 4.81 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરવામાં આવી છે. આ મામલો મની લોન્ડરિંગ સાથે જોડાયેલો છે. મળતી માહિતી મુજબ, જૈનના પરિવારના સભ્યો આવી કોઈ ફર્મ સાથે સંકળાયેલા હતા જેની પીએમએલએ હેઠળ તપાસ ચાલી રહી છે. આ કેસમાં જેમની મિલકતો જપ્ત કરવામાં આવી છે તેમાં અકિંચન ડેવલપર્સ પ્રાઈવેટ લિમિટેડ, ઈન્ડો મેટલ ઈમ્પેક્સ પ્રાઈવેટ લિમિટેડ વગેરેનો સમાવેશ થાય છે. તેમની સામે પીએમએલએ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.
શિવસેના સાંસદે કૌભાંડ મામલે ઉપરાષ્ટ્રપતિને પત્ર લખ્યો હતો
મહત્વનું છે કે થોડા સમય પહેલા શિવસેના સાંસદ સંજય રાઉતે ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂને એક પત્ર લખ્યો હતો, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે 1034 કરોડ રૂપિયાના પાત્રા ચોલ ભૂમિ કૌભાંડના મામલામાં તપાસ કરી રહેલ ઈડી તેના અને તેના સંબંધીઓ, મિત્રો અને પરિચિતોની વિરુદ્ધ પોતાની શક્તિઓનો દુરૂપયોગ કરી રહી છે. સંજય રાઉતે આરોપ લગાવ્યો હતો કે ઈડી અને અન્ય કેન્દ્રીય એજન્સીઓનો ઉપયોગ લોકતાંત્રિક રીતે ચૂંટાયેલી સરકારોને પાડવાના ઈરાદાથી કરવામાં આવી રહ્યો છે.