લુણાવાડા : મહિસાગર જિલ્લાના આઈસીડીએસ દ્વારા પોષણ અભિયાન યોજના અંતર્ગત પોષણ માસ 2023ની ઉજવણી કરવામાં આવી હતી. જે અંતર્ગત સંતરામપુર અને કડાણા તાલુકામાં જનજાગૃતિ અર્થે વિવિધ પ્રવૃત્તિ યોજાઇ હતી. જેમાં મિલેટ આધારિત વાનગીઓની સ્પર્ધા પણ યોજાઇ હતી. મહીસાગર જિલ્લાના આઈસીડીએસને લગતી તેમજ વિવિધ યોજનાઓના પ્રચાર-પ્રસાર માટે સંતરામપુર અને કડાણા તાલુકામાં જનજાગૃતિ અર્થે ભવાઈ, નાટક જેવી પ્રવૃતિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્ષની ‘પોષણ માસ-2023’ થીમ અનુસાર, માત્રને માત્ર સ્તનપાન અને પૂરક આહાર, સ્વસ્થ બાળક સ્પર્ધા, પોષણ ભી પઢાઈ ભી, મિશન લાઇફ દ્વારા પોષણ સ્તરમાં સુધારો, મારી માટી મારો દેશ, આદિવાસી કેન્દ્રિત પોષણ સેન્સિટાઇઝેશનની થીમ સાથે આંગણવાડી કેન્દ્રોમાં પોષણના સંદેશા જાહેર જનતા વચ્ચે રજુ કરવામાં આવ્યું હતું.
‘પોષણ માસ-2023’ અંતર્ગત આ વર્ષે મીલેટ આધારિત વાનગીઓને વધુ પ્રાધાન્ય આપી વાનગી સ્પર્ધા યોજવામાં આવી હતી, તેમજ ટેક હોમ રેશનથી બનતી અલગ અલગ વિશેષ વાનગીઓ વિશે આંગણવાડી કેન્દ્રના લાભાર્થી જેમ કે 0થી 6 વર્ષના બાળકો, સગર્ભા બહેન અને ધાત્રીમાતા અને કિશોરીઓને રોજીંદા આહારમાં ટેક હોમ રેશનનો ઉપયોગ અંગે બહોળી પ્રસિદ્ધિ કરવામાં આવી અને સ્વસ્થ બાલક સ્પર્ધા યોજવામાં આવેલ હતી. જેમાં વિજેતા બાળકોને પ્રોત્સાહક ઈનામ આપી સન્માનિત કરવામાં આવ્યા હતાં.
સંકલિત બાળ વિકાસ સેવાનો લાભ તેમજ લાભાર્થીને મહિલા અને બાળ વિકાસ વિભાગની અતિ આવશ્યક અને અસરકારક સેવા વિશે માહિતગાર કરવામાં આવ્યાં હતાં. પોષણ માસ ઉજવણી સંદર્ભે શપથ લેવડાવવામાં આવેલ તેમજ જનભાગીદારી સ્વરૂપે પ્રવૃત્તિઓ થાય તે અનુરોધ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં જિલ્લા પ્રોગ્રામ ઓફિસર, તાલુકા પંચાયતનો સ્ટાફ, બાળ વિકાસ યોજના અધિકારી તેમજ મુખ્યસેવિકા આઇસીડીએસ તમામ સ્ટાફ ઉપરોક્ત થીમ મુજબ ઉજવણી કરવામાં આવી હતી.