SURAT

મિલો બંધ રાખવાના મુદ્દે મિલમાલિકો જ એકમત નહીં

કોલસાની અછત વચ્ચે મિલમાલિકોને કાપડની મિલો ચલાવવી પોષાય તેમ નથી. તેથી જોબચાર્જ વધારવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યાં છે, પરંતુ તે માટે કાપડના વેપારીઓ તૈયાર થતા નહીં હોય નવેમ્બરના મહિનામાં 30 દિવસ માટે મિલો બંધ રાખવાની વિચારણા ચાલી રહી છે, ત્યારે આજે કાપડ ઉદ્યોગ સાથે સંકળાયેલા સોશિયલ મીડિયા ગ્રુપ્સમાં એવા મેસેજ ફરતા થયા છે કે નવેમ્બર મહિનામાં મિલ ચાલુ રહેશે. જેના લીધે માહોલ ગરમાયો છે. બંધના મુદ્દે મિલમાલિકો જ એકમત નહીં હોવાનું ચિત્ર સપાટી પર આવ્યું છે.

જોબચાર્જના મુદ્દે ગયા અઠવાડિયે ચેમ્બરની ટેક્સટાઈલ કમિટીની અધ્યક્ષતામાં કાપડ ઉદ્યોગના તમામ ઘટકોની એક મિટીંગ મળી હતી, જેમાં પ્રોસેસર્સે જોબચાર્જ વધારવા અંગેની લાગણી વ્યક્ત કરી હતી. કાપડના વેપારીઓને ભાવવધારો સ્વીકાર્ય નથી, પરંતુ કમને પરિસ્થિતિને ધ્યાનમાં લઈ જોબચાર્જ વધારા માટે તૈયાર થયા છે, પરંતુ હાલમાં જે માલ મિલમાં હોય તેની પર જૂનો જ જોબચાર્જ ચૂકવવાની શરત મુકી છે. જોબચાર્જ વધારવા મુદ્દે સાઉથ ગુજરાત પ્રોસેસર્સ એસોસિએશન દ્વારા 20મી ઓક્ટોબરના રોજ નિર્ણય લેવામાં આવનાર છે.

  • યુનિટ ચલાવવા પોષાતા નહીં હોય દિવાળી બાદ નવેમ્બર મહિનામાં મિલો બંધ રાખવાનો પણ નિર્ણય લેવાની હિલચાલ ચાલી રહી છે, ત્યારે મિલમાલિકોનો એક વર્ગ તેનો વિરોધ કરી રહ્યો છે. એક મહિનાના વેકેશનના મુદ્દે મિલમાલિકોમાં બે ઉભા ફાડચાં પડી ગયા છે.

દરમિયાન યુનિટ ચલાવવા પોષાતા નહીં હોય દિવાળી બાદ નવેમ્બર મહિનામાં મિલો બંધ રાખવાનો પણ નિર્ણય લેવાની હિલચાલ ચાલી રહી છે, ત્યારે મિલમાલિકોનો એક વર્ગ તેનો વિરોધ કરી રહ્યો છે. એક મહિનાના વેકેશનના મુદ્દે મિલમાલિકોમાં બે ઉભા ફાડચાં પડી ગયા છે. સંગઠન બંધની તરફેણમાં છે ત્યારે સચીન અને પાંડેસરાના અંદાજે 22થી 23 મિલમાલિકો મિલ ચાલુ રાખવાના મૂડમાં છે.

આજે એક મિલ માલિકે સોશિયલ મીડિયામાં એવા મેસેજ વહેતા કર્યા હતા કે નવેમ્બરમાં મિલ ચાલુ રહેશે. માર્કેટમાં જે એક મહિનો બંધના મેસેજ ફરે છે તેવી અફવાઓ પર ધ્યાન આપતા નહીં. આ મેસેજના પગલે કાપડઉદ્યોગમાં ચર્ચાનો દોર શરૂ થયો છે. એવી વાત ચાલી રહી છે કે પ્રોસેસર્સ એસોસિએશનની વાત મિલમાલિકો જ માની રહ્યાં નથી. આ મેસેજના લીધે પ્રોસેસર્સ એસોસિએશન પણ મૂંઝવણમાં મુકાયું છે.

નોંધનીય છે કે, શહેરમાં 350 જેટલા ટેક્સટાઈલ પ્રોસેસિંગ યુનિટ આવેલા છે. તે પૈકી 22થી 23 યુનિટના માલિકો જ નવેમ્બરમાં મિલો ચાલુ રાખવાના મૂડમાં છે. બાકી 300 જેટલાં મિલમાલિકો એસોસિએશન દ્વારા લેવાતા નિર્ણયનું સમર્થન કરી રહ્યાં છે. હજુ દિવાળીને એક મહિનો બાકી છે ત્યારે આ વિવાદમાં આગળ શું થાય છે તે જોવું રહ્યું!

Most Popular

To Top