વાસદ મહી નદી કાંઠે મહી બીજ નિમિત્તે દૂધાભિષેક કરાયો

આણંદ : વાસદ સ્થિત મહીસાગર નદી કાંઠે બુધવારના રોજ રબારી સમાજ દ્વારા દૂધાભિષેક કરવામાં આવ્યો હતો. મહા સુદ બીજને રબારી અને ગોપાલકો મહી બીજ તરીકે ઉજવે છે, આ અવસરે વાસદ મહીસાગર માતાજીના મંદિર, વહેરાખાડી તેમજ વડોદરા જિલ્લાના ફાજલપુર ખાતે મહીસાગર માતાજીના મંદિરે રબારી અને ગોપાલક સમાજ મોટી સંખ્યામાં ઉમટી પડ્યાં હતાં. પરંપરાગત વેશભુષા પરિવેશ સાથે ભક્તિભાવપૂર્વક ખોળો ખુંદ્યો હતો. મહીસાગર માતાના દુગ્ધાભિષેક, પવિત્ર સ્નાન અને દર્શન માટે ઉત્તર ગુજરાતથી લઇ ચરોતર અને દક્ષિણ ગુજરાતમાંથી રબારી સમાજના લોકો ઉમટી પડ્યાં હતાં.

તેઓ ઘરની ગાયના દૂધથી અભિષેક કરે છે. પવિત્ર સ્નાન કરે છે અને પ્રસાદરૂપે ખાલી કેનમાં મહીમાતાનું પાવન જળ ભરે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, એક કથા પ્રમાણે લોકમાતા મહી જ્યારે સાગર સાથે લગ્ન યોજાયા ત્યારે ગોપાલક સમાજના વ્યક્તિએ ચોથા મંગળફેરાએ તેમનું સવા રૂપિયો અર્પણ કરીને કન્યાદાન કર્યું હતું. આણંદ જિલ્લાના મહી અને સાગરના સંગમબિંદુ જેવા વહેરા ખાડી ગામે આ લગ્ન યોજાયા હતા, તેવી પ્રખર લોકશ્રદ્ધા પ્રવર્તમાન છે. આમ, રબારી સમાજ સહિત ગોપાલક સમાજનો વિશાળ વર્ગ લોકમાતા મહીને કુળવર્ધીની માતા તરીકે પૂજે છે.

Most Popular

To Top