અમર ઉપાધ્યાય એક સમયે દેશ આખાનું સેન્સેશન હતો, અત્યારે તે ટી.વી. પર કામો તો કરે છે પણ કોઇ ઉહાપોહ થતો નથી. હમણાં જ તેની ‘મોલ્કકી’ ટી.વી. શ્રેણી પૂરી થઇ જેમાં તેણે વીરેન્દ્ર પ્રતાપસીંઘની ભૂમિકા ભજવી હતી. ૨૦૨૦ માં‘ઇટ્સ માય લાઇફ’ નામે ટી.વી. મુવીમાં તે આવેલો. ૨૦૧૭ માં ‘સાથ નિભાના સાથીયા’માં ધરમ સૂર્યવંશી બનેલો. અમર ઉપાધ્યાયને થતું હશે કે કયાં ગયો એ સમય? મિહિર વિરાણી તરીકે તે જબરદસ્ત મશહુર થયેલો. એ મશહુરીને કારણે તેની કારકિર્દી આગળ વધી પણ ગઇ પણ મશહુરી ધીમી પડી ગઇ. એ મશહુરી પછી તેને ફિલ્મો પણ મળવા માંડેલી અને ‘ઇશ્ક કમીના’, ‘એલઓસી: કારગીલ’ વગેરે ફિલ્મો મળી પણ તે ટી.વી.નો જ એકટર રહી ગયો. ૧૯૯૩-૯૪ થી શરૂ થયેલી તેની કારકિર્દીને હજુ ય ટી.વી.નો જ આધાર છે.
તેને ફિલ્મ મળે છે અને ‘આવ તારું કરી નાંખુ’ નામે ગુજરાતી ફિલ્મમાં પણ કામ કર્યું છે. હિન્દી ન મળે ત્યારે ભોજપુરી ને મરાઠીમાં પણ કામ કરી લે છે. હિન્દી મળે તો ઓટીટી પ્લેટફોર્મ માટેની ફિલ્મો હોય છે જેમ કે ‘કાગઝ’ અને ‘બોબ વિશ્વાસ’ ઝી ફાઇવ માટેની ફિલ્મો હતી. ‘કાગઝ’ નો નિર્માતા સલમાનખાન હતો પણ સલમાન તેને તેની મનોરંજક ફિલ્મનો ભાગ બનાવતો નથી. ખેર, અમરે જ પોતાની કારકિર્દી મેનેજ કરવાની હોય. હવે તે ‘ભુલભુલૈયા-2’ માં કાર્તિક આર્યન અને કિયારા અડવાણી, તબુ સાથે આવી રહ્યો છે. મૂળ અમદાવાદનો અમર ઉપાધ્યાય મુંબઇમાં જ મોટો થયો છે. હેતલને પરણી અત્યારે બે સંતાનોનો પિતા છે. એટલે જીવનમાં તો ગોઠવાયેલો જણાય છે. ‘કયું કી સાંસ ભી કભી બહુ થી’ સિરીયલે તો અનેકને સ્ટાર બનાવેલા. એવી સિરીયલ ફરી ફરી મળતી હોતી નથી. તેણે નેગેટીવ ભૂમિકા પણ ભજવી છે. મિહિર વિરાણી પછી અલબત્ત ધરમ સૂર્યવંશીની ભૂમિકાએ તેને ચર્ચામાં લાવી દીધો હતો. ‘એક દિવાના થા’ માં તેની રાજન બેદી તરીકેની ભૂમિકા પણ પ્રશંસા પામેલી. આમ છતાં અમર ઉપાધ્યાય જાણે એક ઊંચાઇ પર પહોંચ્યા પછી હવામાં સ્થિર છે.