Columns

મધ્યમ માર્ગ

એક બોધિસત્વ ચારે બાજુ ભગવાન બુધ્ધનો સંદેશ ફેલાવે.એક દિવસ એક જિજ્ઞાસુએ પૂછ્યું, ‘ગુરુજી, ભગવાન તથાગત બુધ્ધએ મધ્યમ માર્ગ નો મહિમા કર્યો છે.પણ મધ્યમ માર્ગ એટલે શું ? અને મને એ સમજાતું નથી કે મધ્યમ માર્ગ કઈ રીતે સર્વશ્રેષ્ઠ હોય શકે.મધ્યમ માર્ગ તો તમને આગળ લઇ જવાની બદલે મધ્યમમાં જ રાખે એવું ન થાય??’ બોધિસત્વએ કહ્યું, ‘ભગવાન ગૌતમ બુધ્ધ મધ્યમ માર્ગ સમજાવ્યો છે અને બધાને તેની પર ચાલવા કહ્યું છે.તમે વીણા વગાડો છો ?? જિજ્ઞાસુ વીણા વગાડતા હતા તેમને કહ્યું, ‘હા હા વગાડું છું અને રોજ વગાડું છું.મારી પાસે મારી વીણા અત્યારે પણ છે.’

બોધિસત્વએ કહ્યું, ‘કાલે સવારે પ્રાર્થના બાદ આપણે તમારું વીણા વાદન સાંભળીશું…’ જિજ્ઞાસુએ કહ્યું, ‘ભલે જેવી આપની આજ્ઞા પણ મારા પ્રશ્નનો જવાબ ??’ બોધિસત્વએ કહ્યું, ‘જવાબ પણ કાલે સવારે મળી જશે.’ સવારે પ્રાર્થના બાદ, સુંદર વીણાવાદન રજુ થયું.બધા ખુશ થઇ ગયા. બોધિસત્વએ પણ વખાણ કર્યા અને પછી અચાનક વીણાના બધા તાર એકદમ ઢીલા કરી નાખ્યા અને પછી જિજ્ઞાસુ ભક્તને કહ્યું, ‘હવે વીણા વગાડો …’ જિજ્ઞાસુ ભક્ત મૂંઝવણમાં પડ્યો અને ધીમેથી બોલ્યો, ‘ગુરુજી તમે તાર બધા ઢીલા કરી નાખ્યા તો હવે તેમાંથી સુર નહિ નીકળે….વીણા વગાડવા માટે તાર બરાબર બાંધવા પડશે.’

બોધિસત્વ બોલ્યા, ‘ભલે તો હું તાર ફરી બાંધી દઉં…’ અને આટલું બોલીને તેઓ વીણાના તાર બાંધવા લાગ્યા અને તેમણે દરેક તાર એકદમ ખેંચીને કડક બાંધ્યા …અને પછી ભક્તને કહ્યું, ‘લો આ તાર બાંધી દીધા છે હવે વગાડો..’ જિજ્ઞાસુ ભક્તએ વીણા હાથમાં લીધી અને જોયું કે તાર એકદમ વધારે ખેચીને બંધાયેલા હતા તેમને ફરી ધીમા સ્વરે કહ્યું, ‘ગુરુજી, આ તાર બહુ ખેચીને બાંધેલા છે હમણાં વગાડીશ તો તાર તરત તૂટી જશે.આપની આજ્ઞા હોય તો હું તાર બરાબર બાંધી લઉં પછી વગાડું.’ બોધિસત્વએ હા પાડી.

જિજ્ઞાસુ ભક્તે તાર બરાબર સુર છેડવા લાયક બાંધ્યા બહુ ઢીલા નહિ અને બહુ કડક પણ નહિ…અને ફરી વીણા સુંદર રીતે વગાડી.બોધિસત્વ ઉભાથી ચાલવા લાગ્યા ત્યારે તેમનાથી રહેવાયું નહિ તેમણે પૂછ્યું, ‘ગુરુજી મારા પ્રશ્નનો જવાબ …શા માટે મધ્યમ માર્ગ ઉત્તમ છે તે તો તમે સમજાવ્યો જ નહિ..’ બોધિસત્વ હસ્યા અને બોલ્યા, ‘અરે વત્સ હમણાં જ તો સમજાવ્યું તે જ તો મધ્યમમ માર્ગની મહત્તા સાબિત કરી આ વીણાના તાર ન બહુ ઢીલા અને ન બહુ કડક પણ …બરાબર બાંધીને…આ જ મધ્યમ માર્ગ છે.’ બોધિસત્વએ સાચી સમજણ સરળતાથી આપી.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top