સુરત : શહેરના ડ્રીમ પ્રોજેક્ટ (Dream project) એવા મેટ્રો (Metro) રેલ પ્રોજેક્ટનું કામ જોરશોરથી ચાલી રહ્યું છે. ત્યારે મેટ્રોના ડ્રીમ સિટીથી સરથાણાના પ્રથણ ફેઇઝમાં ખજોદના ખેડૂતો (Farmer)ની જે જમીનો કપાતમાં જાય છે, તેને મીંઢોળા નદીની આસપાસની બિનઉપજાઉ જમીન (Barren land) આપવા મેટ્રો રેલ કોર્પોરેશને હિલચાલ શરૂ કરી હોય, ખેડૂતો દ્વારા આ મુદ્દે વિરોધ કરીને જો અન્યાય થશે તો ઉગ્ર લડતની ચીમકી આપી છે.
તાજેતરમાં સુડા ભવન વેસુ (Vesu) ખાતે મેટ્રો રેલ અને ડ્રીમ સિટીના અધિકારીઓ સાથે ખજોદ (Khajod) ગામના ખેડૂતોની મીટિંગમાં ડ્રીમ સિટીના અધિકારીઓ એ પ્રોજક્ટ નકશામાં દર્શાવ્યા મુજબ ખજોદ ગામના ખેડૂતોની પાંજરું, ભાથલી, ડભારિયાની ખેતીલાયક જમીન કે જેની પર ખેડૂતો ખેતી કરી પોતાની આજીવિકા મેળવી જીવન ગુજારે છે એવી તમામ જમીનો ડ્રીમ સિટીના પ્રોજેક્ટમાં સમાવેશ કરી તેના બદલામાં અન્ય જમીન આપવા અંગે ફોડ પાડ્યો હતો. જો કે, મેટ્રો રેલ દ્વારા જે જમીન આપવાની તૈયારી બતાવાઇ છે, તે હાલની જમીનોને બદલે અંતિમ ખંડ તરીકે મીંઢોળા નદીની આજુબાજુમાં આવેલી બંજર, બિનઉપજાઉ, ખેતી નહીં કરી શકાય તેવી જમીનો ફાળવવાની તજવીજ થઇ રહી હોવાનું ખેડૂતોના ધ્યાને આવતાં આ અન્યાય સામે ખેડૂતોમાં વિરોધ અને આક્રોશ જોવા મળી રહ્યો છે.
અને આ મુદ્દે ગુજરાત હાઈકોર્ટમાં રીટ પિટિશન દાખલ કરવાની તજવીજ હાથ ધરાઇ હોવાનું ખેડૂત પ્રતિનિધિઓ જણાવી રહ્યા છે. ખેડૂતોના જણાવ્યા મુજબ જ્યારે તા.25-09-2018ના દિને ડ્રીમ સિટી લિમિટેડ ખજોદની સરસાણા પ્લેટિનિયમ હોલમાં રાખવામાં આવેલી લોક સુનાવણીમાં પ્રોજેક્ટમાં સમાવેશ તમામ ખેડૂતોની ખાનગી જમીનોને સંપાદન કરવામાં આવશે નહીં તેમજ આ જમીનમાં જ એટલે કે મૂળ ખંડમાં જ અંતિમ ખંડ ફાળવવામાં આવશે એવું મૌખિક રીતે વારંવાર ડ્રીમ સિટીના અધિકારીઓ દ્વારા કહેવાયું હતું. ખેડૂતો દ્વારા આ મીટિંગના વિડીયો પણ વાયરલ કરાયા છે.
તેમજ અધિકારીઓ તરફથી લેખિતમાં પણ આપવામાં આવ્યું હોવા છતાં હવે વચનમાંથી ફેરવી તોળીને ખેડૂતો સાથે વિશ્વાસઘાત કરાયો હોવાની લાગણી પ્રવર્તતી રહી હોવાથી વિવાદ વકરે તેવી શક્યતા છે. કેમ કે, આ કથીત અન્યાય મુદ્દે ખેડૂત ખાતેદારો અને ગામલોકો કાયદાકીય લડત લડવા તૈયારી સાથે સાથે ઉગ્ર લડત આપવા પણ કમર કસી હોવાનું જણાવ્યું હતું.