સુરત માટે મહત્ત્વકાંક્ષી એવા મેટ્રો રેલ પ્રોજેક્ટની આતુરતાપૂર્વક રાહ જોવામાં આવી રહી છે. ત્યારે હવે આ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત આગામી 18મી જાન્યુઆરીના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે થવાનું હોવાની જાહેરાત મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કરી છે. આ સાથે સુરત મનપા, સુડા અને મેટ્રો રેલ કોર્પોરેશનના અધિકારીઓની ચહલપહલ વધી ગઈ છે. ખાતમુહૂર્ત સાથે જ કાદરશાની નાળથી ખજોદ ડ્રીમ સિટીના પ્રથમ ફેઇઝનું કામ પણ થઇ જશે.
હજુ ગત અઠવાડિયે જ સરથાણાથી ડ્રીમ સિટી સુધીના પ્રથમ ફેઇઝના બે પેકેજ એટલે કે 12 કિલોમીટર એલિવેટેડ અને 7 કિ.મી.ના અંડરગ્રાઉન્ડ રૂટ માટે ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા ટેન્ડર મંજૂર કરી દેવાયાં હતાં. સુરત માટે અતિ મહત્ત્વાકાંક્ષી એવા મેટ્રો રેલ પ્રોજેક્ટ અંગે છેલ્લા અડધા દાયકાથી રાહ જોવાઇ રહી હતી. પ્રથમ ફેઇઝમાં 12 કિલોમીટર એલિવેટેડ રૂટનાં 10 સ્ટેશન અને અંડરગ્રાઉન્ડ 7 કિલોમીટર રૂટનાં છ સ્ટેશન નિર્માણ પામશે. 18 જાન્યુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે વર્ચ્યુઅલ શિલાન્યાસ સાથે જ આ પ્રોજેક્ટ કાગળોમાંથી બહારની નીકળીને વાસ્તવિકતાની ભૂમિ પર પગરણ માંડશે.
કેન્દ્ર સરકારે મંજૂર કરેલા ડીપીઆર મુજબ સુરત મેટ્રો રેલનો પ્રોજેક્ટ 12114 કરોડના ખર્ચે સાકાર થનાર છે. કુલ ૪૦.૩૫ કિ.મી.ની મેટ્રો રેલ બનાવવા માટેનું આયોજન કરાયું છે. જેમાં એક ફેઇઝમાં સરથાણાથી ડ્રીમ સિટીનો 21.61 કિ.મી.નો રૂટ છે. 10 દિવસ પહેલાં મેટ્રો રેલના પ્રથમ રૂટ સરથાણાથી ડ્રીમ સિટી (21.61 કિમી, 20 સ્ટેશન) પૈકી પેકેજ : 1 કાદરશાની નાળથી ડ્રીમ સિટીના 11 કિ.મી. એલિવેટેડ રૂટ માટેનાં ટેન્ડરો ખોલી દેવાયા બાદ તેના આઠ દિવસ બાદ આ જ રૂટ પૈકી કાપોદ્રાથી ચોકબજાર સુધીના અંડર ગ્રાઉન્ડ 6.47 કિ.મી.નાં ટેન્ડર પણ ખોલી દેવાયાં હતાં.
કાદરશાની નાળથી ડ્રીમ સિટી સુધીના 11.6 કિ.મી.ના રૂટ માટે જોઇન્ટ વેન્ચર સદભાવ ઇજનેરી અને એસ.પી.સિંગલા કન્સ્ટ્રક્શનના 779.73 કરોડનું ટેન્ડર તેમજ આજ રૂટના પેકેજ : 2માં 3.46 કિ.મી અને પેકેજ : 3માં 3.56 કિ.મી.ના અંડરગ્રાઉન્ડ રૂટ બનશે. મેટ્રો રેલનું કામ ઝડપથી થાય તેમજ જુદા જુદા છેડેથી એકસાથે કામ શરૂ થઇ શકે તે માટે આ રૂટને બે ભાગમાં વહેંચીને ટેન્ડરો બહાર પાડવામાં આવ્યાં હતાં. જેમાં પેકેજ :2 માટે ગુલમર્ક અને સૈમ ઇન્ડિયા બિલ્ટ વેલ-1073. 31 કરોડ અને પેકેજ : 3 માટે જે. કુમાર ઇન્ફ્રા પ્રોજેક્ટ 941.80 કરોડનાં ટેન્ડર મંજૂર કરાયાં છે.
સંભવત: ભીમરાડ ખાતે ખાતમુહૂર્ત કરાશે, આજે સરથાણાથી ડ્રીમ સિટી રૂટ ઉપર અધિકારીઓનો રાઉન્ડ
મેટ્રો રેલના ખાતમુહૂર્ત માટે કયા સ્થળની પસંદગી કરવામાં આવી છે તેની ચોક્કસ જાહેરાત કરવામાં આવી નથી પરંતુ એવું મનાઈ રહ્યું છે કે ખાતમુહૂર્ત ભીમરાડ ખાતે કરવામાં આવશે. ભીમરાડ ખાતે મનપાનો ખુલ્લો પ્લોટ હોવાથી કાર્યક્રમ યોજી શકાશે. સાથે સાથે નજીકમાં જ સરસાણા કન્વેન્શન સેન્ટર હોવાથી ત્યાં પણ ખાતમુહૂર્તનો કાર્યક્રમ થઈ શકે છે.
એક ચર્ચા કાદરશાની નાળમાં પણ ખાતમુહૂર્ત કરવામાં આવે તેવી હતી પરંતુ ચોક્કસ સ્થળની જાહેરાત આવતીકાલે કરી દેવામાં આવશે. ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશનના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર મહેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, શુક્રવારે કાદરશાની નાળથી ડ્રીમ સિટી સુધીના રૂટ પર રાઉન્ડ લગાવીને વર્તમાન સ્થિતિનું નિરીક્ષણ કરાશે તેમજ ખાતમુહૂર્ત કઇ જગ્યાએથી કરવું તે અંગે પણ અંતિમ નિર્ણય કરાશે.
કાદરશાની નાળથી ડ્રીમ સિટી સુધીના એલિવેટેડ રૂટ સાથે આ 10 સ્ટેશનનાં કામ શરૂ થશે
- કાદરશાની નાળ – મજૂરાગેટ (ભેંસાણ-સરોલી લાઇન-2નાં જંક્શન સાથે ) – રૂપાલી કેનાલ, ભટાર – અલશાણ ટેનામેન્ટ – અલથાણ ગામ – વી.આઇ.પી. રોડ – મહિલા આઇ.ટી.આઇ. – ભીમરાડ – કન્વેન્શન સેન્ટર – ડ્રીમ સિટી
પ્રથમ ફેઇઝના બીજા પેકેજમાં છ અંડર ગ્રાઉન્ડ સ્ટેશનનો સમાવેશ થશે
સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટના પ્રથમ રૂટમાં 21.61 કિ.મી.નો કોરિડોર બનશે. જેમાં કાદરશાની નાળથી ડ્રીમ સિટી સુધીના 11.6 કિ.મી.નો એલિવેટેડ માર્ગ છે, અને તેમાં 11 સ્ટેશનનો સમાવેશ થાય છે. જ્યારે કાપોદ્રાથી ચોક બજાર રસ્તા વચ્ચે જે અંડર ગ્રાઉન્ડ રૂટ બનવાનો છે. તેમાં 6 અંડર ગ્રાઉન્ડ સ્ટેશનનો સમાવેશ થાય છે. જ્યારે ચાર સ્ટેશનો જમીન પર બનશે. જુલાઈ-2020માં આ અંડરગ્રાઉન્ડ રૂટ માટે બે પેકેજ બનાવી 3.46 કિમી અને 3.56 કિમી માટે અનુક્રમે 929.46 કરોડ અને 942.16 કરોડનાં ટેન્ડર અને 1871.62 કરોડનું ટેન્ડર જાહેર કરાયાં હતાં. પેકેજ: 2માં કાપોદ્રા, લાભેશ્વર, વરાછા વેરહાઉસ, એમ ત્રણ જ્યારે પેકેજ: 3માં સુરત સ્ટેશન, મસ્કતિ અને મક્કાઇ પુલ એમ ત્રણ અંડરગ્રાઉન્ડ સ્ટેશન બનશે.
40 કિ.મી. રૂટમાં 806 જેટલી ખાનગી જગ્યાના સંપાદન માટેની કામગીરી પણ શરૂ કરી દેવાશે
સુરત મેટ્રો રેલ એ મોટા બજેટનો અને મહત્ત્વકાંક્ષી પ્રોજેક્ટ છે. આ પ્રોજેક્ટના કારણે સુરતના વિકાસમાં ચાર ચાંદ લાગી જશે. તેથી જેમ બને તેમ જલદી તેના અવરોધો દૂર કરી પ્રોજેક્ટ આગળ વધારવા માટે આનુસાંગિક કાર્યવાહી પણ હવે શરૂ કરી દેવાશે. મેટ્રો રેલનાં સૂત્રોના જણાવ્યા મુજબ કુલ 40 કિ.મી. રૂટ પર 806 જેટલી જગ્યા અને મિલકતો છે. જે ખાનગી માલિકીની છે તેમજ તેને મેળવવા માટે પણ હવે ગતિવિધિઓ તેજ કરી દેવાશે. જો કે, સરથાણાથી કાદરશાની નાળમાં ખાનગી માલિકીની જગ્યાઓ બહુ ઓછી છે તેમજ અમુક છે તે પણ ખુલ્લી જગ્યા હોવાથી તોને મેળવવામાં ખાસ કોઇ અડચણ આવશે નહીં. તેથી જ પ્રથમ ફેઇઝમાં આ કામ ચાલુ કરી દેવાનું આયોજન કરાયું છે.