ગાંધીનગર: આજે સવારે દક્ષિણ ગુજરાતના કેટલાંક વિસ્તારોમાં પ્રી મોન્સુનની એક્ટિવિટીના ભાગરૂપે વરસાદી ઝાપટું પડ્યું હતું. આ સાથે જ કેરળની જેમ ગુજરાતમાં પણ વહેલું ચોમાસું બેસે તેવી આશા બંધાઈ છે, ત્યારે આજે હવામાન વિભાગે વરસાદ અંગે મોટી આગાહી કરી છે.
હવામાન વિભાગે આજે આગાહી કરી છે કે આજથી આગામી 7 દિવસ દરમિયાન ગુજરાતમાં પ્રી મોન્સુન એક્ટિવિટી અંતર્ગત વરસાદી ઝાપટાં પડી શકે છે. આજથી રાજ્યના કેટલાંક જિલ્લામાં વરસાદની શરૂઆત થઈ છે. ચાર દિવસ બાદ ગુજરાતના મોટા ભાગના જિલ્લામાં ચોમાસું દસ્તક દઈ દેશે. આ સાથે જ ચાર દિવસ બાદ રાજ્યમાં વિધિવત ચોમાસું બેસી જશે.
હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતના તાપી, નવસારી, વલસાડ, ડાંગ, દમણ, દાદરા નગર હવેલી સહિત છોટા ઉદેપુર અને દાહોદમાં વરસાદની આગાહી કરી છે. આવતીકાલે પણ ગાજવીજ સાથે આ જિલ્લાઓમાં વરસાદ વરસે તેવી સંભાવના છે. 7મી જૂને નર્મદા, દાહોદ, છોટા ઉદેપુર, તાપી, નવસારી, વલસાડ, ડાંગ, દમણ, દાદરા નગર હવેલીમાં ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે.
દક્ષિણ ગુજરાત બાદ તા. 8 અને 9 જૂનથી રાજ્યના અન્ય જિલ્લાઓમાં ચોમાસું આગળ વધે તેવી શક્યતા છે. હવામાન વિભાગે આજે કરેલી આગાહી અનુસાર 8 જૂને દક્ષિણ ગુજરાતના નવસારી, તાપી, વલસાડ, ડાંગ, નર્મદા, દમણ, દાદરા અને નગર હવેલીમાં વરસાદ વરસશે. તે ઉપરાંત પંચમહાલ, છોટાઉદેપુર, દાહોદ, વડોદરા, આણંદ તથા સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર અને દીવમાં હળવો વરસાદ વરસી શકે છે. 9 જૂનને રવિવારના રોજ દક્ષિણ અને મધ્ય ગુજરાતના તમામ જિલ્લાઓમાં સામાન્યથી મધ્યમ વરસાદની સંભાવના છે.
આ સાથે જ હવામાન વિભાગે ઉત્તર ગુજરાતમાં હાલ વરસાદ નહીં વરસે તેવી પણ આગાહી કરી છે. સૌરાષ્ટ્ર કચ્છમાં મોરબી, સુરેન્દ્રનગર, દેવભૂમિ દ્વારકા, જામનગર, કચ્છ અને પોરબંદરમાં હળવો વરસાદ વરસી શકે છે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને પાટણને બાદ કરતા તમામ જિલ્લામાં વરસાદની શક્યતા છે.
અમદાવાદમાં 7મી જૂનથી પ્રી મોન્સુન એક્ટિવિટી શરૂ થશે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે. જોકે, વિધિવત ચોમાસું જૂનના છેલ્લાં સપ્તાહમાં શરૂ થશે. આગામી 10 દિવસ સુધી અમદાવાદમાં ગરમી અને બફારો રહેશે.