Gujarat

ગુજરાતમાં ભારે વરસાદ: લાઠીની ગાગડિયા નદીમાં આવ્યું પૂર, રાજકોટમાં રસ્તાઓ પાણી-પાણી

ગુજરાત : મેઘરાજા સૌરાષ્ટ્ર (Saurashtra) અને કચ્છને (Kutch) બે દિવસથી ધમરોળી રહ્યાં છે. હવામાન વિભાગની (Meteorological Department) આગાહી અનુસાર ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છના અનેક જિલ્લામાં અનરાધાર વરસાદ (Rain) વરસી રહ્યો છે, જેના લીધે અનેક નદીઓ છલકાઈ છે. અમરેલીના લાઠીમાં આવેલી ગાગડીયા નદીમાં પૂર આવ્યા છે. કેટલાંય ડેમો પણ છલકાઈ ગયા છે. અનેક ગામડાંઓમાં વાહનવ્યવહાર બંધ થઈ ગયો છે.

ગુજરાતના અમરેલી જિલ્લામાં બે દિવસથી મૂશળધાર વરસાદ વરસવાના પગલે લાઠીમાં પૂર જેવી સ્થિતી સર્જાય છે. લાઠીની ગાગડિયા નદિમાં બીજી વખત પૂર જેવી સ્થિતિ સર્જાય હતી. આ સાથે જામનગરમાં પણ ભારે વરસાદ વરસ્યો હતો. શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. આ સાથે શહેરના સત્યનારાયણ મંદિર પાસેની દિવાલ ધરાશાય થઈ હતી. દિવાલ સાથે વીજળીનો થાંભલો પણ તૂટી પડ્યો હતો. વીજળીની થાંભળો તૂટી જતા કેટલીક જગ્યામાં વીજળી બંધ થઈ ગઈ હતી.

ગીર સોમનાથના તાલુકામાં ધીમી ધારે એકેથી બે ઈંચ વરસાદ
આજ સવારથી જ ગીર સોમનાથ જિલ્લાના તાલુકાઓના ગ્રામ્ય વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ વરસ્યો હતો. એકથી બે ઈંચ વરસાદ પડ્યો હતો. તેમજ સોમનાથમાં ધોધમાર વરસાદ વરસતા બે જ કલાકમાં એક ઈંચ વરસાદ ખાબક્યો હતો. આ સાથે વેરાવળ, કોડીનાર, ઉના, સૂત્રાપાડા સહિતના અનેક તાલુકામાં પણ મેધરાજાની મહેર જોવા મળી હતી.

રાજકોટમાં ધોધમાર વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ફરી વળ્યું
રાજકોટ શહેરમાં ધોધમાર વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ફરી વળ્યું હતું. રાજકોટના કાલાવડ રોડ, યાજ્ઞિક રોડ, નાનમૌવા રોડ તથા 150 ફૂટ રિંગરોડ સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયું હતું. રસ્તા પર પાણી ભરાઈ જતા વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

આ સાથે પડઘરો તાલુકા પાસે આવેલ ન્યારી-2 ડેમમાં ઉપરવાસમાં પડેલા વરસાદના કારણે ઓવરફ્લો થવાની તૈયારીમાં હતો. ઓવરફ્લો થવાની તૈયારીમાં હોવાના કારણે ડેમનો એક અડધો દરવાજો ખોલવામાં આવ્યો હતો. આ સાથે પડધારી તાલુકાના અનેક ગામડાઓમાં નદીના પટમાં અવરજવર ન કરવા અને સાથે સાવચેતી રાખવા માટે સુચના આપી હતી.

ભુજમાં રાજાઓના સમયની દિવાલ ધરાશાય થઈ
કચ્છમાં ભારે વરસાદના કારણે કચ્છના ભુજમાં આવેલ રાજાઓના સમયની દિવાલ ધરાશાય થઈ હતી. જો કે આ ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાની થઈ ન હતી. આ સાથે ભુજમાં આવેલ જીકે હોસ્પિટલ સામે પાણી ભરાઈ જતા વાહનચાલકોને મુશ્કેલી ઉભી થઈ હતી. ઉપરવાસમાં સતત વરસાદ વરસતા મોટા બંધમાં પાણીની આવક થઈ હતી.

આ સાથે નલિયા-નારાયણ સરોવર માર્ગ પણ બંધ થયો હતો. તેમજ લખપત તાલુકાના ચકરાઈ પાસે આવેલ નદિમાં નવા નીર આવ્યા હતા. જેના કારણે ત્યાં વસવાટ કરતા માલધારીઓને હાથમાં કેન પકડીને દુધનું વહન કર્યું હતું. આ સાથે અબડાસાના કુકડાઉમાં આવેલ શંકર ભગવાનના મંદિર ઉપર વીજળી પડી હતી. લખપત તાલુકાના રોડાસર-પીપર માર્ગ પરની નદીમાં પાણી આવતા રસ્તો બંધ થયો હતો.

Most Popular

To Top