‘કળા ખાતર કળા’ અને ‘જીવન ખાતર કળા’ જેવી વિભાવના ઓગણીસમી અને વીસમી સદીમાં ઘણી ચર્ચાતી રહી. આ સદીમાં અનેક યુદ્ધ થયાં, સમગ્ર વિશ્વનાં ઈતિહાસ અને ભૂગોળ બદલાતાં રહ્યાં, દૂર રહ્યે રહ્યે વાર કરી શકાય એવાં શસ્ત્રોનો ઉપયોગ જોવા મળ્યો. આ બધાની સીધી અસર માનવજીવન પર થતી રહી. કળાનાં અનેક સ્વરૂપો પણ આ ગાળામાં વિકસતાં ગયાં, વધુ વ્યાખ્યાયિત થતાં ગયાં. કળા એક એવા સમૂહ માધ્યમ તરીકે ઊભરતું ગયું કે જે જનસામાન્યને પ્રભાવિત કરી શકે. કળાકારો વખતોવખત પોતાની કળા દ્વારા કોઈ મુદ્દે લોકોનું ધ્યાન આકર્ષવા પ્રયત્ન કરતા આવ્યાં છે. ઘણા કિસ્સામાં લોકોની સંવેદનાઓને ઝંઝોડવામાં તેઓ સફળ નીવડે છે, તો મોટા ભાગના કિસ્સાઓમાં તેઓ પ્રસાર માધ્યમનાં મથાળાંમાં ચમકવાથી વિશેષ રીતે ધ્યાન આકર્ષી શકતાં નથી.
આવો વધુ એક કિસ્સો માર્ચ 2025ના પ્રથમ સપ્તાહમાં બન્યો. લ્યુસિઆ, સાયમન અને બેન્જામિનની ચોરી થઈ. આ નામ ડુક્કરનાં ત્રણ બચ્ચાંનાં છે. ચોરી થઈ એ સ્થળ છે ડેન્માર્કના શહેર કોપનહેગનમાં યોજાયેલું એક ચિત્રપ્રદર્શન. આટલું જાણીને સવાલ થયા વિના રહે નહીં કે ડુક્કરનાં બચ્ચાં આર્ટ ગેલરીમાં શું કરતાં હતાં. મામલો જાણવા જેવો છે. ડેનીશ કલાકાર માર્કો ઈવેરીસ્તીએ એક પ્રદર્શન યોજ્યું હતું, જેમાં તેમણે વિવિધ ઈન્સ્ટોલેશન પ્રદર્શિત કર્યાં હતાં. ઈન્સ્ટોલેશનને સ્થાપનકળા તરીકે ઓળખાવવામાં આવે છે. એ ત્રિપરિમાણીય અને વિવિધ સામગ્રીના ઉપયોગથી બનાવી શકાય છે.
માર્કોએ બીજી અનેક કળાકૃતિઓની સાથોસાથ ડુક્કરનાં ત્રણ બચ્ચાંને પ્ર્રયોજીને એક કૃતિ તૈયાર કરી. સમગ્ર પ્રદર્શનનું નામ રાખ્યું, ‘એન્ડ નાઉ યુ કેર?’ એટલે કે ‘છેક હમણાં તમને દરકાર લેવાનું સૂઝ્યું?’ તેમનું આ શીર્ષક બહુ સૂચક હતું. ડેન્માર્કમાં ફાલેલા ડુક્કરના માંસના ઉદ્યોગને કારણે થતી ડુક્કરની બદહાલી તરફ ધ્યાન દોરવાનો તેમનો ઉદ્દેશ હતો. બદતર સ્થિતિમાં ઉછરી રહેલાં હજારો ડુક્કરો મરણને શરણ થાય છે. આ હકીકત બાબતે ડેનિશ લોકોને ‘જાગ્રત કરવાનો’ તેમનો હેતુ હતો.
બે શોપિંગ કાર્ટને આડી પાડીને તેનાથી બનતી પાંજરા જેવી જગ્યામાં પરાળ મૂકીને તેની પર ડુક્કરનાં ત્રણ બચ્ચાંને કૃતિ તરીકે પ્રદર્શિત કરાયાં હતાં. વધુમાં આ પ્રદર્શન કલાકારે એક ભૂતપૂર્વ કસાઈના વેરહાઉસમાં યોજેલું. દિવાલ પર વિશાળ કદનો ડેન્માર્કનો ધ્વજ તેમજ કતલ કરાયેલાં ડુક્કરનાં ચિત્રો ટાંગવામાં આવેલાં. આશય એ હતો કે તેમને માત્ર પાણી પર જ રાખવામાં આવે અને કશો ખોરાક ન અપાય. આ રીતે તેઓ પાંચ દિવસ સુધી ટકી શકે અને છેલ્લે મૃત્યુ પામે. આ પાંચ દિવસ દરમિયાન કલાકાર માર્કો પોતે પણ કશો ખોરાક લેવાના ન હતા.
આમ કરવાનો હેતુ એ દર્શાવવાનો હતો કે પ્રદર્શિત કરાયેલાં ડુક્કરનાં બચ્ચાં સાથે થાય છે એવો જ વહેવાર બહાર બીજાં હજારો ડુક્કર અને તેનાં બચ્ચાં સાથે કરવામાં આવે છે, પણ એનાથી કોઈના પેટનું પાણી સુદ્ધાં હાલતું નથી. આ જોઈને તેમને એટલો તો ખ્યાલ આવે કે પોતે જેનું માંસ આરોગે છે એ પ્રાણી સાથે કેવો વહેવાર કરવામાં આવે છે! આ પ્રદર્શન થકી લોકોનું ધ્યાન દોરાય ન દોરાય ત્યાં પ્રાણીઓના હિત માટે કામ કરતાં કેટલાંક કાર્યકર્તાઓએ વિરોધ નોંધાવ્યો. જે ક્રૂરતાનો પોતે વિરોધ કરી રહ્યા છે એ જ ક્રૂરતા તેઓ પોતે જ આચરી રહ્યાં હોવાનો તેમની પર આક્ષેપ મૂકાયો. કાર્યકર્તાઓ સ્થળતપાસ માટે આવ્યાં અને તેઓ નીકળ્યા એ પછી ગણતરીની મિનિટોમાં જ ડુક્કરનાં બચ્ચાં અદૃશ્ય થઈ ગયાં. પછી એમ પણ જણાયું કે માર્કોના એક મિત્રે જ આ કામમાં સહાય કરી હતી.
‘ડેનિશ એગ્રીકલ્ચર એન્ડ ફુડ કાઉન્સિલ’ના આંકડા અનુસાર ડેન્માર્કમાં ડુક્કરનો ઉછેર કરતાં પાંચેક હજાર ફાર્મ છે, જેમાં વરસે દહાડે 2.8 કરોડ ડુક્કરનો ઉછેર કરવામાં આવે છે. એમાંના ઘણાની કતલ કરવામાં આવે છે, જેમાંના 70 ટકાથી વધુ માંસનો જથ્થો યુરોપિયન યુનિયનમાં નિકાસ કરવામાં આવે છે. એનિમલ પ્રોટેક્શન ડેન્માર્કના ફાર્મ એનિમલ્સ એન્ડ મીન્કનાં મુખ્ય સલાહકાર બર્જટ ડેમના જણાવ્યા મુજબ રોજેરોજ ડેન્માર્કનાં ફાર્મોમાં પચીસેક હજાર જેટલાં ડુક્કરનાં બચ્ચાં મૃત્યુ પામે છે.
એનું મુખ્ય કારણ ભૂખમરો છે, કેમ કે, ડેન્માર્કની માદા ડુક્કર વીસ બચ્ચાંને જન્મ આપી શકે એવી રીતે તેની જાતને તૈયાર કરવામાં આવી છે, પણ તેને ફક્ત ચૌદ જ સ્તનાગ્ર હોય છે, જેથી તમામ બચ્ચાંને પૂરતું દૂધ મળી શકતું નથી. ડેમે કહ્યું, ‘ડેનિશ ડુક્કર ઉદ્યોગ ક્ષેત્રે લાખો ડુક્કર પ્રત્યે સેવાતી બેદરકારી અને તેના માટે વ્યાપેલાં ગુસ્સો તથા હતાશાને અમે બરાબર સમજીએ છીએ. દાયકાઓથી આ ચાલી રહ્યું છે અને એ તદ્દન અસ્વીકાર્ય બાબત છે. આમ છતાં, પોતાનો મુદ્દો પુરવાર કરવા માટે ત્રણ બચ્ચાંને આ રીતે મરવા દેવાની મંજૂરી આપી શકાય નહીં.’
બચ્ચાં ચોરાઈ જવાની ઘટના બનતાં જ માર્કોએ પ્રદર્શન અટકાવી દીધું. પ્રદર્શિત કરાયેલાં ત્રણ બચ્ચાંનો જીવ બચ્યો હોવાનો આનંદ થાય એ સ્વાભાવિક છે, પણ જે મુદ્દો ઉઠાવવા માટે માર્કોએ આ કર્યું એનું શું? બર્જટ ડેમે સુદ્ધાં વાસ્તવિકતાનો સ્વીકાર કર્યો છે એનો અર્થ એ કે આ પરિસ્થિતિ કંઈ અજાણી કે અણધારી નથી. પણ એ દિશામાં ભાગ્યે જ કશાં નક્કર પગલાં લેવાશે એમ લાગે છે. માર્કો જેવાં કલાકારો ‘જીવન ખાતર કળા’ કરવા જાય ત્યારે તેમની અભિવ્યક્તિમાં રહેલી આત્યંતિકતાને કારણે વગોવાય છે, પણ એથી અનેક ગણી આત્યંતિકતા સૌને કોઠે પડી ગઈ છે અને રોજિંદા જીવનમાં સહજસ્વીકૃત બની રહી છે એ બાબતે ભાગ્યે જ વિચારાય છે.
(શીર્ષક પંક્તિ: દુષ્યંતકુમાર)- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.