નવી દિલ્હી: ભયાનક ગરમીમાં સપડાયેલા ભારતના મોટાભાગના રાજયોને હીટવેવની હાલતમાંથી કોઈ રાહત મળતી નથી અને તાપમાનનો પારો વધુને વધુ ઉચે ચડતો રહ્યો હોય તેમ રાજસ્થાનમાં પારો 50 ડીગ્રીને પાર થઈ ગયો છે. વિશ્વના સૌથી ગરમ 15 શહેરોમાં ભારતના 10 શહેરો છે. ભીષણ ગરમીનો કહેર હજુ યથાવત જ રહેવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
ભારતના અનેક ભાગો અત્યાધિક-પ્રચંડ ગરમીની ઝપટે ચઢ્યા છે ત્યારે રાજસ્થાનમાં તાપમાન 50 ડીગ્રીને પાર થઈ ગયું છે. સમગ્ર દેશનું રાજસ્થાન સૌથી ગરમ રાજય બન્યું છે. રાજસ્થાનના ચૂરૂમાં તાપમાન 50.3 ડીગ્રી નોંધાયું છે. ગંગાનગરમાં 48.8 ડીગ્રી તથા બિકાનેરમાં 48.4 ડીગ્રી તાપમાન નોંધાયુ છે.
આગામી 9 દિવસ તીવ્ર ગરમીની આગાહી, રાજસ્થાનનું આરોગ્ય વિભાગ એલર્ટ મોડ પર
રાજસ્થાન તીવ્ર ગરમીની લપેટમાં છે. હવામાન વિભાગે ચેતવણી આપી છે કે આગામી 72 કલાકમાં મહત્તમ તાપમાનમાં 3 ડિગ્રી સુધીનો વધારો થઈ શકે છે. આગામી 5 દિવસ સુધી રાજસ્થાનમાં તીવ્ર ગરમીનું મોજું રહેશે તેવી ચેતવણી પણ જારી કરવામાં આવી છે.
પૂર્વ રાજસ્થાનના કેટલાક જિલ્લાઓ અને પશ્ચિમ રાજસ્થાનના મોટાભાગના જિલ્લાઓમાં રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. સરકારે આરોગ્ય વિભાગને કટોકટીની સ્થિતિ માટે તૈયાર રહેવા જણાવ્યું છે. હોસ્પિટલોમાં બેડ અનામત રાખવામાં આવ્યા છે. આવતીકાલથી સૂર્ય રોહિણી નક્ષત્રમાં સંક્રમણ કરશે. જેને નૌતપા પણ કહે છે. આનો અર્થ એ થયો કે આગામી 9 દિવસ સુધી ગરમીનું પ્રમાણ વધુ તીવ્ર રહેવાનું છે.
પંજાબ, હિમાચલ પ્રદેશમાં રાત્રે પણ લૂ ફૂંકાય તેવી આગાહી
હવામાન વિભાગ દ્વારા રાજસ્થાન ઉપરાંત પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી તથા પશ્ચિમી ઉત્તરપ્રદેશમાં પ્રચંડ ગરમીનો દોર હજુ ત્રણ- ચાર દિવસ ચાલુ રહેવાની ચેતવણી જારી કરવામાં આવી છે.
પ્રચંડ ગરમી તથા લૂની થપાટથી લોકો આકુળ-વ્યાકુળ બની ગયા છે. ચંદીગઢમાં દિવસની સાથોસાથ રાત્રે પણ લુ ફુંકાવાની ચેતવણી આપવામાં આવી છે. રાતનું તાપમાન પણ ઉચુ રહેવાના સંજોગોમાં કૃષિક્ષેત્રને વ્યાપક નુકશાન થવાની ભીતિ છે. ભીષણ ગરમીથી મેદાની ભાગો ઉપરાંત પર્વતીય ક્ષેત્રો પણ પ્રભાવિત થવા લાગ્યા છે.
હિમાચલ પ્રદેશમાં આકરી ગરમીથી જળસંકટ સર્જાવા લાગતા કર્મચારીઓની રજા રદ કરીને ટેન્કરો મારફત પાણી પહોંચાડવાના આદેશ કરાયા છે. ટ્રાફિક સિગ્નલો તથા માર્ગો પર લોકોને સૂર્યતાપથી બચાવવા ટેન્ટ લગાવવામાં આવ્યા છે. પંજાબ ભયંકર ગરમીની ચપેટમાં છે અને રાત્રે પણ લૂ વરસવાની ચેતવણી આપવામાં આવી છે. રાજયમાં 6 જીલ્લામાં તાપમાન નોર્મલ કરતા 6 ડીગ્રી વધુ નોંધાયુ છે.
જમ્મુમાં પણ પારો 41 ડિગ્રીને પાર
મેદાની પ્રદેશમાં રહેતા લોકો ગરમીમાં કાશ્મીર તરફ જતા હોય છે, પરંતુ આ વર્ષે તો જમ્મુ કાશ્મીરમાં પણ પારો આસમાને છે. કાશ્મીરમાં પણ પર્વતોથી માંડીને મેદાનો સુધી આકરી ગરમીની હાલત છે. જમ્મુનુ તાપમાન પણ 41 ડીગ્રી નોંધાયુ હતું. 28 મે સુધી તાપમાન ઉંચુ રહેવાની ચેતવણી આપી છે.
ગુરુવારે જમ્મુ શહેરમાં શુષ્ક હવામાન સાથે સવારની શરૂઆત થઈ હતી. લોકો ભેજનો અહેસાસ પણ કરી રહ્યા છે. દરેક વ્યક્તિએ સવારે જ ગરમીથી બચવા માટેના ઉપાયો કરવા માંડ્યા. લોકોએ ઘરની બહાર નીકળવા માટે જરૂરી વ્યવસ્થા કરી હતી. વહીવટીતંત્રે લોકોને જરૂરી કામ સિવાય ઘરની બહાર ન નીકળવાની પણ સલાહ આપી છે.
હવામાનશાસ્ત્રીઓએ ગુરુવારે જણાવ્યું હતું કે જમ્મુ-કાશ્મીરના મેદાની વિસ્તારોમાં ગરમીનું મોજું આગામી 6 દિવસ સુધી ચાલુ રહેવાની શક્યતા છે. પર્વતીય જિલ્લાઓમાં પણ આગામી છ દિવસ દરમિયાન ગરમ અને શુષ્ક વાતાવરણ રહેવાની શક્યતા છે. 23 થી 28 મે દરમિયાન સામાન્ય રીતે શુષ્ક હવામાનની અપેક્ષા છે. કેટલાક છૂટાછવાયા સ્થળોએ વાવાઝોડું આવી શકે છે. 29 થી 31 મે સુધી હવામાન આંશિક વાદળછાયું રહેશે અને છૂટાછવાયા સ્થળોએ હળવો વરસાદ થશે.