કોઈપણ દેશની સુરક્ષા માટેની પ્રથમ આવશ્યકતા સૈન્યની રહે છે, તે માટે ભૂમિદળ, નૌકાદળ અને હવાઈદળ એમ ત્રણ પ્રકારની સેના હોય છે, તે ઉપરાંત જીવન નિર્વાહ માટે, પારિવારિક રોજી માટેજ લશ્કરમાં ભર્તી થઈ જઈ સૈનિક બનનારનો એક વર્ગ હોય છે તો દેશપ્રેમથી પ્રેરિત થઈ કુરબાનીની ભાવના સાથે ફૌજી બનનારની સંખ્યા મોટી રહે છે અને બીજા દેશમાં ભાડાના સૈનિક થઈ ફરજ બજાવનાર સૈનિકો પણ હવે મળી રહે છે. આવા ત્રિવિધ સૈન્ય સાથે દેશનું સંરક્ષણ થાય છે. હવે તો વિજ્ઞાન અને ટેકનોલોજીનો પણ ફાયદો ઊઠાવાય છે. અણુશસ્ત્રો, મિસાઈલ્સ, ડ્રોન કાફલો પણ નિર્દેશ અનુસાર કામગીરી બજાવે છે. જંગ જીતવા જંગે ચઢનાર દેશો લશ્કરી તાકાત વધારવા માટે જાતજાતની યુક્તિઓ અજમાવે છે, તેમાં ભાડૂતી સૈનિકોને રણમેદાનમાં ઉતારવાનું જૂગટું પણ ખેલાય છે. અમેરિકા, ફ્રાન્સ જેવા દેશો ભાડૂતી સૈન્ય પણ ધરાવે છે, જે દેશે ભાડૂતી સૈન્યના સૈનિકોને ફરજ બજાવવા જ્યાં મોકલ્યા હોય, આદેશ આપ્યો હોય ત્યાં લશ્કરી તાલીમ આપવાનું અથવા બીજા દેશના લશ્કરને તેના સંરક્ષણ કામમાં મદદ કરવાનું કાર્ય કરે છે. કેટલીકવાર આવા ભાડૂતી સૈનિકોને અંધારી આલમમાંથી વીણી વીણીને ભરતી કરાયા હોય છે. અખબારોમાં ભાડૂતી સૈનામાં જોડાવા માટે અરજીઓ મંગાવતી જાહેરખબરો પણ છપાય છે. ભાડૂતી સૈનિકોને નાણાં, શસ્ત્રો, પૂરા પાડવામાં આવે છે તથા તેમને દોરવણી આપવા પીઢ લશ્કરી અમલદારો પણ અપાય છે. ભાડૂતી સૈન્યની પ્રથા ફ્રાન્સે શરૂ કરી હતી. ભાડૂતી સૈન્યની વિશ્વાસનીયતા પાકી હોતી નથી. યુનોના સભ્ય દેશો ભાડૂતી સેના રાખવાનો વિરોધ કરે છે. યુદ્ધ કેદીઓને સજા નહીં કરવાનો જીનીવા કન્વેન્શનનો કાયદો ભાડૂતી સૈનિકોને લાગુ પડતો નથી. આતંકવાદમાં પણ આવા ભાડૂતી સૈનિકોનો ઉપયોગ થાય છે. અસામાજિક તત્વોને આવી વ્યવસ્થા આકર્ષે છે. તેઓ શાંતિશત્રુજ ગણાય.
સુરત – યૂસુફ એમ. ગુજરાતી
- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.