Charchapatra

માનસિક ખેંચ- આધુનિક યમદૂત

તા. 17-1-26ના મિત્રમાં વિનોદભાઈ પટેલે આ વિષે છણાવટ કરી. અભિનંદન. માનવ જિંદગી જીવવા માટે છે, મરવા માટે નથી. આજના AI યુગમાં ગળાકાપ હરીફાઈ છે. વયમર્યાદાને કારણે નિવૃત્ત થતા કર્મચારીની જગ્યા દશબાર વર્ષ પછી પણ ન ભરાતાં ત્યાં હંગામી કે કોન્ટ્રાક્ટ પર વ્યક્તિ રાખી તે કામગીરી ચલાવાય છે. પરિણામે યુવા પેઢીએ સ્પર્ધામાં ટકી રહેવા ખૂબ મોટી ટક્કર આપવી પડે છે. જેથી તે હતાશ નિરાશ થઈ માનસિક ખેંચ અનુભવે છે. જે અંગે હાથ ધરાયેલા સર્વેક્ષણમાં યુવાને આપેલ પ્રતિભાવોમાં જાણવા મળ્યું કે તેમની સામે ડગલે ને પગલે પડકારો છે. પોતાને સક્ષમ સાબિત કરવા તે જાત ઘસી નાંખે છે.

ટોચ પર પહોંચી જવાય તો ત્યાં ટકી રહેવા એનું પ્રેસર પીછો છોડતું નથી. આ બધી વિપત્તિમાં કેમ ટકવું તે શીખવવાનો શાળા કે મા-બાપ પાસે સમય નથી. જ્યાં મા-બાપ શીખવવા તૈયાર છે ત્યાં છોકરાં તૈયાર નથી. પોતાની સૂઝે ચાલતાં ખોટાં સાબિત થતાં જીવન ટુંકાવે છે. બીજી તરફ વડીલોનો યુવાનો માટેનો ઝોક હકારાત્મક નથી જણાતો. દર રવિવારે મે વેકેશનમાં પ્રવાસ જાય છે. આવા વિપરીત સંજોગોમાં યુવાન ટટ્ટાર શી રીતે ઊભા રહેવાય તથા માનસિક તાણ કઈ રીતે નિયંત્રિત કરવી તે અંગેનું શિક્ષણ શાળા/કોલેજ કક્ષાએ શીખવવું ખૂબ જ આવશ્યક બની ગયું છે.
વ્યારા,   -પ્રકાશ સી. શાહ- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

 વિસરાતો વસંતનો વૈભવ
સવારે ચા પાણી પીધા પછી કેલેંડર તરફ નજર કરી તો ખબર પડી કે આજે વસંત પંચમી છે. મોબાઇલ આપણા જીવનમાં આવ્યા પછી પણ બે વસ્તુઓ અડીખમ ઊભી રહી છે. એક દૈનિકો અને બીજું કેલેન્ડર. વસંત હવે વગડામાં નહિ પણ કેલેન્ડરના પાના ઉપર ખીલતી જોવા મળે છે. યુવાનીને જીવનની વસંત કહેવાય છે અને ત્યારે પ્રકૃતિ પણ સૌંદર્યનું પાનેતર પહેરીને પૃથ્વી ઉપર મહાલતી જોવા મળે છે. જે  આંગળીઓ વચ્ચે પ્રિયતમાને આપવાનું ખીલેલું ગુલાબ જોવા મળતું હતું તે યુવાનની મુઠ્ઠીમાં હવે મોબાઇલ આવી ગયો છે. વન વગડા તરફ જતી કેડી પર વટેમાર્ગુને ચાલતો જોવો એ વસંતની ફલશ્રુતિ હતી. વસંતની ટપાલ લઈને આવનારી કોયલનો કલરવ આંગણામાં કયાં છે? 

ફલેટ સંસ્કૃતિમાં આંગણું નથી. પણ બાલ્કનીના બાર બાય ચાર ફૂટના અવકાશ વચ્ચેથી બે ચાર પંખીઓ વસંત ન હોય તો પણ જોવા મળે છે, એ આશ્વાસન ઓછું છે? લાકડાની બારસાખ અને નળિયાઓવાળાં ઘર ગયાં તો સાથે ચકલીના માળા પણ લુપ્ત થઇ ગયા. ઘરની તિરાડો, માળિયા અને મેડી ગોખ જ ન રહેતાં તણખણલાં ભેગાં કરીને ચકલી માળો પણ કેમ કરીને બાંધે ? હવે તો ચકલી માત્ર ‘બર્ડસ ગાર્ડન’  ના પિંજરમાં જ જોવા મળે તો મળે. આપણે વસંતની પટરાણી એવી ચકલીને સાવ વિસરી ન જઈએ એટલે દેખાડો કરવા વર્ષમાં એક વાર ‘ચકલી દિવસ ‘ ઉજવીએ છીએ.
સુરત      -પ્રભાકર ધોળકિયા- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top