તાજેતરમાં વિશ્વ માનસિક આરોગ્ય દિવસ ગયો. માનસિક આરોગ્ય એ સમુદાયની સામાજિક અને આર્થિક સુખાકારી માટેનું એક સંસાધન છે. સારા માનસિક આરોગ્યનો અભાવ વ્યકિતઓ અને સમાજ માટે ગંભીર ચિંતાનો વિષય બની શકે છે. એક સર્વે અનુસાર આપણા દેશમાં માનસિક આરોગ્ય સમસ્યાનો વ્યાપ 13.5 ટકા હોવાનું બહાર આવેલ છે. આનો એ અર્થ થયો કે આપણા દેશમાં વ્યકિત માનસિક આરોગ્ય સમસ્યાઓમાં કોઇ ને કોઇ પ્રકારનો સામનો કરી રહેલ છે. જ્યારે દેશમાં પ્રતિ દસ લાખની વસતિમાં દસ કરતાં પણ ઓછા માનસિક નિષ્ણાતો છે જેની સંખ્યા વધારવાની જરૂર છે.
WHO દ્વારા તાજેતરમાં જાહેર કરાયેલા આંકડા મુજબ વિશ્વમાં એક અબજથી વધુ લોકો માનસિક આરોગ્ય સંબંધિત વિકારોથી પીડાઇ રહ્યાં છે. જાગૃતિના અભાવે તથા સામાજિક તિરસ્કારના ભયથી માનસિક બિમારીથી પીડાતા 80 ટકા ભારતીયો જરૂરી સારવાર લેતાં નથી. આપણા દેશમાં મનોચિકિત્સકોની સંખ્યા વર્ષ 2016માં 6 હજાર હતી જે વર્ષ 2023માં વધીને 9 હજાર થયેલ છે. સાથે જ માનસિક સમસ્યાથી પીડાતાં લોકોની સંખ્યામાં પણ વધારો થયેલ છે. આપણા ગુજરાતમાં એક લાખની વસતીએ 1700 મનોચિકિત્સકોની જરૂરિયાત સામે માત્ર 318 મનોચિકિત્સકો જ છે. શારીરિક સ્વાસ્થ્યની જેમ માનસિક સ્વાસ્થ્યનું પણ એટલું જ મહત્ત્વ છે, જે આજે આપણે આપતા નથી.
સોલા- અમદાવાદ – પ્રવીણ રાઠોડ- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.