અમેરિકા (America)ની સ્ટાર જિમ્નાસ્ટ (Star gymnastic) સિમોન બાઇલ્સે ટોક્યો ગેમ્સ (Tokyo Olympics) દરમિયાન અચાનક જ જિમ્નાસ્ટીકની સ્પર્ધાઓમાંથી ખસી જવાનો (Left competition) નિર્ણય કર્યો અને તેના કારણે અમેરિકામાં મેન્ટલ હેલ્થ (Mental health) બાબતે લોકોમાં ઉંડો રસ ઊભો કર્યો છે. મીડિયા પર રિસર્ચ (Research) કરતી એજન્સી ન્યૂઝવ્હીપના આંકડાઓને આધારે એક વેબસાઇટ એક્સિયોસ.કોમે જણાવ્યું છે કે બાઇલ્સ સ્પર્ધાઓમાંથી ખસી તે પછી મેન્ટલ હેલ્થ બાબતે સમાચારો કે અન્ય માહિતીઓ સર્ચ કરનારા લોકોની સંખ્યામાં મોટો ઉછાળો આવ્યો હતો.
નિરિક્ષકોનું કહેવું છે કે ઓલિમ્પિક ગેમ્સ એવી તક હોય છે કે જ્યારે સમાજના તમામ તબક્કાના લોકોનું ધ્યાન તેના પર હોય છે અને તેમાં બનનારી ઘટનાઓ સમાજ પર ઘેરી અસર નાંખે છે. સિમોન બાઇલ્સ આમ પણ એક મોટી સ્ટાર છે અને અમેરિકાને તેની પાસેથી જિમ્નાસ્ટિકની સ્પર્ધાઓમાં ઘણાં મેડલની આશા હતી. બાઇલ્સ ઘણી સ્પર્ધાઓમાંથી બહાર રહ્યા પછી જ્યારે જિમ્નાસ્ટીકની બેલેન્સ બાર સ્પર્ધામાં પાછી ફરી ત્યારે તેણે તેમાં બ્રોન્ઝ મેડલ જીત્યો અને તેની સાથે જ અમેરિકા વતી સર્વાધિક 7 મેડલ જીતવાના શેનોન મિલરના રેકોર્ડની બરોબરી કરી હતી.
ન્યૂઝ મીડિયાના એક અભ્યાસમાં એવી હકીકત સામે આવી છે કે બાઇલ્સે ઘણી સ્પર્ધાઓમાં ભાગ ન લેવાના કરેલા નિર્ણયથી મેન્ટલ હેલ્થના સવાલો પર એટલી વધુ વ્યાપક ચર્ચા જાગી કે જેટલી બ્રિટીશ પ્રિન્સ હેરી કે તેની પત્ની મેગન મર્કેલના ઇન્ટરવ્યુ કે ટેનિસ ખેલાડી નાઓમી ઓસાકા ફ્રેન્ચ ઓપનમાંથી ખસી જવાથી થઇ હતી. પ્રિન્સ હેરી અને મેગને અમેરિકાની પ્રસિદ્ધ ટીવી એન્કર ઓપરા વિન્ફ્રેને આપેલા ઇન્ટરવ્યુંમાં પોતાની મેન્ટલ હેલ્થ અંગે ચર્ચા કરી હતી. ઓસાકાએ પણ ફ્રેન્ચ ઓપનમાંથી જ્યારે નામ પાછું ખેંચ્યું ત્યારે તેણે મેન્ટલ હેલ્થનું કારણ જ આગળ કર્યુ હતું. હાલના આંકડાઓ અનુસાર બાઇલ્સે નામ પાછું ખેંચ્યા પછી તેના અને મેન્ટલ હેલ્થ સંબંધે ઓનલાઇન મીડિયા પર પ્રસિદ્ધ થયેલા અહેવાલોને 20 લાખ ઇન્ટરેક્શન અર્થાત લાઇક, કોમેન્ટ કે શેર મળ્યા હતા. મેગન અને હેરીના ઇન્ટરવ્યુ પછી જેટલા ઇન્ટરેક્શન આવા અહેવાલોને મળ્યા હતા તેનાથી બાઇલ્સના કેસમાં એ આંકડો 25 ટકા વધારે હતો. આ ઉપરાંત ગૂગલ પર મેન્ટલ હેલ્થ બાબતે થયેલા સર્ચના આંકડામાં પણ વધારો જોવાયો હતો.
નિરિક્ષકોનું કહેવું છે કે આ વર્ષે મેન્ટલ હેલ્થ બાબતે લોકોનો રસ સતત વધતો રહ્યો છે. નાઓમી ઓસાકાના કેસમાં પણ એવું જોવા મળ્યું હતું. જો કે બાઇલ્સનું પ્રકરણ વધુ ચર્ચિત બન્યું છે. થોડા દિવસો પહેલા બાઇલ્સ અને મેન્ટલ હેલ્થ બાબતે અમેરિકામાં 9 હજારથી વધુ આર્ટિકલ છપાયા છે. એ ઉલ્લેખનીય છે કે બાઇલ્સ, ઓસાકા અને મેગન આ ત્રણેએ એવું કહ્યું છે કે સ્ટાર બનવાની આકરી કિંમત ચુકવવી પડે છે. તેણે લોકોની આશાઓનો મોટો બોજો ઉઠાવવો પડે છે. બાઇલ્સ કહે છે કે મેન્ટલ સ્ટ્રેસ અને તમામ લોકોની આશાઓના ભારથી તેનો આત્મવિશ્વાસ હલી ગયો છે. નિષ્ણાતોનું કહેવું છે કે આવી અવસ્થામાં માત્ર ખેલાડીના પ્રદર્શન પર જ અસર નથી પડતી પણ તેના આરોગ્ય પર મોટું જોખમ આવી પડવાનો ખતરો પણ રહે છે.