નડિયાદ: નડિયાદ નગરપાલિકાના સભાખંડમાં આજે ઈન્ચાર્જ ચીફ ઓફીસર અને પ્રમુખ સ્થાનેથી સામાન્ય સભા યોજાઈ હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતાનું અવસાન થતા સભા શરૂ કરતા પહેલા 2 મિનિટનું મૌન પાળી તેમને શ્રદ્ઘાંજલિ આપવામાં આવી હતી. બાદમાં પ્રમુખે સામાન્ય સભામાં રજૂ કરેલા એજન્ડા અને પ્રમુખ સ્થાનેથી લેવાયેલા કામો મંજૂર છે, તેમ કહી સભા આટોપી લીધી હતી. જો કે, આ દરમિયાન સત્તાધારી પક્ષના દિગ્ગજોએ વિરોધ નોંધાવતા ભાજપનો જૂથવાદ ફરી એકવાર સામે આવ્યો હતો.
નડિયાદ નગરપાલિકામાં પ્રમુખ રંજનબેન પટેલે સામાન્ય સભાના એજન્ડા નં.1થી 30 અને પ્રમુખ સ્થાનેથી લેવાયેલા કામો મંજૂર છે, તેવો નાદ લગાવી બહુમતીના જોરે ચર્ચા વગર જ 30 સેકન્ડમાં સભા આટોપી લીધી હતી. જો કે, પ્રમુખ સ્થાનેથી લેવાયા 5 કામો પૈકી 3 નંબરના કામમાં નડિયાદ પશ્ચિમમાં વોર્ડ નં. 11માં કશીભાઈ પાર્ક પાસે પાલિકાના કોમ્પલેક્ષમાં આવેલી દુકાનોની પુનઃ હરાજી કરવાનો નિર્ણય લેતા ભાજપના જ દિગ્ગજો વિરોધમાં ઉતર્યા હતા. વોર્ડ નં. 11ના 2 કાઉન્સિલરો પૈકી સંજય પટેલ અને વિજયભાઈ પટેલે વિરોધ નોંધાવ્યો હતો. તેમાંય નોંધનીય બાબત એ છે કે, સંજય પટેલ પ્રદેશ ભાજપના આમંત્રિત સભ્ય છે અને અગાઉના પ્રમુખ દિપીકાબેન પટેલના પતિ છે.
તો ભાજપના સિનિયર કાઉન્સિલર વિજય પટેલ (બબલભાઈ) હાલ ટાઉન પ્લાનીંગ કમિટિના ચેરમેન છે. તેમણે દુકાનોની ફેરહરાજીનો વિરોધ નોંધાવ્યો હતો. તેમના આ વિરોધમાં ખુદ પાલિકાના ઉપપ્રમુખ કિન્તુભાઈ દેસાઈ, રોડ કમિટિના ચેરમેન મિતેશ પટેલ અને નગરપાલિકાના દંડક કલ્પેશ રાવલે પણ સમર્થન આપી વિરોધ નોંધાવ્યો હતો. આ ઘટનાથી નડિયાદ ભાજપના બે જૂથનો વિવાદ ચરમસીમાએ હોવાનું સ્પષ્ટ દેખાઈ રહ્યુ છે. જો કે, તમામ માથાકૂટો વચ્ચે કરોડોના વિકાસ કાર્યોને કોઈપણ જાતની ચર્ચા વગર મંજૂર કરી દેવાયા છે.
આ ઉપરાંત અન્ય જે મહત્વનો નિર્ણય લેવાયો છે, તેમાં નડિયાદ નગરપાલિકા દ્વારા શહેરમાં વર્ષોથી અપાયેલી ભાડ્ડાપટ્ટાની મિલકતોનો ભાડાપટ્ટો પૂર્ણ થતા માલિકો ખાલી કરતા નથી. જેથી આ જમીનો/દુકાનો અને મિલકતો પરનો કબજો પાછો મેળવવા માટે ભાડુઆતો-કબ્જેદારોને નોટીસ પાઠવવા અને નિયમોનુસાર કાર્યવાહી કરવાની બાબતને મંજૂરી અપાઈ છે. ત્યારે થોડા દિવસથી પાલિકાની પાછળ જૂની કલેક્ટરની સામેની બે દુકાનો વેપારી દ્વારા ગેરકાયદેસર કબ્જો જમાવવાનો પ્રયત્ન થતા મામલો ગરમાયો હતો. જેને પગલે આ નિર્ણય લેવાયો હોવાનું સૂત્રોએ જણાવ્યુ છે.
વેરો વધારવા મામલે વિરોધ નોંધાવ્યોઃ ગોકુલ શાહ
નડિયાદ નગરપાલિકાના ચીફ ઓફીસર સામાન્ય સભામાં હાજર ન રહેતા ઈન્ચાર્જ ચીફ ઓફીસર હાજર હતા. જેથી ચીફ ઓફીસર હાજર રહે તે જરૂરી છે. જેથી તેનો વિરોધ દર્શાવ્યો છે. આ ઉપરાંત એજન્ડા પૈકી 5 મુદ્દે વિરોધ નોંધાવ્યો, જેમાં નડિયાદ નગરની પ્રજાને પ્રાથમિક સુવિધા મળતી નથી, તેવા સંજોગોમાં પાલિકાએ સફાઈ અને પાણી સહિતની સુવિધામાં વેરા વધારો કર્યો છે, તેનો વિરોધ નોંધાવ્યો છે. આ ઉપરાંત પાલિકાના નવા બિલ્ડીંગનું કામ આપવાનું હોય તે મુદ્દાનો વિરોધ કર્યો હતો. તો પાલિકાનું ફીટનેશ સર્ટી મંગાવવા માંગ કરી હતી. કેટલાંક એજન્ડામાં ચીફ ઓફીસર અને પ્રમુખને નિર્ણય લેવાની સત્તા આપતા તે કયા નિયમ હેઠળ અપાઈ છે, પ્રમુખ સ્થાનેથી લેવાયા 1થી 4 કામો અને સંતરામ નિલયમ કોમ્પલેક્ષની દુકાનોની ફેર હરાજી મામલે વિરોધ દર્શાવ્યો છે. – ગોકુલ શાહ, અપક્ષ કાઉન્સિલર
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતાનું અવસાન થતાં બે મિનિટનું મૌન રાખવામાં આવ્યું
વિધાનસભા ચૂંટણી સમયે રદ્દ થયેલી નડિયાદ નગરપાલિકાની સામાન્ય સભા શુક્રવારે સભાખંડમાં યોજાઈ હતી. આ સભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબાનું મોડી રાત્રે 3 વાગે નિધન થયુ હોવાથી, સભા પહેલા તેમની આત્માની શાંતિ માટે 2 મિનિટ મૌન રાખવામાં આવ્યુ હતુ અને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી. બાદમાં સભા શરૂ કરી હતી.
પ્રમુખનું કાયમી ઘર બનશે, શહેરને બોર્ડ મળશે
ટી.પી. સ્કીમ નં. 5ના ફાઈનલ પ્લોટ નં. 123ને નગરપાલિકાના પ્રમુખના રહેઠાણ માટે રીઝર્વ રખાયો છે. તે જગ્યા પર રહેઠાણ મકાન બનાવવા માટેનો એજન્ડા મંજૂર કરાયો છે. તો નડિયાદ શહેરમાં સોસાયટીઓમાં, શેરીઓના સાઈનબોર્ડ, સોસાયટીઓના નામના બોર્ડ અને મેઈન રોડનું બોર્ડ મુકવાનું પણ આયોજન કરાયુ છે.
સફાઈ સંદર્ભે અનેક મહત્વના નિર્ણય
નડિયાદ શહેરમાં ગંદકીની સમસ્યા મુદ્દે અત્યાર સુધી નિષ્ફળ રહેલી નગરપાલિકાએ આ વખતે મહત્વના ઠરાવ કર્યા છે. જેમાં ન.પાલિકામાં કાયમી સફાઈકર્મીઓની ભરતી કરવી, સેનેટરી વિભાગ સબંધિત કર્મચારીઓ અને અધિકારીઓ સમયસર હાજર રહે તે માટે એટેન્ડન્સ મશીન લગાવવા, શહેરના ગાર્બેજ પોઈન્ટ પર સીસીટીવી લગાવવા અને કચરો નાખતા પકડાય તેને દંડનું પ્રાવધાન કરવા અને કચરો ઉઘરાવતા સાધનોમાં જી.પી.એસ. સિસ્ટમ લગાવવા માટે નિર્ણય લેવાયો છે. તો ચીફ સેનેટરી ઈન્સપેક્ટર અને મદદનીશ સેનેટરી ઈન્સપેક્ટર માટે વાહનો લેવાની જોગવાઈ કરાઈ છે. આ તમામ પ્રયત્નોથી શહેરમાં ગંદકી દૂર કરવા સંદર્ભે મહત્વના નિર્ણય કહી શકાય.
શહેરને CCTV અને ફાયર બ્રિગેડને ગાડી મળશે
નડિયાદ નગરપાલિકામાં જાહેર સ્થળો જેવા કે ખેતા તળાવ વોક વે, સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ આગળ સુરક્ષા દ્રષ્ટિએ CCTV, દાવલીયાપુરા, ઈપ્કોવાલા હોલ સહિત શહેરના ગાર્બેજ પોઈન્ટ પર સીસીટીવી લગાવવાનો નિર્ણય કરાયો છે. તો વળી, નડિયાદ શહેર એ જિલ્લાનું વડુમથક હોય અને આજુબાજુમાં લાગતી આગ ઉપરાંત મહત્વની બેઠકો માટે ગાડીની જરૂર હોવાથી ગાડી ખરીદવાનો નિર્ણય કરાયો છે.