મેલબોર્ન: (Melbourne) સ્પેનિશ ટેનિસ સ્ટાર અને માજી વર્લ્ડ નંબર વન રફેલ નડાલે (Rafael Nadal) રવિવારે અહીં રમાયેલી મેન્સ સિંગલ્સની ઓસ્ટ્રેલિયન ઓપનની ફાઇનલમાં (Australian Open Final) રશિયાના દાનિલ મેદવેદેવને 2-6, 5-7, 6-4, 6-4, 7-5થી હરાવીને ચેમ્પિયન બનવાની સાથે જ 21મું ગ્રાન્ડસ્લેમ ટાઇટલ જીતીને ઇતિહાસ રચ્યો હતો. ઓસ્ટ્રેલિયન ઓપન જીતવાની સાથે જ નડાલ પોતાના દિગ્ગજ સમકાલીન રોજર ફેડરર અને નોવાક જોકોવિચને પાછળ છોડીને સર્વાધિક ગ્રાન્ડસ્લેમ (Grand slam) ટાઇટલ જીતનારો પુરૂષ ખેલાડી બન્યો હતો. ફેડરર અને જોકોવિચ બંને 20-20 ગ્રાન્ડસ્લેમ ટાઇટલ જીત્યા છે.
- પોતાની કેરિયરમાં કુલ મળીને 21 ગ્રાન્ડસ્લેમ ટાઇટલ જીતનાર નડાલ માત્ર બીજીવાર ઓસ્ટ્રેલિયન ઓપન ટાઇટલ જીત્યો છે
- ઓસ્ટ્રેલિયન ઓપનમાં પહેલા બે સેટ હાર્યા પછી નડાલ પહેલીવાર મેચ જીત્યો, ગ્રાન્ડસ્લેમમાં પહેલા બે સેટ હાર્યા પછી તે માત્ર બે મેચ જીત્યો અને 16 હાર્યો છે
રફેલ નડાલે જીતેલા 21 ગ્રાન્ડસ્લેમ ટાઇટલમાં ઓસ્ટ્રેલિયન ઓપનમાં આ તેનું માત્ર બીજું ટાઇટલ રહ્યું છે. આ પહેલા તે 2009માં રોજર ફેડરરને હરાવીને ઓસ્ટ્રેલિયન ઓપન ચેમ્પિયન બન્યો હતો અને હવે તેણે મેદવેદેવને હરાવીને બીજીવાર ઓસ્ટ્રેલિયન ઓપન ટાઇટલ જીત્યું છે. નડાલે આજની ફાઇનલમાં પ્રથમ બે સેટ હાર્યા પછી મેચમાં વાપસી કરીને જીત મેળવી હતી. ઓસ્ટ્રેલિયન ઓપનમાં પહેલા બે સેટ હાર્યા પછી નડાલ કદી મેચ જીતી શક્યો નહોતો. આ ઉપરાંત કોઇપણ ગ્રાન્ડસ્લેમ મેચમાં પહેલા બે સેટ હાર્યા પછી તે માત્ર બે વાર જીતી શક્યો છે અને 19 વાર તે હાર્યો છે. આ સાથે જ નડાલ ચોથીવાર પાંચ સેટ સુધી ચાલેલી ગ્રાન્ડસ્લેમ ફાઇનલ જીત્યો છે.
રફેલ નડાલના કુલ 21 ગ્રાન્ડસ્લેમ
ગ્રાન્ડસ્લેમ જીત
ફ્રેન્ચ ઓપન 13 વાર
યુએસ ઓપન 4 વાર
વિમ્બલ્ડન 2 વાર
ઓસ્ટ્રેલિયન ઓપન 2 વાર