મહેસાણા: સાગરદાણ કૌભાંડમાં (Sagardan Scam) મહેસાણા (Mehsana) કોર્ટે આજે પૂર્વ ગૃહમંત્રી અને દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીને (Vipul Chaudhary) 7 વર્ષની કેદની સજા ફટકારી છે. મહેસાણાના દૂધસાગર ડેરી (Dudhsagar Dairy) સાગરદાણ કૌભાંડ મામલે આજે કોર્ટે (Court) ચુકાદો આપ્યો છે. જે મામલે રાજ્યના પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરીને આજે ઝટકો લાગ્યો છે. રાજનેતા વિપુલ ચૌધરીને સાત વર્ષની સજા ફટકારવામાં આવી છે. જો કે આ કેસમાં કોર્ટે વિપુલ ચૌધરી સહિત કુલ 15 આરોપીઓને દોષિત ઠેરવવમાં આવ્યા છે. કોર્ટે સજા સંભળાવી હોવાથી હવે તેઓ આગામી ચૂંટણી લડી શકશે નહીં. તેમના સહિત કુલ 15 અરોપીઓને 7 વર્ષની સજા સંભળાવવામાં આવી છે.
વિપુલ ચૌધરીના નેતૃત્વમાં મહેસાણા જિલ્લાની દૂધસાગર ડેરીમાં રૂ. 600 કરોડની હેરાફેરી અને ભ્રષ્ટાચારનો આરોપ આજે કોર્ટે સાચો જણાતાં વિપુલ ચૌધરીને સજા ફટકારવામાં આવી છે. ભૂતપૂર્વ ગૃહ પ્રધાન વિપુલ ચૌધરી જેઓ 2005 થી 2016 સુધી ડેરીના ચેરમેન હતા. તેમના 11 વર્ષના કાર્યકાળ દરમિયાન છ કૌભાંડો અને હેરાફેરીનો આરોપ છે. મળતી માહિતી મુજબ વર્ષ 2013માં રૂ.22.50 કરોડનું સાગરદાણ મહેસાણાથી ગેરકાયદેસર રીતે મહારાષ્ટ્ર મોકલવામાં આવ્યુ હતું. જે મામલે 2014માં વિપુલ ચૌધરી સહિતના આરોપીઓ સામે ફરિયાદ નોંધાઈ હતી. જેમાં પોલીસ દ્વારા સાગરદાણ કૌભાંડમાં પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરી સામે 21 હજાર પાનાની ચાર્જશીટ દાખલ કરાવામાં આવી હતી. જો કે આ કેસમાં કુલ 22 લોકો આરોપીઓ સામેલ છે. પરંતુ કોર્ટનો ચુકાદો આવે એ પહેલા જ 22 આરોપીઓ પૈકી 3ના મૃત્યુ થયા છે.
ગુજરાત એન્ટી કરપ્શન બ્યુરો (ACB) હાલમાં મહેસાણા પોલીસ દ્વારા દાખલ કરાયેલા સાગરદાણ કૌભાંડના ચુકાદા સિવાય ચૌધરી સામેના અન્ય કેસોની તપાસ કરી રહી છે. એસીબીના વર્તમાન ડિરેક્ટર અનુપમ સિંહ ગેહલોતે વિપુલ ચૌધરીના ભ્રષ્ટાચારની તપાસ માટે ડીઆઈજી રેન્કના અધિકારીની આગેવાની હેઠળ એસઆઈટીની રચના કરી છે. જેમાં એક ડીએસપી અને 3 પોલીસ ઈન્સ્પેક્ટરનો સમાવેશ થાય છે. વિપુલ ચૌધરીની એસીબી દ્વારા 16 સપ્ટેમ્બર 2022ના રોજ આ કેસોમાં ધરપકડ કરવામાં આવી હતી. બાદમાં તેમને સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળી ગયા હતા, પરંતુ આજના નિર્ણય બાદ વિપુલ ચૌધરીની મુશ્કેલીઓ ચોક્કસ વધશે કારણ કે તેની રાજકીય કારકિર્દી પર પણ અસર પડશે.