એક સમયે ભાજપ (BJP)સાથે ગઠબંધન સરકાર ચલાવનાર જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને PDP (Peoples Democratic Party) ના પ્રમુખ મહબૂબા મુફ્તીએ (Mehbooba Mufti) કેન્દ્રની મોદી સરકાર સામે આક્ષેપોની ઝડી વરસાવી છે. મહેબૂબાએ કહ્યું કે, જમ્મુ-કાશ્મીરમાં (Jammu-Kashmir) બેરોજગારી ખૂબ જ વિકટ પ્રશ્ન બન્યો છે, ત્યારે કેન્દ્ર સરકારના નેતાઓ માત્ર રીબીનો કાપવા સિવાય કશું કરતા નથી. જમ્મુ-કાશ્મીરમાં 370 કલમ દૂર થયા બાદ અહીં દૂધ અને મધની નદીઓ ઉભરાશે તેવા દાવા કરનારા શોધ્યા જડતા નથી. દેશભરમાંથી 70 મંત્રીઓ અહીં રીબીનો કાપવા આવ્યા હોવા છતાં સૌથી વધુ બેરોજગારી અહીં જ છે. કેન્દ્રની મોદી સરકાર (Modi Government)જે પ્રકલ્પોના ઉદ્દઘાટન કરી રહી છે તેની શરૂઆત મનમોહન સરકારે કરી હતી. વર્તમાન કેન્દ્ર સરકાર દ્વારા જમ્મુ-કાશ્મીરમાં એક પણ યોજના શરૂ કરવામાં આવી નથી.
- જમ્મુ-કાશ્મીરમાં બેરોજગારી વિકટ પ્રશ્ન બન્યો છે
- કાશ્મીરી પંડિતો રસ્તા પર આવી ગયા, રાહત માટે પ્રદર્શન કરી રહ્યાં છે
- નહેરૂ અને વાજપેયી પાસે જમ્મુ-કાશ્મીર માટે વધુ સ્પષ્ટ નીતિઓ હતી
- વર્તમાન સરકાર હિન્દુ-મુસ્લિમો વચ્ચે ભાગલા પાડી રહી છે
મહેબૂબાએ આકરું વલણ અપનાવતા કહ્યું કે, જમ્મુમાં રિલાયન્સના સ્ટોર્સ ખોલવામાં આવે છે, ત્યારે શું સરકારે વિચાર્યું કે નાના વેપારીઓનું શું થશે? હવે તેઓએ ઘણું સહન કરવું પડશે. જમ્મુ-કાશ્મીરની અર્થવ્યવસ્થા બરબાદ કરી નાંખવામાં આવી છે. હું અને મારો પક્ષ, રિલાયન્સ સ્ટોર્સની વિરુદ્ધ, જમ્મુ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા એલાન કરાયેલા બંધને સમર્થન કરીએ છીએ.
કાશ્મીરી પંડિતો આજે રસ્તા પર છે અને દર મહિને નહીં મળતા રાહત ફંડ માટે પ્રદર્શન કરી રહ્યાં છે. વર્તમાન કેન્દ્ર સરકારે કાશ્મીરી પંડિતોની દુર્દશા કરી છે. જમ્મુ-કાશ્મીર પ્રત્યે નહેરૂ અને વાજપેયી સરકારની નીતિઓ વધુ સ્પષ્ટ હતી. હાલની મોદી (Modi Government) સરકારને જમ્મુ-કાશ્મીર વિશે કોઈ જ જ્ઞાન નથી. તેઓ પાસે કોઈ સ્પષ્ટ નીતિ નથી. આજે અહીં ભ્રષ્ટ્રાચાર ફૂલ્યોફાલ્યો છે. ખાણમાફિયા પ્રદેશને બરબાદ કરી રહ્યાં છે.
જમ્મુ કાશ્મીરની પૂર્વ CM મહેબૂબાએ વધુમાં કહ્યું કે, દિલ્હીમાં રહેતા લોકો જમ્મુ-કાશ્મીરનો પ્રયોગ એક પ્રયોગશાળા તરીકે કરી રહ્યાં છે. નહેરૂ-વાજપેયી જેવા નેતા પાસે પોતાનું વિઝન હતું. પરંતુ આ સરકાર હિન્દુ-મુસ્લિમો વચ્ચે ભાગલા પાડી રહી છે. હવે સરદાર ખાલિસ્તાની થઈ ગયા છે અને અમે પાકિસ્તાની થઈ ગયા છે. એક માત્ર ભાજપ વાળા જ હિન્દુસ્તાની છે.