દાહોદ: દાહોદ શહેર સહિત જિલ્લામાં વિરામ લીધો હતો અને છેલ્લા ઘણા દિવસોથી અસહ્ય ગરમી અને બફારાનું સામ્રાજ્ય પણ સર્જાયું હતું ત્યારે સાંજના ચારેક વાગ્યાના સમયગાળા દરમ્યાણ વાદળછાયા વાતાવરણ વચ્ચે અડધા કલાકની મેઘરાજાની પુનઃ ધમાકેદાર એન્ટ્રીના પગલે સર્વત્ર વરસાદી પાણી છવાઈ ગયાં હતાં. વાતાવરણમાં ઠંડક પ્રસરતાં લોકોને ગરમીથી રાહત મળી હતી. ભાદરવામાં મેઘરાજા મહેરબાન રહેતાં દાહોદ શહેર સહિત જિલ્લામાં નદી, નાળા, તળાવો, ડેમો વિગેરે જળાશયો વરસાદી પાણીથી છલકાઈ ગયાં હતાં. ધીમે ધીમે વર્ષાઋતુ વિદાય લઈ રહી છે અને ભાદરવો માસ પુર્ણ થતાં હાલ આસોસુદ મહિનો ચાલી રહ્યો છે અને આજે પાંચમો નોરતો થઈ રહ્યો છે.
છેલ્લા ઘણા દિવસોથી દાહોદ શહેરમાં અસહ્ય ગરમી તેમજ બફારાથી લોકો હેરાન પરેશાન થઈ ગયાં હતાં. આકરા તાપ વચ્ચે લોકો ગરમીથી ત્રાહિમામ્ પોકારી ગયાં હતાં ત્યારે અસહ્ય ઉકળાટ વચ્ચે આજરોજ બપોર બાદ બાદળછાયા વાતાવરણ વચ્ચે મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરતાં દાહોદ શહેરમાં અડધા કલાકની અંદર સર્વત્ર વરસાદી પાણી છવાયાં હતાં. ઠંડક પ્રસરતાં લોકોને ગરમીથી મહદઅંશે રાહત મળી હતી બીજી તરફ હાલ નવરાત્રી ચાલી રહી છે ત્યારે એકક્ષણે વરસાદને પગલે ગરબા આયોજકોમાં પણ ચિંતા જાેવા મળી હતી.
ગોધરા શહેરમાં વર્ષ બાદ ખેલૈયાઓ ગરબાના તાલે ઝૂમી ઊઠ્યાં
ગોધરાના બામરોલી રોડ વિસ્તારમાં આવેલી મુક્તાનંદ સોસાયટી તેમજ કાછીયાવાડ ચોકમાં અને કોઠંબામા એક વર્ષ બાદ ફરી ખેલૈયાઓ ગરબાના તાલે ઝૂમી ઊઠ્યા. કાછીયાવાડ ગોધરામાં વર્ષોની પરંપરા પ્રમાણે કાછિયા સમાજ દ્વારા ગરબાનું આયોજન કરાયું જેમાં સૌપ્રથમ પુરુષો ના ગરબા અને તે પૂર્ણ થયા બાદ મહિલાઓ માટે ગરબા રમાડવામાં આવે છે. અહી ખૂબ જ સુચારું આયોજન સાથે આ વર્ષે નવરાત્રીમા કાછીયાવાડ ના ગરબા આયોજકો દ્વારા કરવામાં આવ્યુ હતુ. ગોધરા નગરપાલિકા પ્રમુખ સંજય સોની, કાઉન્સેલર રૂપલ મેહતા તથા સાંઈ ક્રિષ્ના યુવક મંડળ ના આયોજકો પણ બાળકો સાથે ગરબાના તાલે ઝૂમીને નવરાત્રી ની મજા માણી હતી.અને બાળકોને ગરબાના અંતે લ્હાણી વહેચવામાં આવી. (તસવીર-મહેન્દ્ર દરજી)