Columns

ભગવાનને મળીને

એક નાનકડી છોકરી, પરી જેવી સુંદર અને એકદમ મીઠડી..તે રોજ સાંજે પોતાની નાનકડી બેગમાં પાણી, નેપકીન, નાસ્તો, ચોકલેટ, કેક, બિસ્કીટ પેક કરી ગાર્ડનમાં રમવા જાય.ગાર્ડનમાં રમતાં રમતાં થાકી ગયા બાદ તે એક બેંચ પર બેસીને નાસ્તો કરવા લાગી.ત્યાંથી પસાર થતાં બે છોકરાઓને તેણે ચોકલેટ આપી …છોકરાઓ ખુશ થઇ ગયા અને મીઠડી છોકરીએ બિસ્કીટ આજુબાજુ રમતા કૂતરાઓને આપ્યા.સામેની બેંચ પર બેઠેલા એક વૃધ્ધ અંકલ તેને જોઈ રહ્યા હતા. નાનકડી પરીની નજર પણ તેમની પર પડી. તે મીઠું હસી અને સામેની બેંચ પર બેઠેલા અંકલ પાસે ગઈ અને પ્રેમથી હસીને પૂછ્યું, ‘અંકલ કેક ખાશો?’ અંકલ ભૂખ્યા હતા.

તેમણે હા પાડી. તરત કેક લઈને ખાવા લાગ્યા.અને કેક ખાઈ લીધા બાદ અંકલ મીઠું વ્હાલભર્યું હસ્યા…છોકરીએ આટલું પ્રેમાળ સ્મિત ક્યારેય જોયું જ ન હતું.તેને બીજી કેક અંકલ તરફ આગળ કરી તેઓ ફરી હસ્યા અને કેક લઈને ખાવા લાગ્યા.છોકરી તેમને જોતી ઊભી રહી. તેમને કેક ખાઈ લીધી પછી છોકરીએ તેને પાણી આપ્યું.અંકલ ફરીથી એવું જ મીઠું હસ્યા અને છોકરીના માથે  વ્હાલથી હાથ ફેરવી ચાલ્યા ગયા. નાનકડી છોકરી નાચતી ..કૂદતી ખૂબ જ ખુશ થતી થતી ઘરે પહોંચી અને મમ્મીએ દરવાજો ખોલ્યો..ત્યારે પોતાની નાનકડી ઢીંગલીનાં ચહેરા પર ચમકતી ખુશી જોઇને તેને પૂછ્યું, ‘કેમ દીકરા, આજે કંઇક અલગ જ ખુશ લાગે છે? શું થયું?’

નાનકડી પરી બોલી, ‘મોમ, આજે મને ગાર્ડનમાં બેંચ પર ભગવાન મળ્યા …ભગવાને મારા હાથે એક નહિ, બે બે વાર કેક લઈને ખાધી અને મને વ્હાલ કર્યું અને મારી સામે એટલું સુંદર હસ્યા કે મને ખૂબ જ ખુશી મળી.’ મમ્મી નાનકડી છોકરીની વાત સાંભળી રહી. આ બાજુ પેલા ભૂખ્યા અંકલ પોતાના ઘરે પહોંચ્યા. તેઓ ખુશીથી સીટી વગાડતા પોતાના ઘરની બહાર બેઠા.. બાજુવાળાએ પૂછ્યું, ‘અંકલ, આજે કૈંક બહુ ખુશ લાગો છો?’ અંકલ બોલ્યા, ‘અરે, આજે ગાર્ડનમાં મને ભગવાન મળ્યા, મા એ બાળસ્વરૂપે આવી મને કેક ખવડાવી મારી ભૂખ શાંત કરી અને પ્રેમથી પાણી પીવડાવ્યું…ભગવાનને મળીને હું ખુશ ખુશ થઇ ગયો છું.’ બાજુવાળાને બહુ કંઈ સમજાયું નહિ. અહીં એ સમજવાનું છે કે આપણા બધાની અંદર સ્નેહ અને પ્રેમ સ્વરૂપે એક ભગવાન જ રહે છે.જરૂર છે એકબીજાના દિલમાં વસતા ઈશ્વરને ઓળખવાની…તો બધાને ભગવાન મળીને ખુશ થઇ શકશે.
-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top