National

દેશની પહેલી રેપિડ રેલનું અહીં કરાયું સ્ટેટિક ટ્રાયલ

મેરઠ: (Meerut) દેશની પ્રથમ રેપિડ રેલનું સ્ટેટિક ટ્રાયલ (Static Trial Of Rapid Rail) આજે દુહાઈ ડેપો ખાતે કરાયું હતું. દિલ્હી અને મેરઠ વચ્ચેની યાત્રા માત્ર 50 મિનિટમાં પૂરી કરવાનું સપનું ઝડપથી સાકાર થવા જઈ રહ્યું છે. દુહાઈ ડેપો ખાતે દેશની પ્રથમ રેપિડ રેલનું સંચાલન શરૂ કરવામાં આવ્યું છે. એનસીઆરટીસીના (NCRTC) અધિકારીઓના જણાવ્યા અનુસાર આ પ્રી-ટ્રાયલ મેડન-રન છે. રેપિડ રેલનું મુખ્ય ટ્રાયલ વડાપ્રધાન અને મુખ્યમંત્રીની હાજરીમાં કરવામાં આવશે. એક તરફ આ ટ્રાયલ સફળતા પૂર્વક પુરું કરાયું હતું ત્યારે રેપિડ રેલના પ્રાથમિકતા વિભાગના મુખ્ય ચાર સ્ટેશનો (Station) નું કામ પણ હવે ઝડપથી આગળ વધી રહ્યું છે. સ્ટેશનોના નિર્માણનું કામ લગભગ 75 ટકા કામ પૂર્ણ થઈ ગયું છે. નેશનલ કેપિટલ રિજન ટ્રાન્સપોર્ટ કોર્પોરેશને બ્રહ્મપુરી સ્ટેશનની ડિઝાઇન બહાર પાડી છે. બ્રહ્મપુરી એલિવેટેડ સ્ટેશન (Elevated Station) છે.

મળતી માહિતી અનુસાર દિલ્હી-મેરઠ વચ્ચે ઓક્ટોબર 2022માં રેપિડ રેલ ફાયનલ ટ્રાયલ કરવામાં આવશે. સપ્ટેમ્બરના અંતમાં ટ્રાયલ રનને ધ્યાનમાં રાખીને, ગુલધર, સાહિબાબાદ પછી, મેરઠ રોડ તિરાહા સ્ટેશન પર પ્લેટફોર્મ લેવલ પછી કામ શરૂ થયું છે. સાહિબાબાદ અને ગુલધર સ્ટેશનમાં 95 ટકા બાંધકામ પૂર્ણ થઈ ગયું છે. NCRTCએ તેના સત્તાવાર સોશિયલ મીડિયા એકાઉન્ટ પર 51-સેકન્ડનો વીડિયો અપલોડ કર્યો છે જેમાં દુહાઈ ડેપોમાં રેપિડ રેલ 700 મીટરના ટ્રેક પર દોડતી જોવા મળે છે. આ ટ્રાયલમાં નેશનલ કેપિટલ ટ્રાન્સપોર્ટ રિજન કોર્પોરેશન (NCRTC)ના એમડી વિનય કુમાર સિંહ હાજર હતા.

દુહાઈ ડેપોમાં એકમાત્ર ગ્રાઉન્ડ સ્ટેશનનું બાંધકામ પૂર્ણ
રેપિડ રેલના અગ્રતા વિભાગના દુહાઈ ડેપો ખાતે નિર્માણાધીન એકમાત્ર ગ્રાઉન્ડ સ્ટેશનના નિર્માણને લગતું કામ લગભગ પૂર્ણ થઈ ગયું છે. 17 કિલોમીટર લાંબા પહેલા વિભાગમાં બનેલા દુહાઈ ડેપો સ્ટેશન પર ટ્રેક બિછાવીને પ્લેટફોર્મ તૈયાર કરવામાં આવ્યું છે. સ્ટેશન પર સિગ્નલનું કામ પૂર્ણ થઈ ગયું છે તો બીજી તરફ પ્લેટફોર્મ પર શેડ નાખવાની કામગીરી શરૂ થઈ ગઈ છે. પ્રથમ વિભાગમાં દુહાઈ સ્ટેશનનું કામ હજુ થોડું પાછળ છે પરંતુ 24 કલાકની શિફ્ટમાં ચાલતું કામ જોતાં સમયસર ટાર્ગેટ પૂરો થવાની પ્રબળ શક્યતા છે. NCRTCના મુખ્ય જનસંપર્ક અધિકારી પુનીત વત્સ કહે છે કે દુહાઈ ડેપો સ્ટેશન પર પ્લેટફોર્મ પર શેડ લગાવવાનું કામ શરૂ થઈ ગયું છે. પ્રથમ વિભાગના બાકીના સ્ટેશનોમાં કામ અગાઉના તબક્કામાં છે.

ઈલેક્ટ્રીકલ લાઈનો અને સાધનો ઈન્સ્ટોલ થતાની સાથે જ સ્ટેશન સપ્ટેમ્બર સુધીમાં ટ્રાયલ રન માટે તૈયાર થઈ જશે. આજુબાજુના 18 ગામોના લોકોને દુહાઈ ડેપો સ્ટેશનનો લાભ મળશે. રેપિડ રેલ માર્ચ 2023માં સાહિબાબાદથી દુહાઈ પ્રાયોરિટી સેક્શન સુધી શરૂ થશે. દુહાઈ ડેપો સ્ટેશન ભીક્કનપુર ગામ પાસે બનેલો છે. જેથી ગામના લોકોને લાંબી મુસાફરી કરવી પડશે નહીં. થોડીવારમાં ગ્રામજનો તેમના ઘરથી સ્ટેશનનું અંતર કાપી શકશે.

ટનલ બનાવવાનું કામ સ્પીડમાં
દિલ્હીથી મેરઠ સુધીના 82 કિલોમીટરમાં રેપિડ રેલનું કામ ચાલી રહ્યું છે. મેરઠમાં પરતાપુરથી બેગમપુલ સુધી રેપીડ રેલનું ઝડપથી થઈ રહ્યું છે. સાથે જ ટનલ બનાવવાનું કામ પણ રાત-દિવસ ચાલી રહ્યું છે. મેરઠના બ્રહ્મપુરી સ્ટેશનથી આગળ એક અંડરગ્રાઉન્ડ ટ્રેક બનાવવામાં આવશે જે ગાંધીબાગ પર સમાપ્ત થશે. મેરઠમાં ત્રણ સ્ટેશન અંડરગ્રાઉન્ડ બનાવવામાં આવશે જેમાં મેરઠ સેન્ટ્રલ, બેગમપુલ અને ભેંસલી બસ સ્ટેન્ડનો સમાવેશ થાય છે. સાથે જ મેરઠમાં રેપિડ રેલના ટ્રેક પર મેટ્રો પણ ચલાવવામાં આવશે. સાહિબાબાદથી દુહાઈ સુધીનો પ્રથમ તબક્કો માર્ચ 2023માં શરૂ થવાની સંભાવના છે. જ્યારે મેરઠ રેપિડ રેલ 2024 ના અંત સુધીમાં દોડવાનું શરૂ કરે તેવ શક્યતા છે.

Most Popular

To Top