Columns

જીવનશિક્ષણનું માધ્યમ: ઘર

કોરોના મહામારીવશાત્ શાળાઓમાં અપાતું વર્ગખંડ શિક્ષણ અટક્યું. ઉપાય તરીકે ઑનલાઈન શિક્ષણ મૂકાયું તો વિદ્યાર્થીઓમાં મોબાઈલ એડીકશન વધ્યું. બાળકો માટે હિતાવહ નથી તેવી વેબસાઈટની વ્યુઅર્સ સંખ્યામાં ૬ર%નો વધારો નોંધાયો. વિદ્યાર્થીઓ ઘરમાં જ. આથી ઘરખર્ચમાં ર૩%નો વધારો થયો. પણ તેથી વિશેષ મા-બાપ માટે બ્રિધિંગ સ્પેસ અને કંઈક અંશે પ્રાઇવસી ઘટતાં ગુજરાત રાજ્યના પોલીસ ચોપડે ફેમિલી ક્રાઈમમાં ૧૭%નો વધારો નોંધાયો. એક જમાનામાં બોર્ડની પરીક્ષાઓ વિદ્યાર્થીઓ માટે અઘરી બની રહેતી તે જ સેન્ડરી, હાયર સેકન્ડરી બોર્ડ માટે હવે પરીક્ષા લેવી આફતરૂપ બનતાં શિક્ષણ વિભાગને મારા પ્રમોશનની બેધારી તલવાર જેવો રસ્તો અખત્યાર કરવો પડ્યો છે. આગળ ખાઈ અને પાછળ કૂવા જેવી સ્થિતિ સમાજ વેઠી રહ્યો છે ત્યારે ઉપાય તરીકેના ટૂંકા ગાળાના અને લાંબા સમય માટેના નિર્ણયો એક સાથે વિચારતા રહ્યા. ભગવાન કૃષ્ણ અને સુદામાના સમયની ગુરુકુળ વ્યવસ્થામાં પરિસ્થિતિના જવાબ શોધવાના બદલે | ડિઝાસ્ટર મેનેજમેન્ટ તરીકે બાળકોની તાલીમી વ્યવસ્થાને દુરસ્ત કરવી રહી.

અંગ્રેજો દુનિયામાં જે દેશોમાં ગયા ત્યાં ચાર દીવાલના ઓરડામાં પાછળ કાળું પાટિયું, તે પછી શિક્ષકની જગ્યા, તે પછી ટેબલ અને બચતી જગ્યામાં વિદ્યાર્થીઓ બેસે તેવી વર્ગખંડ વ્યવસ્થાને જ્ઞાનની આપ-લે માટેના સાધન તરીકે આધારભૂત ગણવામાં આવી. પરંતુ કોવિડ મહામારીના સોશ્યલ ડિસ્ટન્સથી વર્ગખંડ તૂટી પડયા છે. શિક્ષકો, આચાર્યો, વ્યવસ્થાપકો અને તંત્ર દિશાહીન જણાય છે. અંગ્રેજોએ ૧૯૩૨માં સ્થાપેલ શાળા સંકુલ બંધ છે. પરંતુ શિક્ષણ પરિસરમાં થતાં બાળઘડતરના બીજા ૪ આયામો તો શાળા અને શિક્ષકોની ગેરહાજરીમાં પણ સારી રીતે પાર પાડી શકાય તેમ છે. જેમ કે,

1. સ્વાસ્થ્ય વિકાસ: શાળા પરિસરમાં સમૂહ કવાયત, રમત-ગમત અને વિષયખંડ તરીકે એકથી બીજા સ્થળે ચડ-ઉતરમાં વિદ્યાર્થીઓને શારીરિક વ્યાયામ મળતો. રીસેસમાં સહુ સાથે બેસી ઘરનો પોષક આહાર લેતાં. આથી સ્વાસ્થ્યલક્ષી કાળજી લેવાતી. શાળા બંધ થતાં સરેરાશ બાળકોનાં વજનમાં વધારો નોંધાયો છે. પરંતુ મા-બાપ પોતાનાં સંતાનો સાથે સાયકલિંગ, વોકિંગ, બેડમિન્ટન જેવી રમતો ઘરના ફળિયામાં, શેરીમાં કે અગાશીમાં પણ રમી બાળકોના અને પોતાના સ્વાસ્થ્યની કાળજી તો લઈ જ શકે.

2. બાળકનું સામાજીકીકરણઃ શાળા પરિસરમાં પ્રારંભની સમૂહ પ્રાર્થના, શાળાસમિતિઓના માધ્યમથી શાળાસંકુલ સ્વચ્છતા અને સજાવટ પ્રકારનાં કાર્યોમાં બાળકનું સામાજીકીકરણ થતું એ સાચું, પણ શાળાની ગેરહાજરીમાં મા-બાપ પોતાના ૮ થી ૧૭ વર્ષનાં બાળકો માટે અનાજ સાફ કરવું, પ્રિસ્ક્રીપ્શન પ્રમાણે દવાઓ લાવવી, ઘરમાં કચરા-પોતાં કરવાં, ફૂલ-કુંડાં સજાવવાં, નળનું વૉશર બદલવું કે ફયુઝ બાંધવા પ્રકારે રોજનાં ૫-૭ કામો આપી તેની નોંધ રાખી રાત્રીનાં ખાણાં સમયે કામનું મૂલ્યાંકન કરી બાળકને અભિનંદન આપી શકે તો કુટુંબમાં જ બાળકનું શ્રેષ્ઠ ઘડતર થશે. મેડમ મોન્ટેસરીનું તો વિધાન છે કે, માતા-પિતા એ જ બાળક માટે શ્રેષ્ઠ યુનિવર્સિટી છે.” 3. વૈયક્તિક સજ્જતા: શાળામાં લેવાતી વિકલી ટેસ્ટ, વર્ગખંડમાં અપાતાં પ્રોજેક્ટનાં ગ્રેડ, વિદ્યાર્થીને આગળના બેન્ચ ઉપર બેસી મળતું વિશેષ સન્માન પ્રકારની શહેરી માનસિકતાથી બાળકમાં વૈયક્તિક સજ્જતાના વિસ્તારની વાત જોવા મળે છે. પરંતુ શાળા બંધ છે તો વર્ગખંડની સજ્જતા તાલીમ મા-બાપ ઘરે પણ યોજી શકે છે.

બાળકને વ્યક્તિગત રીતે પડકારોની સામે પ્રતિબદ્ધ કરવા તેને ઘરની ખરીદીનું કામ સોંપો, ઘરનો હિસાબ રાખતાં શીખવો, ઈસ્ત્રીમાં અપાતાં કપડાંની ગણતરી તો ઘરમાં આવતાં સફાઈ – રસોઈનાં માણસો પાસેથી કામ લેવાની તાલીમ આપો. જે સ્માર્ટ ફોનથી ઑનલાઈન રહે તે ગુગલ એપ ઉપરથી ભારતીય ઔષધિઓ’, “આઝાદીનાં ૭૫ વર્ષની ગૌરવવંત ઘટનાઓ” તે પ્રકારે ચાર્ટ તૈયાર કરતાં શીખવો. આ પ્રક્રિયા શાળા પરિસર કરતાં વધુ અસરકારક બની રહેશે.

4. મૂલ્ય શિક્ષણઃ “યુવલ હરારી’ નામે ઇતિહાસકારે સેપિયન્સ નામે ઐતિહાસિક નોંધમાં પ્રશ્ન મૂક્યા છે કે ૧૫૦૦-૨૦૦૦ સિપાન્ઝી કોઈ એક સ્થળે ભેગાં થાય તો? શાળા સંકુલમાં આ જ સંખ્યામાં માણસો એકત્ર થાય છે. પણ કંઈક નવું સર્જન કરીને બહાર નીકળે છે. માણસ અને સિપાન્ઝીના જેનેટિકલ કલર કોર્ડ ૯૯% સરખાં છે, જે ૧% નો ફરક છે તે માનવમૂલ્યનો તફાવત છે. શાળા પરિસર બાળકમાં મૂલ્યનું શિક્ષણ રોપશે તેવી આશા હતી. પણ સૅલ્ફ ફાઈનાન્સ કલ્ચરના વાતાવરણમાં વિદ્યાર્થીઓના આચરણમાં મૂલ્યો દૂર-દૂરની બાબત બનતી જોઈ રહ્યા છીએ ત્યારે તો નરસિંહનું પદ યાદ આવે છે ‘ભલું થયું ભાંગી જંજાળ. પોતાના બાળકને રોજ એક ભલાઈની આદતથી જીવવાનું શિક્ષણ મા-બાપ ઘરેથી આપે. માબાપ સંસ્કારભર્યો વર્તાવ કરે તો બાળક આપોઆપ માનવતાના રસ્તે વહેશે.

વર્ષ ૧૩૩9થી જીવનનાં મૂલ્યોની જાળવણી માટે જીવનનિર્વાહ માટેની આવડતો કેળવી સ્વમાની વ્યક્તિ તરીકેની તાલીમમાં વિશ્વાસ રાખતી ભાવનગરની શિશુવિહાર સંસ્થાએ છેલ્લા ૧૪ માસથી 4ર-૫૦ બાળકો સાથે જીવનશિક્ષણ કાર્ય કર્યું છે. બંધ શાળા છતાંએ વિદ્યાર્થીઓ સ્વસ્થ અને તંદુરસ્તીસભર સર્જનાત્મક રીતે આવડતો કેળવી રહ્યાં છે. ગત માર્ચ ર૦૧૯ પછીની જાગૃત વાલી નામે ચાલતી પ્રવૃત્તિ થકી જીવનશિક્ષણનો અભિગમ વર્ગખંડની બહાર કાઢયો તો ઉત્તમ પરિણામો મળ્યાં છે. ૭૫ વર્ષ પહેલાં અંગ્રેજો દેશ છોડી જતાં રહ્યાં પણ મેકોલે દ્વારા સ્થપાયેલ રોજમદારોનું શિક્ષણ આજે પણ છોડી શક્યું નથી. આથી શાળા શિક્ષણ વર્ગખંડની વ્યવસ્થા ખરી પડતાં આપણે પાનખરની વ્યથા અનુભવીએ છીએ. પણ અનુભવ કહે છે કે જીવનશિક્ષણ અને જ્ઞાનની આપ-લે થકી નવી પેઢીને જવાબદાર અને કામઢા બનાવવાનું કામ તો કુટુંબ પણ સુપેરે પાર પાડી જ શકે છે.
ડો.નાનક ભટ્ટ આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top