સુરત: સરથાણા વિસ્તારમાં રહેતા અને દવાની કંપની માલિકનું શંકાસ્પદ મોત (Death) નિપજ્યું છે. હોસ્પિટલમાં (Hospital) એમએલસીમાં નોંધ કરાવી છે કે તેમને દવા (Medicine) પીધી છે પરંતુ પોસ્ટ મોર્ટમમાં (PM) હાલ એવો કોઈ ખુલાસો નથી થયો. તેથી સેમ્પલ લેવામાં આવ્યા છે.
સરથાણા પોલીસ સ્ટેશનમાંથી મળતી માહિતી અનુસાર સરથાણામાં વ્રજ ચોક પાસે ગજેરા રેસિડેન્સીમાં રહેતા મગનભાઈ જીણાબાઈ કપુરિયા( 50 વર્ષ) દીકરા સાથે દવાની કંપની ચલાવે છે. ગતરોજ સવારે મગનભાઈએ ચા નાસ્તો કર્યા બાદ અચાનક તેમની તબિયત લથડી હતી. તેમનો દીકરો સારવાર માટે હોસ્પિટલમાં લઈ ગયો હતો. ત્યાં ડોક્ટરે નોંધ કરી કે મગનભાઈએ કોઈ દવા પી લીધી છે. ત્યારબાદ સરથાણા પોલીસને જાણ કરાઈ હતી. સારવાર દરમિયાન મગનભાઈનું મોત નિપજ્યું હતું. સરથાણા પોલીસે અકસ્માત મોતનો બનાવ નોંધીને આગળની તપાસ હાથ ધરી છે. તપાસ કરનાર હેડ કોન્સ્ટેબલ વિજય બાબુભાઈએ જણાવ્યું હતું કે મોતનું ચોક્કસ કારણ સામે આવ્યું નથી. દવા પીધી છે કે નથી તે પણ સ્પષ્ટ નથી. પોસ્ટ મોર્ટમમાં પણ કાંઈ ખુલાસો નથી થયો. તે માટે સેમ્પલ લેવામાં આવ્યા છે.
ગેંગડીયા રોડ પર બાઈક ઉપર ઝાડની ડાળી પડતાં 6 વર્ષીય બાળકનું મોત
રાજપીપળા: પરિવાર સાથે મજુરી કામે જઈ રહેલાં શ્રમજીવીની મોટરસાયકલ ઉપર ઝાડની ડાળી પડતાં તેમના 6 વર્ષીય પુત્રનું મોત નીપજ્યું છે, જ્યારે 8 વર્ષીય પુત્રી હજુ પણ બેભાન હાલતમાં હોવાનું જાણવા મળ્યું છે. મળતી માહિતી અનુસાર મુનીયાભાઇ ઉકડીયાભાઇ કનશીયા (રહે. ચીખોડા તા. સોંઢવા જી. અલીરાજપુર એમ.પી), પોતાની પત્ની ગોમતીબેન તથા પુત્ર વિશાલ (ઉ.વ.૬) તથા પુત્રી આશા (ઉ.વ.8) તથા પુત્રી સોનુ સાથે પોતાના ઘરેથી મજુરી કામ અર્થે પોતાની મો.સા. નંબર-GJ-06-EJ-9082 ઉપર અંકલેશ્વર જતા હતાં. તે વખતે ગેંગડીયા ગામ નજીક રોડની બાજુમા આવેલ ઝાડની ડાળ મો.સા પર પડતા મુનીયાભાઇ તથા તેની પત્ની ગોમતીબેનને ઇજા થઈ હતી. તેમજ પુત્ર વિશાલ તથા પુત્રી આશાને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી. જેઓને પ્રથમ સારવાર સરકારી દવાખાના તિલકવાડા ખાતે આપી વધુ સારવાર માટે વડોદરા ખાતે રીફર કર્યાં હતાં. જેમાં સારવાર દરમ્યાન વિશાલનું મોત નીપજ્યું હતું, જ્યારે આશા બેભાન હાલતમાં છે તેવું જાણવા મળ્યું છે.