આપણા દેશમાં સ્વાસ્થ્ય બાબતે ભારે વિરોધાભાસ પ્રવર્તે છે. સરકારી સ્વાસ્થ્ય માટે માતબર બજેટ હોવા છતાં તંત્ર પૂરતી સેવા પહોંચાડી શકતું નથી, જયારે દેશમાં ખાનગી હેલ્થ સેકટર અત્યંત ઝડપથી વધી રહ્યું છે. વળી આપણા દેશમાં ખાનગી હેલ્થ સેકટરની સુવિધા અત્યંત આધુનિક હોવાના કારણે તેની સેવા લેનારાં નાગરિકોની સંખ્યા પણ વધી રહી છે. ભારતમાં અમેરિકા, ઇંગ્લેન્ડ, કેનેડા, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ વગેરેની તુલનામાં મેડિકલ ટ્રીટમેન્ટ પ્રમાણમાં ઘણી સસ્તી હોવાના કારણે વિદેશનાં લોકો સારવાર માટે ભારત આવી રહ્યાં છે.
આને મેડિકલ ટુરિઝમ કહેવાય છે. આ વિદેશનાં નાગરિકો માટે વિઝા સહિતની નીતિઓ સરકારે પણ હળવી કરી દીધી છે. ભારતમાં અત્યારે મેડિકલ ટુરિઝમનો કુલ બિઝનેસ 7417 મીલિયન ડોલરનો (2022ના આંકડા) છે. 2032માં 42237 મીલિયન ડોલર સુધી આંકડો પહોંચશે. લગભગ 20 લાખ લોકો હાલ વિદેશથી ભારત મેડિકલ ટ્રીટમેન્ટ માટે આવે છે. એનું મુખ્ય કારણ આપણે ત્યાં વર્લ્ડ કલાસ મેડિકલ ટેકનોલોજી ઉપલબ્ધ છે. અમેરિકા, બ્રિટન, રશિયા, અફઘાનિસ્તાન, ઇરાક, પાકિસ્તાન વગેરે દેશોથી લોકો અહીં સારવાર કરાવવા આવે છે.
હૃદયની શસ્ત્રક્રિયા, જોઇન્ટ રીપ્લેસમેન્ટ સર્જરી, સ્પાઇન, ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ (કિડની/લીવર વ.) જેવી અનેક પ્રકારની બિમારોઓ માટે વિદેશથી ભારતની હોસ્પિટલોમાં દર્દીઓ આવે છે. સુરતમાં પણ હવે ઘણી કોર્પોરેટ હોસ્પિટલો છે જયાં અત્યંત આધુનિક ઉપકરણો દ્વારા દર્દીઓની ટ્રીટમેન્ટ થાય છે. આવી કોર્પોરેટ હોસ્પિટલો જેવી કે કિરણ હોસ્પિટલ, મહાવીર હોસ્પિટલ, ગ્લોબલ હોસ્પિટલ, સનસાઇન હોસ્પિટલ વગેરે હોસ્પિટલોની મેનેજમેન્ટે પરદેશમાં માર્કેટીંગ કરવું જોઇએ જેથી વધુ ને વધુ દર્દીઓ અહીં સારવાર માટે આવી શકે અને સુરત પણ મેડિકલ ટુરિઝમ માટે એક આગવું સ્થળ બની શકે!
સુરત – ડો. કિરીટ ડુમસિયા આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.
કામ જ નામ અપાવે છે
‘ચાર્જિંગ – પોઈન્ટ’કોલમમાં હેતા ભૂષણે એક પ્રેરક – પ્રસંગ વર્ણવ્યો, જેમાં મીરાં નામની ટીચર નવસારીની એક શાળામાં બાળકોને રોજ ભણાવે છે અને બાળકો પણ પ્રેમથી મીરાં ટીચર તરીકે ઓળખે છે.આમ મીરાંને પોતાના કામ પ્રત્યે ખૂબ લગાવ હતો. તેના લગ્ન સુરતના એક શ્રીમંત પરિવારમાં નક્કી થયા તે પહેલાં તેણીએ સાસુ, સસરા તથા પતિને કહ્યું હતું. મારું જે કામ છે તે જ મારી ઓળખ છે. આથી લગ્ન પછી પણ બાળકોને તેણે ભણાવવાનું ચાલુ રાખ્યું, ઘરે બાઈક-કાર હોવા છતાં મીરાં રોજ સુરતથી નવસારી ટ્રેનમાં અપડાઉન કરતી હતી, સ્ટાફના મિત્રો કહેતા, તારે હવે નોકરીનું શું કામ છે. છતાં મીરાંએ કામ ચાલુ રાખ્યું હતું. આ બાબતે વધુ લખવા પ્રેરાયો છું. કોઇ પણ વ્યક્તિએ જે કામ-ધંધો સ્વીકાર્યો હોય તેમાં જ ઓતપ્રોત રહેવું જોઇએ, તમારું કામ જ તમને નામ અપાવશે. સીતારામ પરિવારના પૂ.બાલુરામ બાપુ કહે છે. ભગવાન શ્રી રામને ભજો, તે જ નામ-દામ, કામ- અપાવશે, કામમાં ખંતીલા રહો, આરામ માણસને આળસુ-પ્રમાદી બનાવી દે છે. સાચા દિલથી કામ કરશો તો તમારી મનોકામના પૂર્ણ થશે.
તરસાડા – પ્રવીણસિંહ મહીડા આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.