અમદાવાદ: અમદાવાદની બી.જે. મેડિકલ કોલેજના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓઓ ફાંસો ખાઈ આત્મહત્યા કરતા અરેરાટી ફેલાઈ જવા પામી છે, સાથે જ વિદ્યાર્થીઓમાં ગમગીની છવાઈ ગઈ છે. આ ઘટના અંગે પોલીસે ગુનો દાખલ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. જોકે આ આત્મહત્યા પાછળ હજુ કોઈ ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી.આ બનાવ અંગે મળતી માહિતી મુજબ મૂળ જામનગરના અને અમદાવાદ બી.જે. મેડિકલ કોલેજમાં ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતા ધ્રુવ ઘડિયાએ ફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી.
એક ડોક્ટર પેન્ટ્રીમાં ગયા ત્યારે ધ્રુવને લટકતો જોતા આ ઘટનાની જાણ થઈ હતી. તાત્કાલિક ધ્રુવને નીચે ઉતારી સારવાર માટે લઈ જવાયો હતો, પરંતુ ત્યાં તેને ફરજ પરના તબીબોએ મૃત જાહેર કર્યો હતો. આ બનાવ અંગે મેઘાણીનગર પોલીસે લાશને પોસ્ટ મોટરમાં માટે મોકલી વધુ તપાસ હાથ ધરી છે. સાથે જ પોલીસે ધ્રુવની સાથે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના નિવેદન લઈ આત્મહત્યાના કારણો જાણવા કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગે મળતી માહિતી મુજબ ધ્રુવે આત્મહત્યા કરવા માટે ઓનલાઇન દોરડું મંગાવ્યું હોવાનું પણ બહાર આવ્યું છે. આ અગાઉ તેણે બે વખત આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોવાનું પણ તેના મિત્રો વર્તુળમાંથી જાણવા મળ્યું હતું. અગાઉ મિત્રોએ તેને આત્મહત્યા કરતા રોકી લીધો હતો, આ વખતે પણ તેણે કેટલાક મિત્રોને વોટ્સઅપ પર આત્મહત્યા કરતા પહેલા મેસેજ કર્યા હતા, પરંતુ આ વખતે કોઈ મિત્ર તેને આત્મહત્યા કરતા રોકી શક્યા ન હતો.