આણંદ : આણંદ સહિત છેલ્લા દસ દિવસથી વેટરનરીના 1600થી વધુ તબીબો દ્વારા અનિશ્ચિતકાલીન હડતાલ કરવામાં આવી રહી છે. આમ છતાં સરકાર દ્વારા કોઈપણ સકારાત્મક પગલાં લેવામાં આવ્યા નથી. આથી છેલ્લા 72 કલાકથી તબીબો આમરણાંત ઉપવાસ પર ઉતર્યાં છે. જેમાં ગુરૂવારના રોજ ઉપવાસીની તબિયત આરોગ્ય વિભાગ દ્વારા ચેકઅપ કરવામાં આવી હતી. આણંદમાં વેટરનરી ડોક્ટર્સ દ્વારા વેટરનરી ઈન્ટર્નશીપ ભથ્થામાં વધારાની માંગ સાથે પાડેલી હડતાળને 11 દિવસ થવાં છતાં કોઇ પગલાં ભરવામાં આવ્યાં નથી.
તેમાંય છેલ્લા બે દિવસથી આમરણાંત ઉપવાસ શરૂ કરવામાં આવ્યો છે. આમરણાંત ઉપવાસના 48 કલાક પૂર્ણ થતાં વિદ્યાર્થીઓની હાલત ધીમે ધીમે લથડી રહી છે. વધુમાં જણાવવાનું કે વેટરનરી કોલેજની 100થી વધુ વિદ્યાર્થિની રક્ષાબંધનના દિવસે પણ ઘરે ન જઈને તેમના પ્રોફેશનને લઇ તેમના સ્વમાન ખાતર જ્યાં સુધી પોતાનો હક નહિ મળે ત્યાં સુધી આ હડતાળ ચાલુ રાખશે. જો સરકાર દ્વારા ટુંક સમયમાં સકારાત્મક પગલાં લેવામાં નહિ આવે તો વિદ્યાર્થીનીઓ પણ ભૂખ હડતાળમાં જોડાશે.
આણંદ વેટરનરી કોલેજનાં વિદ્યાર્થીઓ દ્વારા સરકાર સુધી પોતાની માંગ પહોંચાડવા અનેક પ્રયત્નો કરવામાં આવ્યાં હતાં. શરૂઆતનાં દિવસોમાં કલેક્ટર દ્વારા આવેદનપત્રો મોકલવામાં આવ્યાં હતાં. સરકારે કોઈ પ્રતિભાવ ન આપતાં આંદોલને ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. રેલી, ધરણાં પ્રદર્શન, સૂત્રોચ્ચાર કરવામાં આવ્યાં હતાં. નાટક, યજ્ઞ-હવન, રંગોળી દ્વારા પણ વિરોધ પ્રગટ કરવામાં આવ્યો હતો. પોતાની વેદના સરકાર સુધી પહોંચાડવા લોહીથી ચિહ્નિત પત્રો પણ મુખ્યમંત્રી, નાણામંત્રી અને કૃષિમંત્રીને મોકલાયા હતાં. આ ઉપરાંત 15થી વધુ વેટરનરી વિદ્યાર્થીઓએ મુંડન કરાવી પોતાનો રોષ અને વિરોધ વ્યક્ત કર્યો હતો. આણંદ કોલેજનાં 400થી વધુ વિદ્યાર્થીઓ એક દિવસીય પ્રતિક ઉપવાસ પર ઉતરી ગયાં હતાં. જો કે તેમ છતાં પણ સરકારએ હજી સુધી આ હડતાળ તરફ ચિંતાનો એક શબ્દ ઉચ્ચાર્યો નથી કે નથી કોઈપણ પ્રકારના અધિકારીએ સંપર્ક કરાયો. આથી વિદ્યાર્થીઓમાં વધુ રોષનો માહોલ જોવા મળી રહ્યો છે.
ઈન્ટર્નશિપ ભથ્થુ 18 હજાર કરવાની માંગ
નોંધનીય છે કે વેટરનરી ઈન્ટર્નશિપ ભથ્થુ જે હાલ રૂ. ૪૨૦૦ મળે છે, વધારીને ૧૮૦૦૦ કરવાની માંગ સાથે ગુજરાત રાજ્યનાં ૧૬૦૦ થી વધુ વિદ્યાર્થીઓ છેલ્લાં આઠ દિવસથી રાજ્યવ્યાપી અનિશ્ચિતકાલિન હડતાળ પર ઉતરેલાં છે. ઈન્ટર્નશિપ સ્ટાઈપેન્ડ જે અન્ય રાજ્યો જેવા કે પંજાબ – ૧૫૦૦૦, બિહાર – ૧૫૦૦૦, રાજસ્થાનમાં ૧૪૦૦૦ આપવામાં આવે છે. ગુજરાતમાં જ્યાં પશુપાલન અને ડેરી ઉદ્યોગ સુવિકસિત છે ત્યાં પશુચિકિત્સકોનાં ઈન્ટર્નશિપ વધારાની માંગ વખતોવખત ઉઠી રહી છે. આ માંગ ન સંતોષાતા હવે ગુજરાત રાજ્યની કામધેનુ યુનિવર્સિટીની ચારેય વેટરનરી કોલેજનાં ૧૬૦૦ થી પણ વધુ વિદ્યાર્થીઓ છેલ્લાં આઠ દિવસથી અનિશ્ચિતકાલિન હડતાળ પર ઉતરી ગયેલ છે. આ સાથે જ આણંદમાં પણ ૪૦૦ થી વધુ વેટરનરી વિદ્યાર્થીઓ હડતાળમાં જોડાયેલ છે. દેશભરની અન્ય વેટરનરી કોલેજો રાજસ્થાન, પંજાબ અને બિહારનાં પશુચિકિત્સકો પણ હવે ગુજરાતની આ હડતાળને સમર્થન આપી રહ્યાં છે.