- નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોના અધિકારીઓએ સતત પાંચ દિવસ સુધી વોચ કરીને ફેક્ટરી પકડી
- ૮૫ લાખની રોકડ સાથે ૪.૫ કિલોગ્રામ એમડી ડ્રગ્સ સાથે બે ઝડપાયા
વાપી, પારડી, વલસાડ : ગુજરાત નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરો(એનસીબી)ના ઇતિહાસનું સૌથી મોટું ઓપરેશન પાર પાડ્યું છે. વલસાડ નજીક કુંડી ગામ પાસે એક બંધ ફેક્ટરીમાં એમડી ડ્રગ્સ બનાવવાની ફેકટરી એનસીબીની ટીમે ઝડપી પાડી છે. એનસીબીની ટીમે પારડીમાં એમડી ડ્રગ્સની ડીલીવરી કરવા ગયેલા મુખ્ય સૂત્રધાર પ્રકાશ પટેલ તથા સોનુ રામનિવાસને ઝડપી પાડ્યા હતા. બંનેના ઘરમાંથી ૮૫ લાખની બેનામી રોકડ રકમ પણ એનસીબીની ટીમે કબજે લીધી હતી. ૨૦ કલાકના આ આખા ઓપરેશનમાં એનસીબીને સારી સફળતા મળી હતી. હજી આ રેકેટમાં અન્ય લોકોની સંડોવણી પણ બહાર આવે તેવી સંભાવના છે.
એમડી ડ્રગ્સ બનાવવાના સમગ્ર નેટવર્કને ઝડપી પાડવા માટે છેલ્લા પાંચ દિવસથી એનસીબીની અમદાવાદની ટીમે વોચ રાખી હતી. મંગળવારે પારડીમાં ડ્રગ્સની ડીલીવરી આપવાના સમયે નેશનલ હાઇવે પાસે કેન પ્લાઝા બી-૧૦૧માં એનસીબીની ટીમે રેડ કરીને બે વ્યક્તિની ધરપકડ કરી હતી. દમણીઝાપા સ્થિત કેન પ્લાઝામાં ટ્રાન્સપોર્ટનો ધંધો કરતો હોવાનું બતાવીને ભાડેથી અહીં રહેતો મૂળ હરિયાણાનો સોનુ રામનિવાસ એમડી ડ્રગ્સનું માર્કેટીંગ કરતો હતો. જ્યારે વલસાડના મોગરાવાડીમાં રહેતો પ્રકાશ પટેલ એમડી ડ્રગ્સનું ઉત્પાદન કરીને સપ્લાય કરતો હતો.
નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરોની ટીમે બંનેને રંગે હાથ ઝડપી પાડ્યા હતા. સોનુના ફ્લેટ પરથી એનસીબીની ટીમને ૨૫ લાખ રોકડા બિનહિસાબી મળી આવ્યા હતા. ત્યારબાદની તપાસમાં પ્રકાશ પટેલની પુછપરછમાં એમડી ડ્રગ્સ બનાવવાની આખી ફેક્ટરી ઝડપાઇ હતી. ગુજરાત એનસીબીની ટીમે ત્યારબાદ વલસાડ નજીક કુંડી ગામ પાસે એક બંધ ફેકટરીમાં એમડી ડ્રગ્સનું ઉત્પાદન થતું હોવાનું આખું રેકેટ ઝડપી પાડ્યું હતું. તેમજ વલસાડના મોગરાવાડી વિસ્તારમાં સહારા કો.ઓપરેટીવ હાઉસીંગ સોસાયટીમાં પ્રકાશ પટેલના ઘરે રેડ કરીને વધુ ૬૦ લાખની રોકડ રકમ કબજે લીધી હતી. આમ ૮૫ લાખની રોકડ તેમજ ૪.૫ કિલોગ્રામ એમડી ડ્રગ્સ ઝડપી પાડીને બંને શખ્સોની ધરપકડ કરી હતી. પ્રકાશ પટેલ કેમિસ્ટ હોવાનું જાણવા મળે છે. તેમજ દમણની એક ફાર્મા કંપનીમાં તે નોકરી કરતો હોવાનું પણ જાણવા મળે છે. આ આખા પ્રકરણનો માસ્ટર માઇન્ડ પ્રકાશ પટેલ હોવાનું હમણાં તો એનસીબીની તપાસમાં બહાર આવ્યું છે.
વલસાડના દાંડી ભાગળનો પ્રકાશ પટેલ માસ્ટર માઈન્ડ
એનસીબીની ટીમે એમડી ડ્રગ્સનું જે રેકેટ ઝડપી પાડ્યું છે તેનો માસ્ટર માઇન્ડ પ્રકાશ પટેલ મૂળ વલસાડ તાલુકાના કાંઠાના ગામ દાંડી ભાગળનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. તે કેમિસ્ટ છે. તથા દમણની એક ફાર્મા કંપનીમાં કેમિસ્ટ તરીકે કામ કરતો હોવાનું પણ જાણવા મળે છે. એમડી ડ્રગ્સ માટેનું રો મટીરિયલ દમણથી જ લાવતો હોવાનું મનાય છે. જોકે હાલમાં એનસીબીની ટીમે માસ્ટર માઇન્ડ પ્રકાશ પટેલ વિશે ખાસ વિગતો જાહેર કરી નથી. છતાં વલસાડના મોગરાવાડીમાં રહીને કુંડી ગામ પાસે ફેકટરીમાં એમડી ડ્રગ્સ બનાવતો હોવાની વિગતો જાહેર થતા લોકોમાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે.
એમડી ડ્રગ્સના રેકેટનો કઇ રીતે પર્દાફાશ થયો ?
એમડી ડ્રગ્સના વેપારમાં વાપીનું નામ ચર્ચામાં હતું. પરંતુ એમડી ડ્રગ્સની ફેક્ટરી ચાલતી હોવાની ચોંકાવનારી વિગતો જણાતા એનસીબીની ટીમે છેલ્લા પાંચેક દિવસથી વોચ રાખી હતી. જ્યારે એમડી ડ્રગ્સની ડીલીવરી માટે પ્રકાશ પટેલ વલસાડથી પારડી પહોંચ્યો ત્યારે તેની પાછળ એનસીબીની ટીમ પણ પહોંચી ગઇ હતી. જ્યાં સોનુને ૪.૫ કિલોગ્રામ એમડી ડ્રગ્સની ડીલીવરી આપતા જ રંગે હાથ બંનેને ઝડપી પાડવામાં આવ્યા હતા. ત્યારબાદ કુંડી ગામે ફેકટરીની તપાસ કરવામાં આવી હતી. એક બંધ ફેકટરીમાં ચૂપચાપ એમડી ડ્રગ્સ બનાવવાનું કામ પ્રકાશ પટેલ કરતો હતો. એનસીબીએ ત્યારબાદ વલસાડ પોલીસની ટીમને સાથે લઇને મોગરાવાડીમાં પ્રકાશના ઘરે તપાસ કરી હતી. તેમજ વલસાડ નજીક કુંડી ગામે તેની ફેકટરી પણ ઝડપી પાડી હતી.
વલસાડ જિલ્લા પોલીસ માટે પણ આ એક પડકારરૂપ કેસ
વલસાડ નજીક કુંડી ગામ પાસે એમડી ડ્રગ્સ બનાવતી ફેકટરી ઝડપાઇ ત્યાંથી કેટલો એમડી ડ્રગ્સનો જથ્થો ઝડપાયો તેની કોઈ વિગત એનસીબી દ્વારા જાહેર કરવામાં આવી નથી. આખી ફેકટરી પ્રકાશ પટેલે કેવી રીતે ઊભી કરી ? જેવા સવાલોના હજી જવાબ મળ્યા નથી. બીજી તરફ વલસાડ જિલ્લા પોલીસ માટે પણ આ એક પડકારરૂપ કેસ થયો છે. વલસાડ નજીક કુંડી ગામે એમડી ડ્રગ્સનું ઉત્પાદન કરવામાં આવતું હોય તેની સ્થાનિક પોલીસને કોઈ ગંધ સુધ્ધા નહીં આવી તે વાત પણ ચર્ચામાં છે. જ્યારે બીજી તરફ કુંડીમાં જે ફેકટરી મળી આવી તેની પણ ખાસ કોઈ વિગત એનસીબી દ્વારા જણાવવામાં આવી નથી. પહેલા તો વાપીના ડુંગરી ફળિયામાં ફેકટરી હોવાની વાત વહેતી થઇ હતી. ત્યારબાદ કુંડીમાં આ ફેકટરી છે તેની વિગત એનસીબી દ્વારા પણ જાહેર કરવામાં આવી ન હતી.
આખા રાજ્યમાં તથા બીજા રાજ્યો સુધી નેટવર્ક
વલસાડ નજીક કુંડીમાં એમડી ડ્રગ્સની ફેક્ટરી ઝડપાઇ તેનો માસ્ટર માઇન્ડ પ્રકાશ પટેલ એમડી ડ્રગ્સ ક્યારથી બનાવવાનું શરૂ કર્યુ તથા તેનો આ કાળો કારોબાર ક્યાં સુધી વિસ્તરેલો છે તેની વિગતો ખાસ વિગતો મળી નથી. પરંતુ રાજ્યમાં તેમજ અન્ય રાજ્યોમાં પણ એમડી ડ્રગ્સ પહોંચાડતો હોવાનું માનવામાં આવે છે. મૂળ હરિયાણાનો સોનુ રામનિવાસ એમડી ડ્રગ્સનું માર્કેટીંગ કરતો હતો. પરંતુ પારડીમાં જ્યાં રહેતો હતો ત્યાં તે ટ્રાન્સપોર્ટનો ધંધો કરતો હોવાનું જણાવ્યું હતું. પરંતુ આ કાળો કારોબારમાં હજી ઘણા લોકોની સંડોવણી બહાર આવે તેવી સંભાવના છે.